<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th October 2026

કુનો નેશનલ પાર્કમાં માદા ચિત્તાએ ૫ બચ્‍ચાને આપ્‍યો જન્‍મ

ભારતમાં ચિત્તાની સંખ્‍યા ૬૦ થઈ

કુનો  તા.૬: મધ્‍યપ્રદેશના સુપ્રસિદ્ધ કુનો નેશનલ પાર્કમાંથી ભારત માટે ગૌરવ અને આનંદના સમાચાર સામે આવ્‍યા છે. દેશમાં ચિત્તાઓના પુનર્વસન માટે ચાલી રહેલા પ્રોજેક્‍ટ ચિત્તા હેઠળ વધુ એક સફળતા મળી છે. ભારતમાં જ જન્‍મેલી ૩૨ મહિનાની માદા ચિત્તા KJP21એ આજે(૫ ઓક્‍ટોબર) પાંચ સ્‍વસ્‍થ બચ્‍ચાઓને જન્‍મ આપ્‍યો છે. આ સાથે જ દેશમાં ચિત્તાઓનો કુલ આંકડો વધીને ૬૦ પર પહોંચી ગયો છે.

ઉલ્‍લેખનીય છે કે, ભારતીય ભૂમિ પર જન્‍મેલી માદા ચિત્તા દ્વારા બચ્‍ચાઓને જન્‍મ આપવાની આ ત્રીજી ઘટના છે. આ અગાઉ મુખી અને KGP12 નામની માદા ચિત્તાઓએ સફળતાપૂર્વક બચ્‍ચાઓને જન્‍મ આપ્‍યો હતો. હવે KJP21ના આ નવા પાંચ મહેમાનો સાથે જ ભારતની ભૂમિ પર જન્‍મેલા ચિત્તાઓની સંખ્‍યા વધીને ૪૧ થઈ ગઈ છે, જે દેશમાં ચિત્તાઓની નવી પેઢીના મજબૂત ભવિષ્‍યની સાક્ષી પૂરે છે.

આ ઘટના માત્ર સંખ્‍યાત્‍મક દ્રષ્ટિએ જ નહીં પરંતુ જૈવિક દ્રષ્ટિએ પણ અત્‍યંત મહત્ત્વની માનવામાં આવે છે. આ નવજાત બચ્‍ચાઓના પિતા બોત્‍સવાનાથી લાવવામાં આવેલો નર ચિત્તા છે. જેના કારણે ભારતમાં હવે ચિત્તાઓની વસ્‍તીમાં બોત્‍સવાનાનો નવો જિનેટિક વંશ ઉમેરાયો છે. વન વિજ્ઞાનીઓના મતે, અલગ-અલગ જિનેટિક લાઇનએજથી ભવિષ્‍યમાં ચિત્તાઓની પ્રજાતિ વધુ મજબૂત અને રોગપ્રતિકારક બનશે.

આ સફળતા પાછળ રાત-દિવસ એક કરનારા પશુચિકિત્‍સકો, ફીલ્‍ડ સ્‍ટાફ, વન સંરક્ષકો અને કુનો નેશનલ પાર્કની સમગ્ર ટીમને શુભેચ્‍છાઓ પાઠવવામાં આવી રહી છે. નિષ્‍ણાતોના અથાક પરિશ્રમ અને યોગ્‍ય સારસંભાળના કારણે જ ભારતમાં ચિત્તા સંવર્ધનનો આ પ્રોજેક્‍ટ સફળતાના નવા શિખરો સર કરી રહ્યો છે.

(10:00 AM IST)