<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th September 2026

વડોદરાની યુવતીને મુંબઈની હોટેલમાં બોલાવી દારૂ અને ડ્રગ્સનું સેવન કરાવ્યા બાદ તેની આબરૂ લૂંટવાનો પ્રયાસ

મુંબઈથી પરત ફરતી વખતે યુવતીની વાપી નજીક તબિયત લથડતાં મામલો ખુલ્યો :પાંચ યુવકોના નામ ખુલ્યા :ચાર યુવકો સુરતના અને એક યુવક વડોદરાનો રહેવાસી: ડુંગરા પોલીસે બે યુવકોને ઝડપી લીધા

વલસાડ જિલ્લાના વાપીમાંથી ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. પોલીસમાં થયેલી ફરિયાદ અને પ્રાથમિક માહિતી મુજબ વડોદરાની એક યુવતીને મુંબઈની હોટેલમાં બોલાવી દારૂ અને ડ્રગ્સનું સેવન કરાવ્યા બાદ તેની આબરૂ લૂંટવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. મુંબઈથી પરત ફરતી વખતે યુવતીની વાપી નજીક તબિયત લથડતાં સમગ્ર મામલો સામે આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

મળતી પ્રાથમિક માહિતી મુજબ, યુવતીને મુંબઈની એક હોટેલમાં બોલાવવામાં આવી હતી. અહીં કેટલાક યુવકોએ યુવતીને દારૂ અને ડ્રગ્સનું સેવન કરાવ્યું હોવાનો આક્ષેપ છે. ત્યારબાદ યુવતી સાથે ગંભીર ગેરવર્તન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ફરિયાદ સામે આવી છે.

 

મુંબઈથી પરત ફરતી વખતે યુવતીની વાપી નજીક અચાનક તબિયત લથડી હતી. યુવતીની સ્થિતિને પગલે તેને તાત્કાલિક વાપીની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન સમગ્ર ઘટનાની વિગતો સામે આવતા મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.

 

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વાપી ડુંગરા પોલીસે તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસના આધારે પોલીસે બે યુવકોને ઝડપી પાડ્યા છે. જ્યારે આ કેસમાં સંડોવાયેલા હોવાની શંકા ધરાવતા અન્ય ત્રણ યુવકો ફરાર હોવાનું સામે આવ્યું છે. પોલીસે ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

 

પ્રાથમિક માહિતી પ્રમાણે, આ મામલામાં કુલ પાંચ યુવકોના નામ સામે આવ્યા છે. જેમાં ચાર યુવકો સુરતના અને એક યુવક વડોદરાનો રહેવાસી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ કેસમાં પોલીસે સફાન ઝફર શેખ અને ફરીદ વાહિદ કોઠીયાવાલા નામના બે યુવકોની ધરપકડ કરી છે. જ્યારે ફૈઝાન વસીમ, સલમાન સહિત ત્રણ યુવકો હાલ ફરાર હોવાનું સામે આવ્યું છે અને તેમને ઝડપી પાડવા પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે. પોલીસ તપાસમાં પાંચેય યુવકોની ઘટનામાં કથિત ભૂમિકા અંગે વિગતો એકત્ર કરવામાં આવી રહી છે. હાલ આરોપીઓ સામે નોંધાયેલી ફરિયાદના આધારે પૂછપરછ અને કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવવામાં આવી રહી છે.

ફરિયાદમાં યુવતીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. સમગ્ર ઘટનામાં યુવતીને કેવી રીતે મુંબઈ લઈ જવામાં આવી, હોટેલમાં શું બન્યું અને કયા સંજોગોમાં તેની તબિયત લથડી તે સહિતના મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી છે.

હાલ વાપી ડુંગરા પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા ઝડપાયેલા બંને યુવકોની પૂછપરછ તેમજ ફરાર ત્રણ યુવકોને ઝડપી પાડવા માટેના પ્રયાસો ચાલી રહ્યા છે. યુવતીના નિવેદન, હોસ્પિટલના મેડિકલ રેકોર્ડ અને અન્ય પુરાવાના આધારે કેસની તપાસ આગળ વધારવામાં આવી રહી છે.

(1:03 PM IST)