<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th June 2026

રોલેક્સ ઘડિયાળથી લઈને એપલ મેકબુક સુધીની શાહી ભેટો ખરીદવાની સોનેરી તક: ભારત સરકારે ઇતિહાસમાં પહેલી વાર ખોલ્યો 'તોશાખાના' નો કિંમતી ખજાનો!

વિદેશ મંત્રાલય દ્વારા ૩૦૦ જેટલી દુર્લભ રાજદ્વારી ભેટોની જાહેર હરાજી શરૂ: ₹૨,૩૮૫ થી લઈને ₹૧૭ લાખ સુધીની અનામત કિંમત, ઓમાનની ચાંદીની ખંજર અને સોનાના બિસ્કિટ માટે પડાપડી

નવી દિલ્હી : ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત સામાન્ય જનતા માટે એક અનોખી અને સોનેરી તક આવી છે. ભારત સરકારના વિદેશ મંત્રાલય (MEA) એ તેના પ્રતિષ્ઠિત અને સુરક્ષિત 'તોશાખાના' સંગ્રહને સામાન્ય નાગરિકો માટે જાહેર હરાજી (Public Auction) માં ખુલ્લો મૂક્યો છે. વિદેશી પ્રવાસો અને સત્તાવાર બેઠકો દરમિયાન ભારતના વડા પ્રધાન, મંત્રીઓ અને રાજદ્વારીઓને વૈશ્વિક નેતાઓ તરફથી મળેલી લગભગ ૩૦૦ જેટલી અતિ કિંમતી ભેટો અને સ્મૃતિચિહ્નો હવે ઈ-બિડિંગ (ઓનલાઇન હરાજી) દ્વારા સામાન્ય લોકો ખરીદી શકશે.
તોશાખાના એટલે શું? જાણો તેનો રોચક ઇતિહાસ
ઘણા લોકોને પ્રશ્ન થાય કે 'તોશાખાના' શું છે? મૂળ ફારસી ભાષાના આ શબ્દનો શાબ્દિક અર્થ "ખજાનાનું ઘર" (Treasure House) થાય છે. મુઘલ સામ્રાજ્ય દરમિયાન, શાહી મહેલમાં એક ખાસ ઓરડો રાખવામાં આવતો હતો જ્યાં રાજાઓ અને રાજકુમારો અન્ય શાસકો તરફથી મળેલી કિંમતી ભેટો, શસ્ત્રો અને ઘરેણાં રાખતા હતા. આજના સમયમાં, આ એક સરકારી ભંડાર છે જ્યાં સરકારી અધિકારીઓ વિદેશી મહાનુભાવો પાસેથી મળેલી સત્તાવાર ભેટો જમા કરાવે છે. ૧૯૮૩માં આવી જ એક હરાજી થઈ હતી, પરંતુ તે માત્ર વિદેશ મંત્રાલયના કર્મચારીઓ પૂરતી સીમિત હતી. ૨૦૨૪ના સુધારેલા નિયમો હેઠળ પ્રથમ વખત સામાન્ય જનતાને આ ખજાનો ખરીદવાનો મોકો મળ્યો છે.
હરાજીની મુખ્ય આકર્ષક વસ્તુઓ અને કિંમત:
•    રોલેક્સ વૉચ: બે આલીશાન 'રોલેક્સ યાટ-માસ્ટર' ઘડિયાળો, જેની શરૂઆતની કિંમત અંદાજે ₹૧૬.૭૯ લાખ રાખવામાં આવી છે.
•    કુવૈતનો ગોલ્ડ સેટ: ગળાનો હાર, બ્રેસલેટ અને કાનની બુટ્ટીઓ ધરાવતો અદભુત સોનાનો સેટ, જેની મૂળ કિંમત ₹૯.૫ લાખ છે.
•    ડ્રેગન સિલ્વર બોક્સ અને ગોલ્ડ બિસ્કિટ: સ્વિસ બ્રાન્ડનું ૨૦ ગ્રામ શુદ્ધ સોનાનું બિસ્કિટ ધરાવતું ચાંદીનું બોક્સ, જેની કિંમત બોલી લાગતા લાગતા ₹૩.૯૨ લાખથી વધીને ₹૪.૦૬ લાખ સુધી પહોંચી ગઈ છે.
ઘર બેઠા મફત ડિલિવરી અને કમાણી દેશના હિતમાં
૮ જૂનથી શરૂ થયેલી આ રોમાંચક ઓનલાઇન હરાજી ૩૦ જૂન સુધી ચાલશે. આમાં કલાકૃતિઓ, લંડનમાં બનેલો ચાંદીનો ટી-સેટ અને આધુનિક ગેજેટ્સ જેમ કે એપલ મેકબુક પ્રો (Apple Macbook Pro) પણ સામેલ છે. સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર, હરાજીમાં સૌથી ઊંચી બોલી લગાવીને જે વ્યક્તિ વસ્તુ જીતશે, તેને તે કિંમતી ભેટ તેના ઘરે કોઈપણ વધારાના ચાર્જ વગર, એકદમ મફત પહોંચાડવામાં આવશે. આ હરાજીમાંથી એકત્ર થનારી તમામ રકમ 'ભારતના સંકલિત ભંડોળ' (Consolidated Fund of India) માં જમા કરવામાં આવશે, જે દેશના વિકાસ કાર્યોમાં ઉપયોગમાં લેવાશે.

(6:52 PM IST)