<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th October 2026

તમિલનાડુને વિકાસની મહાભેટ: પીએમ મોદીએ ₹૧૩,૦૦૦ કરોડથી વધુના મેટ્રો, હાઇવે અને રેલ્વે પ્રોજેક્ટ્સનું કર્યું લોકાર્પણ અને શિલાન્યાસ

ચેન્નાઈ મેટ્રો ફેઝ-૨ ના ₹૪,૯૦૦ કરોડના પૂનમલી-વડપલાની સેક્શનનું ઉદ્ઘાટન : મુખ્યમંત્રી સી. જોસેફ વિજય સાથે પ્રધાનમંત્રીએ પોરુરથી પૂનમલી સુધી મેટ્રો સફર કરી

નવી દિલ્હી : પીએમ મોદીએ તમિલનાડુના પ્રવાસે પહોંચીને રાજ્યને ₹૧૩,૦૦૦ કરોડથી વધુના મૂલ્યના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સની વ્યાપક ભેટ આપી છે. જેમાં ટ્રાન્સપોર્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રેલ્વે, બંદર, પેટ્રોલિયમ, એજ્યુકેશન અને હેલ્થ સેક્ટરને આવરી લેતા અનેક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ ₹૪,૯૦૦ કરોડના ખર્ચે તૈયાર થયેલા ચેન્નાઈ મેટ્રો ફેઝ-૨ ના પૂનમલી-વડપલાની સેક્શનનું ઉદ્ઘાટન કર્યું હતું. ઉદ્ઘાટન બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમિલનાડુના મુખ્યમંત્રી સી. જોસેફ વિજય સાથે પોરુર બાયપાસ સ્ટેશનથી પૂનમલી બાયપાસ સ્ટેશન સુધી મેટ્રોમાં સફર કરીને સેવાઓનો પ્રારંભ કરાવ્યો હતો, જેનાથી ચેન્નાઈ શહેરમાં દૈનિક ધોરણે મુસાફરી કરતા લાખો લોકોને ટ્રાફિક સમસ્યામાંથી મોટી રાહત મળશે.

રાજ્યના રોડ નેટવર્કને મજબૂત બનાવવાના હેતુથી પ્રધાનમંત્રીએ આશરે ₹૩,૭૦૦ કરોડના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સ દેશને સમર્પિત કર્યા તથા નવા પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો હતો. આમાં NH-744 ના ૩૬ કિલોમીટર લાંબા વડુગપટ્ટી-થેરકુવેંગનલ્લુર ફોર-લેન સેક્શન અને NH-744A પર ૩૦ કિલોમીટર લાંબા મદુરાઈ રિંગ રોડ સેક્શનનો સમાવેશ થાય છે. આ હાઇવે સુધારણાથી ઔદ્યોગિક તેમજ ધાર્મિક કેન્દ્રો સુધીની કનેક્ટિવિટી સરળ બનશે, જ્યારે તિરુવરુરમાં ટ્રાફિકનું ભારણ ઘટાડવા બાયપાસ રોડનો શિલાન્યાસ પણ કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત રેલ અને પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ₹૭૫૦ કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જે હેઠળ કરાઈકલ-પેરલમ રેલ લાઈન, કોઈમ્બતુર ક્ષેત્રમાં ત્રણ રેલ ફ્લાયઓવર તેમજ અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પુનઃવિકસિત પાંચ સ્ટેશનો - પલાની, વેલ્લોર કેન્ટ, અંબાસમુદ્રમ, પરમાકુડી અને નમક્કલ જનતા માટે ખુલ્લા મૂકાયા હતા. આ સાથે કામરાજાર પોર્ટ પર આધુનિક સ્ટોરેજ યાર્ડ, ચેન્નાઈ બંદર પર ક્રુઝ ટર્મિનલ, CPCL રિફાઇનરીમાં ₹૧,૬૨૦ કરોડનો લ્યુબ ઓઇલ બેઝ સ્ટોક્સ પ્રોજેક્ટ અને IIT મદ્રાસ ખાતે 'સી-સ્ટ્રોક' એટલાસ તથા ગ્લોબલ 3D બ્રેઈન મેપિંગ મિશનનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો.

(10:20 PM IST)