તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 8th September 2026
થાણેમાં ઊંચા વળતરની લાલચે રૂ. ૭.૦૯ કરોડનું મહાકૌભાંડ: વડાપાંઉ વિક્રેતા સહિત ૬૮ રોકાણકારો સાથે ઠગાઈ, ૬ ડિરેક્ટરો સામે ગુનો દાખલ
બોગસ કંપનીઓ બનાવી મહિનાના ૫ ટકા વ્યાજની આપી હતી ખાતરી: ડોમ્બિવલી પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી, છેતરપિંડીનો આંકડો હજુ વધવાની શક્યતા

થાણે : રોકાણ કરેલી રકમ પર અતિશય ઊંચા અને અવાસ્તવિક વળતરની લાલચ આપીને નિર્દોષ નાગરિકોને ઠગવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. થાણે પોલીસે એક ખાનગી ઈન્વેસ્ટમેન્ટ કંપનીના ૬ ડિરેક્ટરો વિરુદ્ધ ૬૮ રોકાણકારો સાથે રૂ. ૭.૦૯ કરોડની કથિત છેતરપિંડી કરવાનો ગુનો નોંધ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓએ પાછલા કેટલાક વર્ષોમાં અનેક બોગસ કંપનીઓ ઊભી કરીને આ મોટું કૌભાંડ આચર્યું હતું.
આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ મલાડના એક વડાપાંઉ વિક્રેતાની ફરિયાદ બાદ થયો હતો. વર્ષ ૨૦૧૮ માં વીમા પોલિસી લેવાની પ્રક્રિયા દરમિયાન તેને શેરબ્રોકિંગ કંપની ચલાવતા આરોપી સાથે ઓળખાણ થઈ હતી. આરોપીઓએ દર મહિને ૫ ટકાનું મબલખ વળતર આપવાની લાલચ આપતાં વડાપાંઉ વિક્રેતાએ શરૂઆતમાં રૂ. ૫,૦૦૦ અને બાદમાં રૂ. ૩ લાખનું રોકાણ કર્યું હતું. આ જોઈને તેમના સંપર્કમાં આવેલા અન્ય દઝનબંધ રોકાણકારો પણ આ યોજનામાં કરોડો રૂપિયા હોમી બેઠા હતા.
ઓફિસ બંધ કરી આરોપીઓ રફુચક્કર, ચેક પણ એક્સપાયર્ડ આપ્યા
જ્યારે રોકાણકારો વ્યાજની રકમ લેવા કંપનીની કાંદિવલી ઓફિસે પહોંચ્યા ત્યારે કર્મચારીઓએ વધુ ૪૫ દિવસનો સમય માગ્યો હતો અને પર્સનલ લોન આપ્યાનું સોગંદનામું કરાવી લીધું હતું. ત્યારબાદ આરોપીઓ ઓફિસ બંધ કરીને ભાગી ગયા હતા. બાદમાં ભાંડુપની મુખ્ય ઓફિસે મોકલાયેલા રોકાણકારોને રદ થયેલા ચેક આપીને કંપનીનું કામકાજ છ મહિના માટે સ્થગિત કરાયાનો ઈ-મેઈલ મોકલી દેવાયો હતો.
મે ૨૦૨૩ માં ભાંડુપ પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી હતી, પરંતુ જામીન પર છૂટ્યા બાદ તેણે નવી કોર્પોરેટ સ્કીમનો વિડીયો વાયરલ કરીને વડાપાંઉ વિક્રેતા પાસેથી યોજનાના નામે વધુ રૂ. ૮૦,૫૫૦ પડાવી લીધા હતા. આખરે વારંવાર ઉડાઉ જવાબો મળતાં પીડિતોએ ડોમ્બિવલીના રામનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. હાલમાં ૧૪ લાખથી લઈને ૮૪ લાખ રૂપિયા સુધી ગુમાવનારા ૬૮ રોકાણકારો સામે આવ્યા છે અને કૌભાંડનો આંકડો હજુ મોટો થવાની ધારણા છે.
(8:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
