<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th April 2026

યુપીના ખેડૂતો માટે ‘ડુ ઓર ડાય’ જેવો આદેશ: જો ઓનલાઈન ફોર્મ નહીં ભરો તો મિલો શેરડી સ્વીકારશે નહીં, જાણો નવી ‘સ્માર્ટ’ સર્વે નીતિના કડક નિયમો

શેરડી સર્વે 2026-27: 1 મેથી GPS દ્વારા ખેતરોનું માપન શરૂ, ઓનલાઈન ઘોષણાપત્ર સબમિટ કરવામાં કરેલી એક ભૂલ ખેડૂતોનો કરાર રદ કરાવી શકે છે - ખેતીમાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ

લખનૌ | તા.18: ઉત્તર પ્રદેશના લાખો શેરડી પકવતા ખેડૂતો માટે યોગી સરકાર દ્વારા અત્યંત મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. આગામી પિલાણ સીઝન 2026-27 માટે 'શેરડી સર્વે નીતિ' જાહેર કરી દેવામાં આવી છે. આ વખતે નીતિ એટલી કડક છે કે જો ખેડૂતો નિયત સમયમાં ઓનલાઈન ઘોષણાપત્ર નહીં ભરે, તો તેમનો ખાંડ મિલો સાથેનો કરાર કોઈપણ સમયે રદ થઈ શકે છે, જેનો અર્થ એ છે કે તેઓ પોતાની શેરડી વેચી શકશે નહીં.
GPS અને એન્ડ્રોઇડ મશીનથી થશે સચોટ સર્વે
રાજ્યમાં 1 મે થી 30 જૂન દરમિયાન શેરડીના વાવેતરનો સર્વે હાથ ધરવામાં આવશે. આ સર્વે પરંપરાગત રીતે નહીં, પરંતુ GPS-આધારિત હેન્ડહેલ્ડ ઉપકરણો અને એન્ડ્રોઇડ મશીનો દ્વારા કરવામાં આવશે. શેરડી વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ વીણા કુમારીએ સ્પષ્ટ કર્યું છે કે, ઉત્પાદનનું સચોટ મૂલ્યાંકન કરવા માટે આ ટેકનોલોજીનો ઉપયોગ અનિવાર્ય છે. ખેડૂતોએ પોતે ઉગાડેલી શેરડીના વિસ્તારની વિગતો enquiry.caneup.in પોર્ટલ પર ઓનલાઈન સબમિટ કરવાની રહેશે.
પારદર્શિતા માટે SMS એલર્ટની સુવિધા
ખેડૂતોને સર્વે દરમિયાન કોઈ મુશ્કેલી ન પડે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. સર્વેક્ષણ ટીમ ક્યારે આવશે, તેના ઇન્ચાર્જ કોણ છે અને તેમનો મોબાઈલ નંબર શું છે, તેની વિગતો ખેડૂતને ત્રણ દિવસ અગાઉ SMS દ્વારા મોકલવામાં આવશે. આ ટીમમાં સરકારી સુપરવાઈઝરની સાથે ખાંડ મિલના કર્મચારી અને જે તે વિસ્તારના એક પ્રતિનિધિ ખેડૂતનો પણ સમાવેશ કરવામાં આવશે, જેથી સર્વેમાં કોઈ ગેરરીતિ ન થાય.
મહેસૂલ રેકોર્ડ સાથે જોડાણ
ખેડૂતોએ નોંધાવેલી જમીનની ખરાઈ યુપી સરકારના ભૂલેખ પોર્ટલ (www.upbhulekh.gov.in) દ્વારા કરવામાં આવશે. આ વખતે પ્રથમવાર આંતર પાક (Inter-cropping) અને ખેત વનીકરણ હેઠળ થતી શેરડીની ખેતીનો પણ ડેટા એકત્રિત કરવામાં આવશે. જો કોઈ ખેડૂત નવા સભ્ય તરીકે જોડાવા માંગતા હોય, તો સર્વે દરમિયાન તેમની નોંધણી પણ કરી શકાશે.
અરજી ફી અને સમયમર્યાદા
ઉપજ વધારવા માટેની અરજીઓ 30 સપ્ટેમ્બર સુધી સ્વીકારવામાં આવશે. જેમાં અનુસૂચિત જાતિ/જનજાતિના ખેડૂતો માટે માત્ર ₹10, નાના ખેડૂતો માટે ₹100 અને અન્ય ખેડૂતો માટે ₹200 ફી નક્કી કરવામાં આવી છે. ખેડૂતોએ આ પ્રક્રિયામાં જરા પણ બેદરકારી ન રાખવી જોઈએ, કારણ કે ડિજિટલ ડેટા જ હવે મિલો સુધી શેરડી પહોંચાડવાનો એકમાત્ર રસ્તો છે.

(12:15 AM IST)