તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 21st September 2026
ભાગલપુર ખાતે કર્મ-ધર્મ પર્વમાં સર્જાયો કાળમુખો અકસ્માત: તળાવમાં નહાવા પડેલા ૧૨ થી ૧૩ વર્ષના ૬ બાળકોના ડૂબી જવાથી કરુણ મોત
મિત્રને ઉગારવા જતાં એક પછી એક ૬ બાળકો ઊંડા પાણીમાં ગરકાવ થયા: એક જ ગામના ત્રણ છોકરા અને ત્રણ છોકરીઓના મોતથી માતમનો માહોલ

પટના (બિહાર), તા.૨૧: બિહારના ભાગલપુર જિલ્લામાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને કરુણ ઘટના સામે આવી છે. સુલતાનગંજ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા તરૈતા બહિયાર સ્થિત એક તળાવમાં કર્મ-ધર્મ ઉત્સવ નિમિત્તે સ્નાન કરવા ગયેલા ૧૨ થી ૧૩ વર્ષની વયના ૬ બાળકોના ડૂબી જવાથી દર્દનાક મોત નીપજ્યા છે. મૃતકોમાં ત્રણ સગા ભાઈ-બહેન સહિત ત્રણ છોકરાઓ અને ત્રણ છોકરીઓનો સમાવેશ થાય છે. પર્વના આનંદ વચ્ચે અચાનક બનેલી આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે.
મૃતક બાળકોની ઓળખ જ્યોતિ કુમારી, મીનાક્ષી કુમારી, આયુષ કુમાર, રાહુલ કુમાર, પૂજા કુમારી અને વિકાસ કુમાર તરીકે થઈ છે. આ પૈકી જ્યોતિ કુમારી સિવાયના તમામ બાળકો વિષ્ણુ ટોલા (વોર્ડ નંબર ૨૭) ના રહેવાસી હતા, જ્યારે રાહુલ અને પૂજા સગા ભાઈ-બહેન હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, બાળકો ઉત્સવ દરમિયાન એકસાથે તળાવમાં સ્નાન કરી રહ્યા હતા ત્યારે અચાનક એક બાળક ઊંડા પાણીમાં ગરકાવ થવા લાગ્યું હતું. તેને ડૂબતો જોઈને અન્ય બાળકો પણ તેને બચાવવાના ચક્કરમાં પાણીમાં કૂદી પડ્યા હતા, પરંતુ પાણીનું ઊંડાણ વધુ હોવાથી તમામ ૬ બાળકો ડૂબી ગયા હતા.
હોસ્પિટલ પહોંચાડતા પહેલા જ તબીબોએ મૃત જાહેર કર્યા
બાળકો ડૂબ્યા હોવાની જાણ થતાં જ મોટી સંખ્યામાં ગ્રામજનો અને પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તળાવમાંથી તમામ બાળકોને બહાર કાઢીને તાત્કાલિક સ્થાનિક રેફરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં ફરજ પરના તબીબોએ તપાસ બાદ તમામ ૬ બાળકોને મૃત જાહેર કર્યા હતા. પોલીસ પ્રશાસને તમામ બાળકોના મૃતદેહોને કબજે કરીને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યા છે અને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
(5:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
