<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th October 2026

15 ફૂટ લાંબો અને 250 કિલો વજનનો વિશાળ અજગર દેખાતા ગામમાં દોડધામ : કેટલાક હરખઘેલાઓ સેલ્ફી લેવા દોડ્યા

રાજસ્થાનના અલવરના ધાધીકર ગામમાં સરિસ્કા બફર ઝોન પાસે ખેતરમાં મહાકાય અજગરનું સામ્રાજ્ય, 5 લોકોએ માંડમાંડ રેસ્ક્યુ કરી જંગલમાં છોડ્યો

રાજસ્થાન તા.૧૦ : અલવર જિલ્લાના ધાધીકર ગામમાં શુક્રવારે એક વિશાળકાય અજગર દેખાતા ભારે દોડધામ મચી ગઈ હતી. સરિસ્કા ટાઈગર રિઝર્વના બફર ઝોન નજીક આવેલા ખેતરમાં આશરે 15 ફૂટ લાંબો અને 250 કિલો વજન ધરાવતો મહાકાય અજગર આરામ કરતો જોવા મળ્યો હતો.

 

અજગરને જોતા જ ખેતરમાં કામ કરતા ખેડૂતોના હોંશ ઉડી ગયા હતા અને ગામમાં બૂમાબૂમ થઈ ગઈ હતી. જોતજોતામાં આખું ગામ ભેગું થઈ ગયું હતું. કેટલાક યુવાનો ડરને બદલે હરખઘેલા થઈ અજગર સાથે સેલ્ફી અને વીડિયો લેવા માટે નજીક જવા લાગ્યા હતા, જેનાથી સ્થિતિ વધુ જોખમી બની હતી.

 

ઘટનાની જાણ થતા જ વન વિભાગ અને સ્થાનિક રેસ્ક્યુ ટીમને બોલાવવામાં આવી હતી. મહાકાય અજગરને પકડવો સહેલો નહોતો. 5 લોકોએ સાથે મળીને ભારે જહેમત બાદ લગભગ એક કલાકની મહેનત બાદ અજગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું.

 

વન વિભાગના જણાવ્યા મુજબ અજગર સંપૂર્ણ સ્વસ્થ હતો અને તેને કોઈ ઈજા ન થાય તે રીતે પકડીને સરિસ્કાના જંગલ વિસ્તારમાં સુરક્ષિત રીતે મુક્ત કરવામાં આવ્યો છે. વન વિભાગે લોકોને અપીલ કરી છે કે આવા વન્યજીવ દેખાય તો જાતે પકડવાનો કે સેલ્ફી લેવાનો પ્રયાસ ન કરે અને તરત વન વિભાગને જાણ કરે.

(4:22 PM IST)