News of Thursday, 30th April 2026
પુસ્તક પ્રેમીઓ માટે કાળી રાત: બેંગલુરુના વિખ્યાત 'ધ બુકવોર્મ'માં પૂરના પાણી ફરી વળ્યા : હજારો પુસ્તકો જળસમાધિમાં
ભારે વરસાદ અને કરા સાથે ત્રાટકેલી આફતે જ્ઞાનના ખજાનાને વેરવિખેર કર્યો : ઉનાળાના વેકેશન માટે લાવેલો નવો સ્ટોક પાણીમાં તરતો જોઈ પુસ્તક ચાહકોના દિલ દ્રવી ઉઠ્યા : સોશિયલ મીડિયા પર મદદની ગુહાર

બેંગલુરુ: કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં બુધવારે રાત્રે વરસેલા પ્રલયકારી વરસાદે માત્ર રસ્તાઓ જ નહીં, પણ અસંખ્ય વાચકોની લાગણીઓને પણ ડુબાડી દીધી છે. શહેરની જાણીતી ચર્ચ સ્ટ્રીટ પર આવેલી લોકપ્રિય પુસ્તકની દુકાન 'ધ બુકવોર્મ' (The Bookworm) માં પૂરાના પાણી ઘુસી જવાથી આશરે 5,000 જેટલા કિંમતી પુસ્તકો નાશ પામ્યા છે. દુકાનના માલિક કૃષ્ણાએ અત્યંત દુઃખ સાથે જણાવ્યું કે, ઉનાળાની રજાઓ હોવાથી ગ્રાહકોની ભીડને ધ્યાનમાં રાખીને જંગી માત્રામાં નવો સ્ટોક મંગાવવામાં આવ્યો હતો, પરંતુ કુદરતની આફતે સેકન્ડોમાં જ લાખોનું નુકસાન કરી નાખ્યું. ઇન્સ્ટાગ્રામ પર શેર કરાયેલા ફોટામાં પુસ્તકો ગંદા પાણીમાં તરતા જોઈ પુસ્તક પ્રેમીઓમાં શોકની લહેર ફરી વળી છે.
આ નુકસાન પાછળનું એક ટેકનિકલ કારણ આધુનિક પ્રકાશન શૈલી પણ છે. દુકાનના માલિકના જણાવ્યા મુજબ, આજકાલ મોટાભાગના પ્રકાશકો રિસાયકલ કરેલા કાગળનો ઉપયોગ કરે છે, જે પાણીના સંપર્કમાં આવતા જ તરત ઓગળી જાય છે અથવા ફૂલી જાય છે. ખાસ કરીને બાળકોના પ્રિય એસ્ટરિક્સ અને ઓબેલિક્સ જેવા સચિત્ર કોમિક્સ, જે તેલ આધારિત કાગળ પર છપાય છે, તે પાણીમાં સાવ નકામા બની ગયા છે. કૃષ્ણા હવે એ પુસ્તકોને તડકામાં સુકવીને નજીવા ભાવે વેચવાનો પ્રયાસ કરશે જેથી કરીને આર્થિક ફટકો થોડો ઓછો કરી શકાય, પરંતુ હજારો પુસ્તકો એવા છે જેમને હવે કચરાપેટીમાં નાખવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી.
પુસ્તકાલયની આ દયનીય સ્થિતિ જોઈને સોશિયલ મીડિયા પર સહાનુભૂતિનો દરિયો ઉમટ્યો છે. અનેક લોકોએ ગયા વર્ષે કોલકાતામાં આયોજિત 'વેટ બુક ફેર' જેવી જ કોઈ ઝુંબેશ ચલાવવા વિનંતી કરી છે, જેથી વાચકો આ પલળેલા પુસ્તકો ખરીદીને દુકાનને ફરી બેઠી કરવામાં મદદ કરી શકે. ઘણા લોકોએ તો પુસ્તકની સ્થિતિ ગમે તેવી હોય, પણ આર્થિક ટેકો આપવા માટે તે ખરીદવાની તૈયારી દર્શાવી છે. બેંગલુરુના લોકો માટે આ માત્ર એક દુકાન નથી, પણ વર્ષોથી ચાલી આવતું જ્ઞાનનું કેન્દ્ર છે, અને તેને બચાવવા માટે આખું શહેર એકજૂથ થઈ રહ્યું છે.
(8:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
