<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th May 2026

ભત્રીજાના પ્રેમમાં પાગલ પત્‍ની બની ‘રાક્ષસી' ...પતિને બાંધીને ઢોર માર માર્યોઃ કરંટ આપ્‍યો અને પછી ઝેર પીવડાવ્‍યું

મુરાદાબાદથી એક એવી ઘટના સામે આવી છે, જેના વિશે સાંભળીને દરેક લોકોના હાથના રુંવાળા ઉભા થઈ જશેઃ એક પત્‍નીએ પ્રેમીના ચક્કરમાં પોતાના પતિને મોતને ઘાટ ઉતારી દીધો

મુરાદાબાદ,તા.૨૬: મુરાદાબાદથી એક ભયાનક ઘટના સામે આવી છે, જેનાથી સંબંધો, વિશ્વાસ અને પરિવારની પરિભાષા પર સવાલ ઊભા થયા છે. ૬ વર્ષ પહેલા જે ઘરમાં લગ્ન થયા હતા અને નવી જિદગીની શરૂઆત થઈ હતી, એ જ ઘરમાંથી હવે હત્‍યા, દગો અને ષડયંત્રની કહાની બહાર આવી છે. આરોપ છે કે પત્‍નીએ પોતાના પ્રેમી (ભત્રીજા), બહેન અને તેના બોયફ્રેન્‍ડ સાથે મળીને પતિની એટલી ક્રૂર રીતે હત્‍યા કરી કે સાંભળનારના પણ રુંવાળા ઉભા થઈ જાય.

પોલીસના જણાવ્‍યા મુજબ, આ કોઈ અચાનક ગુસ્‍સામાં બનેલી ઘટના નહોતી, પરંતુ પૂરા પ્‍લાનિગ સાથે રચાયેલું ષડયંત્ર હતું. પહેલા પતિને બંધક બનાવવામાં આવ્‍યો, પછી તેને ઢોર માર મારવામાં આવ્‍યો, ત્‍યારબાદ વીજળીનો શોક આપવામાં આવ્‍યા અને અંતે ઝેર પીવડાવીને મોતને ઘાટ ઉતારવામાં આવ્‍યો. ત્‍યારબાદ આ હત્‍યાને આત્‍મહત્‍યા બતાવવા માટે મૃતદેહને સીડીઓ પરથી નીચે ફેંકી દેવામાં આવ્‍યો.

મઝોલા પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં આવેલી ઢક્કા વિસ્‍તારમાં આ ઘટના બની છે. પડોશીઓના જણાવ્‍યા મુજબ, રાતે ઘરમાં કંઈક અશાંતિ હતી, પણ કોઈને અંદાજ નહોતો કે અંદર આટલી મોટી ઘટના બની રહી છે. થોડા સમય પછી અચાનક સમાચાર મળ્‍યા કે પવને ઝેર પીધું અને સીડીઓ પરથી નીચે પડી ગયો. ઘરની બહાર લોકોની ભીડ એકઠી થઈ ગઈ. પરિવારના લોકો રડતા દેખાયા, પણ પોલીસને શરૂઆતથી જ કંઈક ગડબડ લાગતી હતી. પોલીસ સ્‍થળ પર પહોંચી ત્‍યારે પવનના શરીર પર અનેક ઈજાઓના નિશાન હતા. માત્ર પડવાથી આવી ઈજાઓ થતી નથી. પોસ્‍ટમોર્ટમ અને પ્રાથમિક તપાસમાં આખો કેસ પલટી ગયો.

મૃતક પવનના લગ્ન આશરે ૬ વર્ષ પહેલા આંચલ સાથે થયા હતા. બંનેને ૩ વર્ષની એક દીકરી છે. આસપાસના લોકોના જણાવ્‍યા મુજબ, શરૂઆતમાં બધું સામાન્‍ય હતું, પણ છેલ્‍લા કેટલાક સમયથી પતિ-પત્‍ની વચ્‍ચે ઝઘડા વધી ગયા હતા. તપાસમાં બહાર આવ્‍યું કે આંચલને પોતાના ભત્રીજા અંકિત સાથે પ્રેમ થઈ ગયો હતો. એટલું જ નહીં પવનને પણ આ અંગે શંકા થવા લાગી હતી. ઘરમાં વારંવાર ઝઘડા થવા લાગ્‍યા હતા. પવને અનેક વખત વિરોધ કર્યો, પણ સ્‍થિતિ સુધરવાને બદલે વધુ બગડી ગઈ.

પોલીસ તપાસમાં જે કહાની બહાર આવી, એ સાંભળીને બધા હચમચી ગયા. આરોપ છે કે ઘટનાના દિવસે ચારેય આરોપીઓએ મળીને પવનને રસ્‍તામાંથી હટાવવાનો પ્‍લાન બનાવ્‍યો. પોલીસના જણાવ્‍યા મુજબ, પહેલા તેને ઝેર પીવડાવવાનો પ્રયાસ થયો. જ્‍યારે પવને વિરોધ કર્યો, ત્‍યારે તેને બાંધીને ઢોર માર મારવામાં આવ્‍યો. પછી વીજળીના તારથી કરંટ આપવામાં આવ્‍યો. લગભગ ૩ કલાક સુધી પવન તડફડીયા મારતો રહ્યો. સ્‍થિતિ વધુ બગડી ત્‍યારે આરોપીઓએ ફરી ઝેર પીવડાવ્‍યું. જ્‍યારે પવનનું મોત થયું, ત્‍યારે ચારેયએ મળીને આખી કહાનીને આત્‍મહત્‍યા દેખાડવાનો પ્રયાસ કર્યો. પોલીસના જણાવ્‍યા મુજબ, મૃતદેહને સીડીઓ પરથી નીચે ફેંકવામાં આવ્‍યો, જેથી લોકોને લાગે કે ઝેર પીધા પછી પડવાથી મોત થયું છે.

આ કેસમાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે હત્‍યાના ષડયંત્રમાં આંચલની બહેન શિખા અને તેનો બોયફ્રેન્‍ડ અજય પણ સામેલ હતા. તપાસમાં સામે આવ્‍યું કે ઘટના પહેલા ૪ દિવસ શિખા ઘરે રહેવા આવી હતી. પોલીસને શંકા છે કે એ જ સમયે આખું પ્‍લાનિગ કરવામાં આવ્‍યું હશે. ઘટનાના દિવસે ચારેય આરોપી ઘરમાં હાજર હતા.

મૃતકના પરિવારજનોના જણાવ્‍યા મુજબ, પવનને પહેલેથી જ દાળમાં કંઈક કાળું હોય એવું લાગી રહ્યું હતું. પરિવારજનોના જણાવ્‍યા મુજબ લગભગ ૩ મહિના પહેલા પવને પોતાની બહેનને ફોન કરીને કહ્યું હતું કે ઘરમાં સ્‍થિતિ સારી નથી અને તેને કોઈ મોટા ષડયંત્રની આશંકા છે. ત્‍યારે પરિવારજનો એ વાતને ઘરેલુ ઝઘડો સમજીને વધારે ધ્‍યાન આપ્‍યું નહોતું. હવે પરિવારજનોને અફસોસ છે કે જો એ સમયે વાતને ગંભીરતાથી લીધી હોત, તો કદાચ પવનનો જીવ બચી જાત.

પોલીસ અધિક્ષક સતપાલે જણાવ્‍યું કે, મઝોલા વિસ્‍તારમાં હત્‍યાની માહિતી મળી હતી. તપાસમાં બહાર આવ્‍યું કે પવનની હત્‍યા તેની પત્‍ની આંચલ, પ્રેમી અંકિત, બહેન શિખા અને તેના બોયફ્રેન્‍ડ અજયે મળીને કરી હતી. પોલીસે ચારેય આરોપીઓને ઝડપી અને કોર્ટમાં રજૂ કરી દીધા છે. કેસમાં આગળની કાનૂની કાર્યવાહી ચાલી રહી છે. ઘટના પછી આખા વિસ્‍તારમાં ચકચાર ફેલાઈ ગઈ છે.

(10:28 AM IST)