News of Monday, 16th November 2026
જનરલ અસીમ મુનીર માટે કાળમુખું વર્ષ; 'ઇસ્લામિક નાટો'નું સ્વપ્ન ભગ્ન થતાં પાકિસ્તાનની રણનીતિ સંપૂર્ણપણે ફ્લોપ!
અદિયાલા જેલના પડછાયાથી લઈને મધ્ય પૂર્વના બદલાતા સમીકરણો સુધી : GCC દ્વારા કુવૈતમાં નવી સંયુક્ત લશ્કરી કમાન્ડની સ્થાપના અને અમેરિકા-સાઉદી અરેબિયાના બદલાયેલા વલણથી પાકિસ્તાનના આર્મી ચીફનું વૈશ્વિક કૂટનીતિમાં પતન

રિયાધ: વર્ષ ૨૦૨૬ પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીર માટે અત્યાર સુધીનું સૌથી મુશ્કેલ અને વિનાશક વર્ષ સાબિત થઈ રહ્યું છે. વર્ષની શરૂઆતમાં જે સમયને તેમના ગૌરવ અને કૂટનીતિના સર્વોચ્ચ શિખર તરીકે જોવામાં આવી રહ્યો હતો, તે જ વર્ષના અંતિમ મહિનાઓ સુધીમાં તેમના તમામ મોટા સપનાઓ ચકનાચૂર થઈ ગયા છે. પાકિસ્તાનમાં જે "ઇસ્લામિક નાટો" ની રચનાના મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા હતા, તેને મધ્ય પૂર્વના બદલાતા ભૌગોલિક રાજકારણે મોટો ઝટકો આપ્યો છે. સાઉદી અરેબિયા, યુએઈ, બહેરીન, કુવૈત, ઓમાન અને કતાર જેવા છ ગલ્ફ દેશોએ પોતાની સુરક્ષા માટે અમેરિકા પરનો ભરોસો છોડીને કુવૈતમાં એક સ્વતંત્ર ફોરવર્ડ કમાન્ડ સેન્ટર અને સંયુક્ત લશ્કરી કમાન્ડ સ્થાપિત કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે, જેના કારણે પાકિસ્તાનની પ્રાદેશિક ભૂમિકા પર પ્રશ્નાર્થ ચિહ્ન લાગી ગયું છે.
આ સંકટ પાછળનું મુખ્ય કારણ એ છે કે જ્યારે પણ ક્ષેત્રમાં તણાવ વધ્યો ત્યારે અમેરિકન સૈન્ય થાણાઓ સુરક્ષા આપવાને બદલે ઉલટાના ગલ્ફ દેશો માટે જોખમ સાબિત થયા, કારણ કે ઈરાન અને તેના સહયોગીઓ દ્વારા આ દેશો નિશાન બન્યા. અસીમ મુનીરે સાઉદી અરેબિયા સાથે એવો દાવો કર્યો હતો કે કોઈ એક પર હુમલો એ બંને પર હુમલો ગણાશે અને પાકિસ્તાની સેના રક્ષણ માટે આવશે, પરંતુ વાસ્તવિક કટોકટીના સમયે પાકિસ્તાન રિયાધની અપેક્ષાઓ પર ખરું ઉતરી શક્યું નહીં. બીજી તરફ, યુએઈ સાથેના પાકિસ્તાનના સંબંધો પહેલાથી જ તણાવપૂર્ણ હતા અને તેમણે આપેલા નાણાં પણ પાછા માંગવાનું શરૂ કરી દીધું. આ સ્થિતિમાં, સાઉદી અરેબિયાએ અસીમ મુનીર પર ભરોસો કરવાને બદલે GCC ના પોતાના ગલ્ફ નાટો પર આધાર રાખવાનું વધુ સુરક્ષિત માન્યું છે.
પરિણામે, જનરલ અસીમ મુનીર હવે એક જ સમયે અનેક મોરચે ઘેરાઈ ગયા છે; ન તો હવે ઈરાન પાકિસ્તાન પર મધ્યસ્થી તરીકે ભરોસો કરે છે અને ન તો સાઉદી અરેબિયા કે અમેરિકા તેમને કોઈ વ્યૂહાત્મક મહત્ત્વ આપી રહ્યા છે. અમેરિકા અને ઈરાન વચ્ચે 'પોસ્ટમેન' જેવી ભૂમિકા ભજવવાનો તેમનો દાવો પણ નિષ્ફળ ગયો છે. એક સાથે અનેક નાવડીમાં સવારી કરવાની આ કૂટનીતિએ પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સ્તરે પૂરી રીતે અલગ પાડી દીધું છે, જેનાથી વર્ષ ૨૦૨૬ અસીમ મુનીરની કારકિર્દી માટે પતનનું વર્ષ બની ગયું છે.
(6:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
