<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th September 2026

કચ્છ-અંજારના પરિવારને કાળનો ભેટોઃ ટ્રક પાછળ ઈકો કાર ઘૂસતાં ત્રણનાં મોત - રાધનપુર–વારાહી ધોરીમાર્ગ લોહિયાળ બન્યોઃ એક કિશોર સહિત ચાર ગંભીર, ટ્રક મૂકીને ચાલક ભાગી ગયો:

કારમાં સવાર સુનિલ લક્ષ્મણભાઈ ચાવડા, મહેશ અંબુભાઈ મહેતા અને શક્તિસિંહ બહાદુરસિંહ જાડેજાનાં ઘટનાસ્થળે જ કરુણ મોત: ગોપાલસિંહ ગોહિલ, મુકેશ કોળી, કિશોરસિંહ જાડેજા અને ૧૪ વર્ષના સત્યરાજસિંહ શક્તિસિંહ જાડેજા ગંભીર

રાધનપુર, તા. ૬: રાધનપુર–વારાહી રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૨૭ ઉપર મોડી રાત્રે માર્ગ કિનારે ઊભેલી ટ્રક પાછળ ઈકો કાર ધડાકાભેર અથડાતાં અંજારના ત્રણ પ્રવાસીઓનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. એક ચૌદ વર્ષીય કિશોર સહિત ચાર ગંભીર ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર બાદ પાટણની ધારપુર તબીબી મહાવિદ્યાલય ખાતે ખસેડવામાં આવ્યા છે.

 

રાધનપુર–વારાહી રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર મોડી રાત્રે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતથી ભારે અરેરાટી ફેલાઈ ગઈ હતી. કચ્છના અંજારનો પરિવાર રાજસ્થાનના ખાટુ શ્યામ મંદિરે દર્શન કરી ઈકો કારમાં વતન પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન માર્ગની બાજુએ ઊભેલી ટ્રક પાછળ કાર જોરદાર ધડાકા સાથે ઘૂસી ગઈ હતી.

 

ટક્કર એટલી પ્રચંડ હતી કે ઈકો કારના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો. કારમાં સવાર સુનિલ લક્ષ્મણભાઈ ચાવડા, મહેશ અંબુભાઈ મહેતા અને શક્તિસિંહ બહાદુરસિંહ જાડેજાનાં ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યાં હતાં. દર્શન કરીને હર્ષભેર વતન પરત ફરી રહેલા પરિવારનો પ્રવાસ પળવારમાં માતમમાં ફેરવાઈ ગયો હતો.

 

અકસ્મતમાં ગોપાલસિંહ ગોહિલ ઉંમર ૨૭ વર્ષ, મુકેશ કોળી ઉંમર ૨૨ વર્ષ, કિશોરસિંહ જાડેજા ઉંમર ૩૭ વર્ષ અને સત્યરાજસિંહ શક્તિસિંહ જાડેજા ઉંમર ૧૪ વર્ષ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. બનાવની જાણ થતાં ૧૦૮ એમ્બ્યુલન્સ અને સ્થાનિક લોકો મદદે દોડી આવ્યા હતા. ચારેય ઈજાગ્રસ્તોને પહેલાં રાધનપુરની સરકારી રેફરલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે પાટણની ધારપુર તબીબી મહાવિદ્યાલય ખાતે ખસેડવામાં આવ્યા હતા.

 

અકસ્મતની જાણ થતાં રાધનપુર પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહોને બહાર કાઢી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસ પ્રમાણે ટ્રક વિરમગામથી સાંતલપુર તરફ સસ્તા અનાજની દુકાનનો માલસામાન ખાલી કરવા જઈ રહી હતી.

 

અકસ્મત બાદ ટ્રકનો ચાલક વાહન મૂકીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. રાધનપુર પોલીસે તેની સામે ગુનો નોંધી શોધખોળ શરૂ કરી છે. ટ્રક માર્ગ ઉપર કયા સંજોગોમાં ઊભી રાખવામાં આવી હતી, જરૂરી સૂચક દીવા કે ચેતવણીનાં સાધનો મૂકવામાં આવ્યાં હતાં કે નહીં અને અકસ્માતનું ચોક્કસ કારણ શું હતું તે અંગે વધુ તપાસ ચાલી રહી છે.

(2:59 PM IST)