<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd May 2026

દોઢ કરોડનો ફલેટ અને ખિસ્‍સામાં ૭ લાખ છતાં ફુટપાથ પર સૂવે છે

જો તમને પણ એવું લાગતું હોય કે જીવનમાં પૈસા છે તો બધું જ છે, તો આ ઘટના તમારા વિચારોને બદલી નાખશે : કહાની ચીનના શાંઘાઈ શહેરમાં રહેતા ૭૮ વર્ષિય કિયાંગમિંગની, જે પોતાની એકલતા દૂર કરવા માટે શહેરની સુપરમાર્કેટમાં જિંદગી વિતાવે છે

નવી દિલ્‍હી તા.૨૨: જો તમને પણ એવું લાગતું હોય કે જીવનમાં પૈસા છે તો બધું જ છે, તો આ ઘટના તમારા વિચારોને બદલી નાખશે. આ માણસ પાસે સારું એવું જીવન જીવવા માટે બધી જ સુખ-સુવિધા છે. છતાં પણ તે સુપરમાર્કેટમાં રહીને પોતાનું જીવન વિતાવે છે. ૭૮ વર્ષના આ વૃદ્ધ ખિસ્‍સામાં લાખો રૂપિયા રોકડા લઈ અને એક આલિશાન ફલેટ હોવા છતાં કેમ સુપરમાર્કેટમાં જિંદગી જીવી રહ્યા છે. તેની પાછળનું કારણ તમને ચોંકાવી દેશે. સાથે જ વિચારવા મજબૂર કરશે કે શું સાચે જિદગીમાં પૈસા જ બધું છે?

આ કહાની ચીનના શાંઘાઈ શહેરમાં રહેતા ૭૮ વર્ષિય કિયાંગમિગની, જે પોતાની એકલતા દૂર કરવા માટે શહેરની સુપરમાર્કેટમાં જિદગી વિતાવે છે. તેમને સુપરમાર્કેટમાં એક નૈની મળી હતી, જે હાલમાં તેમનું ધ્‍યાન રાખી રહી છે. કિયાંગમિગ છેલ્‍લા ૧૦ વર્ષથી સુપરમાર્કેટના એન્‍ટ્રેંસ ગેટ પર ચટાઈ પાથરીને સૂવે છે. જ્‍યારે શાંઘાઈ જેવા શહેરમાં તેમની પાસે ખુદનો દોઢ કરોડનો ફલેટ છે. દિવસમાં તેઓ સુપરમાર્કેટના ડાઈનિગ એરિયામાં રહે છે અને પોતાના ખિસ્‍સામાં ૭૪૦૦ ડોલર એટલે કે ૭.૧૦ લાખ રૂપિયા કેસ પણ રાખે છે. કાન પર એક ડીવી રેકોર્ડર પણ લગાવે છે. આવો જાણીએ કે આખરે તેઓ પોતાની જિંદગી આવી રીતે કેમ વિતાવી રહ્યા છે.

સુપરમાર્કેટમાં જિંદગી વિતાવતા હોવા છતાં ખુદને ભિખારી કહેતા નથી. પણ એકલા ગણાવે છે. લાંબી અને ગંદી દાઢી રાખનારા આ વૃદ્ધ જોવામાં ભલે મેલા લાગતા હોય, પણ તેમની પાસે શાંઘાઈ જેવા વર્લ્‍ડ ક્‍લાસ શહેરમાં ૨૦ વર્ગમીટરમાં લગભગ ૧.૫૦ લાખ ડોલર એટલે કે ૧.૪૦ કરોડ રૂપિયાનો લક્‍ઝરી ફલેટ છે. કિયાંગમિગ કહે છે કે વર્ષ ૨૦૦૦માં તેમના છૂટાછેડા થઈ ગયા હતા, ત્‍યાર બાદથી તેઓ એકલા રહેવા અને ફલેટમાં એકલા મરવાથી ડરે છે.

વર્ષ ૨૦૨૧માં કિયાંગમિંગની મુલાકાત શાંઘાઈના આ સુપરમાર્કેટમાં એક નૈની સાથે થઈ હતી. જેનું સરનેમ હાંગ છે. હાંગે ત્‍યારથી તેની દેખરેખ શરૂ કરી દીધી. તે કિયાંગમિંગ માટે ખાવાનું લાવે છે અને તેના સ્‍વાસ્‍થ્‍યનું ધ્‍યાન રાખે છે. તેના પાડોશી પણ કહેવા લાગ્‍યા કે હવે કિયાંગ વધારે સ્‍વસ્‍થ અને ખુશ દેખાય છે. આ બધું હાંગની દેખરેખથી થયું છે, જે ૫ વર્ષ પહેલા આમતેમ ભટકતા એક વૃદ્ધ કરતા સારી બનાવી દીધી છે. છતાં કિયાંગ પોતાના ફલેટમાં રહેવાની જગ્‍યાએ એકલતાને દૂર કરવા માટે એક સુપરમાર્કેટમાં રહે છે.

કિયાંગમિંગ હાલમાં હાંગને પોતાની દીકરીને માફક માને છે. તેમણે તો ત્‍યાં સુધી કહી દીધું છે કે તેમની જિંદગીભર દેખરેખ કરશે તો તેઓ પોતાનો ફલેટ હાંગને આપી દેશે. આમ તો કિયાંગને એક દીકરો પણ છે, પણ પોતાના પિતાના સંપર્કમાં નથી. છૂટાછેડા બાદ તે પોતાના પિતાને મળવા નથી આવતો. હાંગ પણ પૂર્વી ચીનના શડોગ પ્રાંતમાંથી આવીને શાંઘાઈમાં વસી છે અને એક નૈની તથા રેસ્‍તરાંમાં હેલ્‍પર તરીકે કામ કરે છે. તેને બે બાળકો છે. જેમાંથી એક ભણી રહ્યો છે. તે કહે છે કે કિયાંગ પાસેથી ફલેટ મળતા ખૂબ જ ખુશ છે અને તેની દેખરેખ કરવાથી તેને સંતુષ્ટિનો અનુભવ થાય છે.

 

(10:01 AM IST)