તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 26th September 2026
ભારતીય રેલવેના ઇતિહાસમાં સુવર્ણ પ્રકરણ: અમદાવાદના સાબરમતી સ્ટેશનથી દેશની સર્વપ્રથમ LNG-ડીઝલ ડ્યુઅલ ફ્યુઅલ ટ્રેન પ્રસ્થાન કરવા માટે સંપૂર્ણ રીતે સજ્જ, પ્રદૂષણમાં ભારે ઘટાડા સાથે ઇંધણ ખર્ચમાં થશે લાખો રૂપિયાની બચત
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈશાહ ગ્રીન રેલવેના આ ક્રાંતિકારી પ્રોજેક્ટને લીલી ઝંડી આપી રવાના કરશે; ૧૪૦૦ એચપી ક્ષમતા ધરાવતી ૮ કોચની ડેમુ ટ્રેનમાં ડ્યુઅલ ફ્યુઅલ ટેકનોલોજીનો ઉપયોગ કરી ઇકો-ફ્રેન્ડલી ટ્રાન્સપોર્ટેશનનો નવો યુગ શરૂ થયો

અમદાવાદ: પર્યાવરણ પરિરક્ષણ અને હરિયાળી ઉર્જાના ઉપયોગ તરફ ભારતીય રેલવેએ એક અતિ મહત્વપૂર્ણ અને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. દેશભરમાં પર્યાવરણને અનુકૂળ પરિવહન વ્યવસ્થા સ્થાપિત કરવાના ભારતીય રેલવેના 'નેટ-ઝીરો કાર્બન ઉત્સર્જન ૨૦૩૦' ના લક્ષ્યાંક હેઠળ અમદાવાદના સાબરમતી ખાતેથી દેશની સૌપ્રથમ 'એલએનજી (પ્રવાહી કુદરતી ગેસ) - ડીઝલ ડ્યુઅલ ફ્યુઅલ' આધારિત ડેમુ (DEMU) ટ્રેન દોડાવવા માટે તંત્ર સજ્જ બન્યું છે. આ યુગપરિવર્તનકારી અને ગ્રીન ટેકનોલોજી આધારિત ટ્રેનને ગાંધીનગર લોકસભા વિસ્તારના સાંસદ તથા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ દ્વારા સાબરમતી રેલવે સ્ટેશનથી વિધિવત રીતે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવશે.
રેલવે વિભાગ અને અમદાવાદ ડિવિઝન દ્વારા આપવામાં આવેલી વિગતો અનુસાર, સાબરમતીના ઇન્ટિગ્રેટેડ કોચિંગ ડેપો (ICD) ખાતે ૧૪૦૦ હોર્સપાવર (HP) ધરાવતી ડેમુ ટ્રેનના ડ્રાઇવિંગ પાવર કાર (DPC) માં વિશેષ તકનીકી ફેરફાર (રેટ્રોફિટિંગ) કરીને તેને એલએનજી અને ડીઝલ બંને ઇંધણ પર ચાલી શકે તેવી ડ્યુઅલ ફ્યુઅલ સિસ્ટમથી સજ્જ કરવામાં આવી છે. આ ટ્રેનમાં ૨,૨૦૦ લીટરની ક્ષમતા ધરાવતી એલએનજી ટાંકીઓ સ્થાપિત કરાઈ છે. આ તકનીકના ઉપયોગથી ટ્રેનના સંચાલનમાં પરંપરાગત ડીઝલના વપરાશમાં લગભગ ૪૦ ટકા સુધીનો ઘટાડો થશે. સાબરમતી અને મહેસાણા રેલવે સેક્શન વચ્ચે ૨,૦૦૦ કિલોમીટરથી વધુ અંતરના સફળ ટ્રાયલ રન બાદ હવે તેને નિયમિત પેસેન્જર સેવામાં કાર્યરત કરવામાં આવી રહી છે.
આડઅસરો વગરના અદ્યતન ઇંધણ એલએનજીના ઉપયોગથી રેલવે તંત્રને માત્ર પર્યાવરણીય ફાયદો જ નહીં પરંતુ આર્થિક સ્તરે પણ મસમોટી બચત થશે. રેલવેના સંશોધન અને ગુણવત્તા સંસ્થા (RDSO) દ્વારા હાથ ધરાયેલા પરીક્ષણો અનુસાર, ડીઝલની સરખામણીએ એલએનજી ઘણું સસ્તું હોવાથી પ્રતિ ૧૦૦ કિલોમીટરના ઇંધણ ખર્ચમાં મોટો ઘટાડો નોંધાશે. અંદાજ મુજબ, ૮ કોચ ધરાવતી આખી ડેમુ ટ્રેન રૅક પાછળ રેલવેને વાર્ષિક આશરે રૂ. ૨૩.૯ લાખ જેટલી જંગી આર્થિક બચત થશે. આ ઉપરાંત એલએનજીના વપરાશથી કાર્બન ડાયોક્સાઇડ (CO2), નાઇટ્રોજન ઓક્સાઇડ (NOx) અને સૂક્ષ્મ રજકણોના ઉત્સર્જનમાં મોટો ઘટાડો થશે, જેથી રેલવે ટ્રેકની આસપાસના વિસ્તારોમાં વાયુ પ્રદૂષણ નિયંત્રણમાં રહેશે.
એલએનજી ઇંધણ ધરાવતી આ ટ્રેન એક જ વાર સંપૂર્ણ ટાંકી ભરાવ્યા બાદ આશરે ૨૨૦૦ કિલોમીટર સુધીની લાંબી મુસાફરી ખેડી શકવાની ક્ષમતા ધરાવે છે, જેના કારણે વારંવાર ઇંધણ ભરવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે. આ ડ્યુઅલ ફ્યુઅલ સિસ્ટમ આપમેળે (ઓટોમેટિક) ડીઝલ અને એલએનજી વચ્ચે સ્વિચ થઈ શકે છે, જેથી પ્રવાસ દરમિયાન સેવા અવરોધાય નહીં. પશ્ચિમ રેલવે દ્વારા સાબરમતી ખાતે આયોજિત આ લોકાર્પણ કાર્યક્રમ ભારતીય રેલવે ક્ષેત્રે સ્વચ્છ, હરિયાળી અને આધુનિક મુસાફરીની દિશામાં માઇલસ્ટોન સાબિત થશે.
(6:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
