તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૫ શુક્રવાર
News of Monday, 7th September 2026
દિલ્હીના શ્રદ્ધા વાલકર કેસ જેવો ભયાનક હત્યાકાંડ ગુવાહાટીમાં: પત્નીનું માથું કાપીને ફ્રિજમાં મૂક્યું, ઘરમાંથી અસહ્ય દુર્ગંધ આવતા ખૌફનાક ખેલનો પર્દાફાશ
કેબ ડ્રાઇવર પતિએ જ ૨૫ વર્ષીય રિયાનું માથું અને આંગળીઓ વાઢી નાખી ઘાતકી હત્યા કરી; સીઆઈડી અને ફોરેન્સિક ટીમે ગણતરીના કલાકોમાં નરાધમ પતિની ધરપકડ કરી

ગુવાહાટી, તા.૦૭: દેશને ધ્રુજાવી દેનારા દિલ્હીના ચર્ચિત શ્રદ્ધા વાલકર હત્યાકાંડ જેવી જ એક અત્યંત સનસનાટીભરી અને હૃદયકંપાવનારી ઘટના આસામના ગુવાહાટી શહેરમાંથી સામે આવી છે. અહીં એક પરણેતરે પોતાની જ પત્નીની અત્યંત નિષ્ઠુરતાથી હત્યા કરી તેના શરીરના ટુકડા કરી નાખ્યા હતા. આરોપી પતિએ પત્નીનું ધડથી અલગ કરેલું માથું પ્લાસ્ટિકની કોથળીમાં લપેટીને ફ્રિજની અંદર છુપાવી દીધું હતું, જ્યારે લોહીથી લુહાણ ધડને રૂમના ફ્લોર પર જ સડવા માટે છોડી દીધું હતું. આ ભયાનક દ્રશ્ય જોઈને તપાસ કરવા પહોંચેલી પોલીસ ટીમ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી.
આ દર્દનાક હોનારત ગુવાહાટીના બેલ્ટોલા વિસ્તારમાં આવેલા વસિષ્ઠપુર હાટીગાંવ ખાતે બની હતી. મૃતક દુર્ભાગી મહિલાની ઓળખ ૨૫ વર્ષીય રિયા તાલુકદાર તરીકે થઈ છે, જે સ્થાનિક બુટિકમાં કામ કરતી હતી. રિયાના થોડા મહિનાઓ પહેલાં જ કેબ ડ્રાઈવર રામાનુજન ગોસ્વામી સાથે લગ્ન થયા હતા. લગ્નના ટૂંક જ સમયમાં દંપતી વચ્ચે શું વાંધો પડ્યો તે હજુ અસ્પષ્ટ છે, પરંતુ પતિએ આવેશમાં આવીને પત્નીનું માથું અને હાથની આંગળીઓ ધડથી અલગ કરી નાખી હતી. તબીબી અનુમાન મુજબ આ હત્યા આશરે ૨૪ થી ૪૮ કલાક પહેલાં કરવામાં આવી હતી.
અંતે બંધ મકાનમાંથી અસહ્ય તીવ્ર દુર્ગંધ આવવા લાગતાં આસપાસના પાડોશીઓને ગંભીર શંકા ગઈ હતી. કોઈ અઘટિત ઘટના બની હોવાની આશંકાથી સ્થાનિકોએ તુરંત જ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો ત્યારે ચારેય તરફ લોહી અને ફ્રિજમાંથી કાપી નાખેલું માથું મળી આવ્યું હતું. ઘટનાની ગંભીરતા જોઈ સીઆઈડી (CID) અને ફોરેન્સિક ટીમને બોલાવવામાં આવી હતી. પોલીસે ઘર નજીક વોચ ગોઠવીને નોકરી પરથી પરત ફરી રહેલા આરોપી પતિ રામાનુજન ગોસ્વામીની ધડપકડ કરી લીધી છે, જેણે પૂછપરછમાં પોતાનો ગુનો કબૂલી લીધો છે.
(3:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
