<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th September 2026

મુંબઈના ચોમાસામાં નાટકિય પલટો, જુલાઈની અનરાધાર મેઘકૃપા બાદ ઓગસ્ટ મહિનામાં વરસાદમાં 66 ટકાનો મોટો ઘટાડો નોંધાયો

ભારતીય હવામાન વિભાગના ડેટા મુજબ જુલાઈમાં રેકોર્ડબ્રેક વરસાદ બાદ ઓગસ્ટમાં મુંબઈ અને સમગ્ર મહારાષ્ટ્રમાં મેઘરાજાએ મોટો વિરામ લીધો છે.

મુંબઈ : દેશી આર્થિક રાજધાની મુંબઈમાં આ ચોમાસાની સિઝન દરમિયાન હવામાનનો અત્યંત નાટકિય અને આશ્ચર્યજનક મિજાજ જોવા મળ્યો છે. એક તરફ જ્યાં જુલાઈ મહિનામાં મેઘરાજાએ હેત વરસાવતા કોલાબા વેધશાળામાં 1176.5 મિલીમીટર જેટલો તોફાની વરસાદ નોંધાયો હતો, ત્યાં બીજી તરફ ઓગસ્ટ મહિનામાં વરસાદનું પ્રમાણ તળિયે પહોંચી ગયું હતું. ઓગસ્ટ મહિના દરમિયાન કોલાબામાં માત્ર 164.5 મિલીમીટર વરસાદ જ નોંધાયો હતો, જે છેલ્લા 35 વર્ષોમાં ઓગસ્ટ મહિનાનો બીજો સૌથી ઓછો વરસાદ છે.

ભારતીય હવામાન વિભાગના જિલ્લાવાર માસિક અહેવાલ મુજબ, 1 ઓગસ્ટથી 31 ઓગસ્ટ 2026 સુધીના સમયગાળામાં મુંબઈ શહેરમાં સામાન્ય કરતાં 66 ટકા ઓછો વરસાદ નોંધાયો છે, જ્યારે મુંબઈના ઉપનગરોમાં પણ સામાન્ય કરતાં 44 ટકા ઓછો વરસાદ પડ્યો છે. મુંબઈનો સમાવેશ કરતી કોંકણ પટ્ટીમાં ઓગસ્ટ મહિનામાં સામાન્ય કરતાં 33 ટકા ઓછો વરસાદ નોંધાયો છે, જ્યારે મરાઠવાડા વિસ્તારમાં સામાન્ય કરતાં 69 ટકા ઓછો વરસાદ થયો છે. આ ઉપરાંત મધ્ય મહારાષ્ટ્રમાં 31 ટકા અને વિદર્ભ ક્ષેત્રમાં 58 ટકાની ભારે ખાધ નોંધાઈ છે. હવામાન વિભાગના સત્તાવાર આંકડાઓ અનુસાર સમગ્ર મહારાષ્ટ્ર રાજ્યમાં સરવાળે 44 ટકાની ખાધ જોવા મળી છે.

હવામાન વિભાગે અગાઉ જ વર્ષ 2026ના ચોમાસા દરમિયાન સરેરાશ કરતા ઓછો વરસાદ થવાની આગાહી કરી હતી. જોકે, આ સિઝનની શરૂઆત ખૂબ જ આક્રમક રીતે થઈ હતી અને જુલાઈમાં ભારે વરસાદ ખાબક્યો હતો. પરંતુ ઓગસ્ટ મહિનામાં વરસાદનું જોર અચાનક જ ઘટી ગયું હતું. પેસિફિક ક્ષેત્રમાં ઊભી થઈ રહેલી અલ નીનો પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે મુંબઈ અને મહારાષ્ટ્ર સહિત દેશભરમાં ઓછા વરસાદની ચેતવણી અગાઉથી જ આપી દીધી હતી.

આગામી સપ્ટેમ્બર મહિના અંગે પણ હવામાન વિભાગે માસિક અહેવાલમાં સરેરાશ કરતા ઓછો વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે, જેથી આ સૂકું વાતાવરણ આગામી દિવસોમાં પણ જળવાઈ રહેશે. આગામી પાંચ દિવસના પૂર્વાનુમાન મુજબ આ વિસ્તારમાં છૂટોછવાયો અને હળવો વરસાદ જ પડવાની સંભાવના છે. મુંબઈ શહેર અને ઉપનગરો માટે આગામી 48 કલાકના સ્થાનિક હવામાન અહેવાલ મુજબ આકાશ સામાન્ય રીતે વાદળછાયું રહેશે અને વચ્ચે વચ્ચે હળવા ઝાપટાં પડી શકે છે. આ સમયગાળા દરમિયાન મહત્તમ તાપમાન આશરે 31 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન આશરે 27 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની સંભાવના છે.

(4:08 PM IST)