<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th November 2026

પુષ્‍કર મેળામાં ૩૫ તોલુ ચાંદી પહેરીને પહોંચ્‍યું રણનું વહાણ ઊંટ

ઊંટનો શાહી ઠાઠ! ઊંટની અત્‍યાર સુધીમાં ૩.૧૫ લાખ રૂપિયા સુધીની બોલી લાગી ચૂકી છે : પુષ્‍કર પશુ મેળામાં આ વખતે કરોડો રૂપિયાના ઘોડા અને આકર્ષક ઓલાદના (જાત) પશુઓ સાથે ઊંટ પણ લોકોનું ધ્‍યાન ખેંચી રહ્યાં છે

અજમેર તા.૧૭: પુષ્‍કર પશુ મેળામાં આ વખતે કરોડો રૂપિયાના ઘોડા અને આકર્ષક ઓલાદના (જાત) પશુઓ સાથે ઊંટ પણ લોકોનું ધ્‍યાન ખેંચી રહ્યાં છે. રાજસ્‍થાનની પશુપાલન પરંપરા અને ગ્રામીણ સંસ્‍કૃતિની ઓળખ માનવામાં આવતા ઊંટોથી લઈને પશુપાલકો મોટી સંખ્‍યામાં મેળામાં પહોંચે છે. કોઈ પોતાના ઊંટની ઓલાદ અને કદ-કાઢીનું પ્રદર્શન કરી રહ્યાં છે તો કોઈ તેના શણગારથી લોકોને આકર્ષિત કરી રહ્યાં છે. આ વચ્‍ચે એક ઊંટ મેળામાં ચર્ચાનો વિષય બન્‍યું છે.

આ ઊંટને ગળામાં ૩૫ તોલા ચાંદીનું માંદળિયાનું તાવીજ પહેરાવવામાં આવ્‍યું છે. આ શાહી શણગાર અને શાનદાર કદ-કાઠીને જોવા લોકો ઉમટી પડ્‍યાં છે. આ ઊંટને કુચામન સિટીના ઇંદોખા ગામના રહેવાસી રાજેન્‍દ્ર સિહ રાઠોર પુષ્‍કર મેળામાં લઈ આવ્‍યાં છે. તેઓના અનુસાર આ ઊંટની અત્‍યાર સુધીમાં ૩.૧૫ લાખ રૂપિયા સુધીની બોલી લાગી ચૂકી છે.

રાજેન્‍દ્ર સિંહ રાઠોર આશરે ૪૦ વર્ષથી ઊંટ પાલન અને ખરીદ-વેંચાણનું કામ કરી રહ્યાં છે. તેઓને ઊંટોનો વિશેષ શોખ છે અને તે દર વર્ષે પુષ્‍કર મેળામાં પોતાના પશુઓ સાથે પહોંચે છે. આ વખતે તે છ વર્ષના બીકાનેરી ઓલાદના ઊંટને લઈને આવ્‍યાં છે. તેણે જણાવ્‍યું કે આશરે ત્રણ વર્ષ પહેલા આ ઊંટને બે લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. તેની ખાસિયત તેની લંબાઈ, આકર્ષક બનાવટ અને શાનદાર ઓલાદ છે. ઊંટની લંબાઈ સાત ફૂટથી વધુ છે. તેની સુંદરતાને ખાસ ઓળખ આપવા માટે તેઓએ ૩૫ તોલા ચાંદીના માંદળિયાનું તાવિજ પહેરાવ્‍યું છે.

રાજેન્‍દ્ર સિંહે જણાવ્‍યું કે ઊંટને લઈને કુચામનથી પુષ્‍કર પહોંચવા માટે તેને આશરે ૧ લાખ ૩૦ હજાર રૂપિયાનો ખર્ચ કરીને વિશેષ ઊંટ ગાડી તૈયાર કરાવી છે. આ ગાડી સાથે તે પોતાના ઊંટને લઈને મેળામાં પહોંચ્‍યા છે. અહીં તે મેળાની રોનક જોવાની સાથે પોતાના ઊંટનું પ્રદર્શન પણ કરી રહ્યાં છે. ઊંટની કિમતની વાત કરીએ તો અત્‍યાર સુધીમાં ૩.૧૫ લાખ રૂપિયા સુધીની બોલી લાગી ચૂકી છે, જો કે તેનો ઉદ્દેશ્‍ય માત્ર ઊંટ વેંચીને નફો કમાવાનો નથી, તે પોતાના ખાસ ઊંટની સુંદરતા અને જાતને લોકો સામે પ્રદર્શિત કરવા માગે છે.

પુષ્‍કર મેળામાં મોટી સંખ્‍યામાં ઊંટની આવક થાય છે. ગ્રામીણ વિસ્‍તારોમાં આજે પણ ઊંટની ખરીદી અને વેંચાણની પરંપરા જળવાયેલી છે. જો કે બદલાતા સમયમાં ઊંટોની ઉપયોગીતા અને સંખ્‍યાને લઈને પડકારો પણ ઊભા થયા છે. રાજેન્‍દ્ર સિહનું કહેવું છે કે, ઊંટ રાજસ્‍થાનની ઓળખ અને ગ્રામીણ જીવનનું મહત્‍વપૂર્ણ અંગ છે. તેનું સંરક્ષણ જરૂરી છે. પશુપાલકોને ઊંટ પાલન માટે પ્રોત્‍સાહિત કરવા જોઈએ. જેથી આગામી પીઢિઓ પણ આ પરંપરા સાથે જોડાયેલી રહે. પુષ્‍કર મેળામાં ૩૫ તોલા ચાંદીના તાવીજ પહેરેલું ઊંટ હવે પોતાના શાહી શણગાર અને કિમતને લઈને આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યું છે.

(10:02 AM IST)