તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 16th May 2026
બ્રિટનમાં ભારતીય મૂળના પાડોશી દેશના દંપતીને કાયદાનો આકરો પાઠ: પુત્રોના પાકિસ્તાનમાં જઈને બાળ લગ્ન ગોઠવવા બદલ બ્રિટિશ અદાલતે માતા-પિતાને ઠેરવ્યા દોષિત
"કાયદાનું અજ્ઞાન એ બચાવ નથી"; 17 વર્ષના સગીર પુત્રોના બળજબરી વિના નિકાહ કરાવવા છતાં યુકેની ક્રાઉન કોર્ટે ફટકારી સજા, મોબાઈલ ચેટ અને વીડિયો ફૂટેજથી ખૂલ્યો કાળો ચિઠ્ઠો

લંડન: બ્રિટનમાં સ્થાયી થયેલા એશિયન પરિવારો માટે લાલબત્તી સમાન એક અત્યંત મહત્વપૂર્ણ ચુકાદો યુકેની અદાલતે આપ્યો છે. ઇંગ્લેન્ડના ઇસ્ટ મિડલેન્ડ્સ પ્રદેશમાં રહેતા એક બ્રિટિશ પાકિસ્તાની પતિ-પત્નીને તેમના બે કિશોર વયના પુત્રોને નિકાહ માટે પાકિસ્તાન લઈ જવાની અને ત્યાં તેમના બાળ લગ્ન ગોઠવવાની ગુનાહિત વ્યવસ્થા કરવા બદલ અદાલતે દોષિત ઠેરવ્યા છે. યુકેની ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ (CPS) ના જણાવ્યા અનુસાર, નોટિંગહામના આ દંપતીએ પોતાના 17 વર્ષના સગીર પુત્રો માટે "લગ્ન કરવા માટે કોઈ કન્યા શોધવાના ચોક્કસ આયોજન સાથે" તેમને પાકિસ્તાન મોકલ્યા હતા.
આ ચકચારી કેસની સુનાવણી બાદ નોટિંગહામ ક્રાઉન કોર્ટે શુક્રવારે આ માતા-પિતાને બે મહિનાની સસ્પેન્ડેડ જેલની સજા ફટકારી છે, સાથે જ 100 કલાકના અવેતન સમુદાય કાર્ય (Unpaid Community Work) કરવાની આકરી સજા પણ સંભળાવી છે. સગીર પીડિત બાળકોની ઓળખ ગુપ્ત રાખવાના કાનૂની નિયમને કારણે કોર્ટે માતા-પિતાના નામ જાહેર કર્યા નથી.
એક પુત્રનો લગ્નથી ઇનકાર, બીજાના ધામધૂમથી નિકાહ કરાવાયા
કોર્ટની સુનાવણી દરમિયાન બહાર આવ્યું હતું કે પાકિસ્તાન પહોંચ્યા બાદ એક છોકરાએ આ પ્રસ્તાવિત લગ્નનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો, પરંતુ દંપતીએ બીજા સગીર પુત્રના લગ્ન ત્યાંની એક સ્થાનિક યુવતી સાથે ઇસ્લામિક નિકાહ વિધિથી કરાવી દીધા હતા. આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે યુકે પરત ફર્યા બાદ તે સગીર યુવાનના શિક્ષણ સ્થાન (સ્કૂલ/કોલેજ) ના સત્તાધીશોને આ અંગે શંકા ગઈ અને તેમણે તાત્કાલિક પોલીસને રેફરલ મોકલીને આખા મામલાથી વાકેફ કરી દીધી હતી. શરૂઆતમાં માતા-પિતાએ તમામ આરોપો નકાર્યા હતા, પરંતુ કાયદાના સકંજામાં ફસાયા બાદ આખરે 17 ફેબ્રુઆરીના રોજ તેમણે 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકને લગ્નના બંધનમાં ધકેલવાનો ગુનો કબૂલવો પડ્યો હતો.
"રજાઓ ગાળવા ગયા હતા" નો દાવો પિતાની મોબાઈલ ચેટથી ખોટો સાબિત થયો
તપાસ દરમિયાન દંપતીએ કોર્ટમાં એવો લૂલો બચાવ કર્યો હતો કે આ મુલાકાત માત્ર ફેમિલી વેકેશન માટેની હતી અને લગ્નનો વિચાર છોકરાઓનો પોતાનો હતો. જોકે, પોલીસે જ્યારે પિતાનો સ્માર્ટફોન જપ્ત કરીને તેનું સાયન્ટિફિક વિશ્લેષણ કર્યું ત્યારે આખો ભાંડો ફૂટી ગયો હતો. પિતાના ફોનમાંથી પાકિસ્તાનમાં રહેતા અન્ય લોકો સાથે પુત્રોના 'રિશ્તા' (લગ્ન પ્રસ્તાવ) શોધવા અંગેની અસંખ્ય ચેટ અને મેસેજીસ મળી આવ્યા હતા.
બીજી તરફ, માતાના ફોનમાંથી તો કન્યાના પરિવાર સાથે કરાયેલી નાણાકીય લેવડદેવડ અને નિકાહ સમારંભના જીવંત વીડિયો ફૂટેજ પણ મળી આવ્યા હતા, જેમાં તે દુલ્હનના પરિવારને પૈસા આપતી નજરે પડતી હતી.
કાયદાનું અજ્ઞાન બચાવનું સાધન નથી:
સીપીએસ ઇસ્ટ મિડલેન્ડ્સ કોમ્પ્લેક્સ કેસવર્ક યુનિટના સિનિયર પ્રોસિક્યુટર એમ્મા કોર્નેલએ જણાવ્યું કે, "આટલી નાની ઉંમરે આજીવન પ્રતિબદ્ધતામાં ધકેલાતા બાળકોને માનસિક અને શારીરિક નુકસાનથી બચાવવા માટે જ બ્રિટનમાં કડક બાળ લગ્ન કાયદાઓ અસ્તિત્વમાં છે. આરોપીઓએ બ્રિટિશ કાયદાથી અજાણ હોવાનો દાવો કર્યો હતો, પરંતુ કાયદાનું અજ્ઞાન એ ગુનામાંથી બચવાનો કોઈ માર્ગ નથી."
યુકેમાં વર્ષ 2023 થી કાયદો બન્યો છે કડક
અત્રે ઉલ્લેખનીય છે કે ઇંગ્લેન્ડ અને વેલ્સમાં લગ્ન માટેની લઘુત્તમ વયમર્યાદા વધારીને સત્તાવાર રીતે 18 વર્ષ કરવાનો કડક કાયદો વર્ષ 2023 માં અમલમાં આવ્યો હતો, જે અંતર્ગત 18 વર્ષથી ઓછી ઉંમરના કોઈ પણ સગીરના લગ્ન કરાવવાને ગંભીર ફોજદારી ગુનો જાહેર કરાયો છે. જોકે, કોર્ટે એ પણ નોંધ્યું હતું કે આ લગ્નમાં બાળકો પર કોઈ શારીરિક બળજબરી કે ક્રૂરતા કરવામાં આવી નહોતી, જેના કારણે ન્યાયાધીશે દંપતીની બે મહિનાની જેલની સજાને 12 મહિના માટે સસ્પેન્ડ રાખી છે, એટલે કે જો તેઓ આગામી એક વર્ષમાં કોઈ અન્ય ગુનો નહીં કરે તો તેઓ જેલ પ્રવાસથી બચી શકશે.
(7:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
