<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th July 2026

ઇન્‍દોરમાં છ વર્ષથી માત્ર પેપર પર ચાલતી હોસ્‍પિટલમાં ૮૭ લોકોનો સ્‍ટાફ

૧૦૦ બેડની સિવિલ હોસ્‍પિટલ રાજકીય વિવાદનું કેન્‍દ્ર બની

ઇન્‍દોર તા.૬: ઇન્‍દોરના ખજરાનામાં પ્રસ્‍તાવિત ૧૦૦ બેડની સિવિલ હોસ્‍પિટલ રાજકીય વિવાદનું કેન્‍દ્ર બની ગઈ છે, કારણ કે આ હોસ્‍પિટલ ક્‍યારેય બની ન હોવા છતાં ૮૭ સરકારી જગ્‍યાઓ મંજૂર કરવામાં આવી હતી અને છેલ્‍લાં ૬ વર્ષમાં સ્‍ટાફ એના નામે ટ્રાન્‍સફર કરવામાં આવતો રહ્યો હતો. ખજરાણા અને આસપાસના વિસ્‍તારોના લાખો રહેવાસીઓ સારવાર માટે અન્‍ય સરકારી હોસ્‍પિટલો પર આધાર રાખે છે.

જૂન ૨૦૨૦માં મંજૂર કરાયેલા આ પ્રોજેક્‍ટ માટે હજી સુધી બાંધકામની જમીન ફાળવવામાં આવી ન હોવાથી એ પ્રોજેક્‍ટ અટકી ગયો છે. અધિકારીઓના જણાવ્‍યા અનુસાર હોસ્‍પિટલનું નિર્માણ ન થાય ત્‍યાં સુધી મંજૂર કરાયેલા ડોક્‍ટરો, નર્સો અને પેરામેડિકલ સ્‍ટાફને શહેરભરમાં સંજીવની ક્‍લિનિક્‍સ, પી. સી. સેઠી હોસ્‍પિટલ, હુકમચંદ હોસ્‍પિટલ અને અન્‍ય સરકારી આરોગ્‍યસંભાળ સુવિધાઓમાં અસ્‍થાયીરૂપે તહેનાત કરવામાં આવ્‍યા છે.

આ મુદ્દે ચીફ મેડિકલ અને હેલ્‍થ-ઓફિસર ડો. માધવ હસાની અને નાયબ મુખ્‍ય પ્રધાન અને આરોગ્‍યપ્રધાન રાજેન્‍દ્ર શુક્‍લાએ જણાવ્‍યું હતું કે યોગ્‍ય સરકારી જમીન ઉપલબ્‍ધ ન હોવાને કારણે વિલંબ થયો છે, જ્‍યારે મંજૂર કરાયેલા કર્મચારીઓ અન્‍યત્ર સક્રિય રીતે સેવા આપી રહ્યા છે.

જોકે કોન્‍ગ્રેસે આ ઘટનાને મોટું કૌભાંડ ગણાવ્‍યું છે. ભૂતપૂર્વ પ્રધાન સજ્જન સિહ વર્માએ આ મુદ્દે ઉચ્‍ચ સ્‍તરની તપાસની માગણી કરી છે અને પ્રશ્ન ઉઠાવ્‍યો છે કે ફક્‍ત કાગળ પર અસ્‍તિત્‍વ ધરાવતી હોસ્‍પિટલ માટે નિમણૂકો અને બદલીઓ કેવી રીતે ચાલી રહી છે. 

 

(10:47 AM IST)