<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd June 2026

ભારતીય વાયુસેનાની તાકાતમાં ધરખમ વધારો :DRDO સાથે મળીને વાયુસેનાએ રૂદ્રમ-II મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું

રૂદ્રમ-IIએ હવામાંથી જમીન પર માર કરનારી અત્યાધુનિક મિસાઈલ છે: પરીક્ષણ એરબોર્ન પ્લેટફોર્મ પરથી કરવામાં આવ્યું

ભારતીય વાયુસેનાની તાકાતમાં ધરખમ વધારો થયો છે. વાયુસેનાએ સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થા (DRDO) સાથે મળીને રૂદ્રમ-II (Rudram-II) મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું છે. આ પરીક્ષણ એરબોર્ન પ્લેટફોર્મ પરથી કરવામાં આવ્યું હતું.

DRDO અને ભારતીય વાયુસેનાએ મંગળવારે એરબોર્ન પ્લેટફોર્મ પરથી રૂદ્રમ-II મિસાઇલનું સફળ ઉડાન પરીક્ષણ પૂર્ણ કર્યું છે. રૂદ્રમ-IIએ હવામાંથી જમીન પર (Air-to-Surface) માર કરનારી અત્યાધુનિક મિસાઈલ છે. DRDO એ માહિતી આપી છે કે આ મિસાઈલનું પરીક્ષણ અત્યંત કપરી પરિસ્થિતિઓમાં કરવામાં આવ્યું હતું, જેમાં તમામ સબ-સિસ્ટમની ક્ષમતા ચકાસવા માટે જટિલ માર્ગ (Critical Trajectory) નક્કી કરવામાં આવ્યો હતો.

સામે આવેલી માહિતી મુજબ, મિસાઈલ લોન્ચ થયા બાદ પોતાના પૂર્વ નિર્ધારિત લક્ષ્ય સુધી એકદમ સચોટ રીતે પહોંચી હતી. ચાંદીપુર સ્થિત ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ (ITR) દ્વારા સ્થાપિત વિવિધ રેન્જ ઉપકરણોમાંથી મળેલા ઉડાન ડેટા પરથી સ્પષ્ટ થયું છે કે આ ટેસ્ટના તમામ ઉદ્દેશ્યો સફળતાપૂર્વક પૂર્ણ થયા છે.

રૂદ્રમ-II મિસાઇલને DRDOની નોડલ લેબોરેટરી, રિસર્ચ સેન્ટર ઈમારત (RCI), હૈદરાબાદ દ્વારા સ્વદેશી ટેકનોલૉજીથી ડેવલપ કરવામાં આવી છે. આ મિસાઇલના વિકાસમાં ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ લેબોરેટરી, હાઈ એનર્જી મટીરીયલ્સ રિસર્ચ લેબોરેટરી, આર્મામેન્ટ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ અને ITR જેવી અન્ય સહયોગી લેબોરેટરીઓનો પણ મહત્વનો ફાળો રહ્યો છે. આ ઉપરાંત ડેવલપમેન્ટ કમ પ્રોડક્શન પાર્ટનર્સ (DCPP)ની સાથે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL), રિજનલ સેન્ટર ફોર મિલિટરી એરવર્થિનેસ, મિસાઇલ સિસ્ટમ ક્વોલિટી એશ્યોરન્સ એજન્સી અને અન્ય ઘણા ઉદ્યોગોએ પણ આ લક્ષ્ય પ્રાપ્ત કરવામાં મોટું યોગદાન આપ્યું છે.

રૂદ્રમ-II એ સંપૂર્ણપણે સ્વદેશી રીતે વિકસિત સોલિડ પ્રોપેલન્ટ એર-લોન્ચ્ડ મિસાઇલ સિસ્ટમ છે, જે દુશ્મનના અલગ-અલગ પ્રકારના ટાર્ગેટને સંપૂર્ણપણે તબાહ કરવામાં સક્ષમ છે. DRDOની વિવિધ લેબોરેટરીઓ દ્વારા વિકસાવવામાં આવેલી ઘણી અત્યાધુનિક સ્વદેશી ટેકનોલૉજીને આ રૂદ્રમ-II મિસાઇલ સિસ્ટમમાં સામેલ કરવામાં આવી છે.

 સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પણ રૂદ્રમ-II મિસાઈલના સફળ પરીક્ષણ બદલ DRDO અને ભારતીય વાયુસેનાને અભિનંદન પાઠવ્યા છે. સંરક્ષણ મંત્રીએ મિસાઈલના સફળ પરીક્ષણ માટે DRDO, ભારતીય વાયુસેના, સંરક્ષણ સંસ્થાઓ અને ઉદ્યોગ જગતના પ્રયાસોની ખુલ્લા દિલથી પ્રશંસા કરી છે. તેમણે જણાવ્યું કે, આ પરીક્ષણ સ્વદેશી સંરક્ષણ ટેકનોલૉજીની વધતી પરિપક્વતાનું પ્રદર્શન કરે છે અને તે અદ્યતન હથિયાર પ્રણાલીઓમાં ભારતની આત્મનિર્ભરતામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.

(11:37 PM IST)