<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th November 2026

ફક્‍ત ૧૪ ઈંચની હાઈટ ધરાવતી ગાયઃ રોજ આપે છે ૫ લીટર દૂધ

૩ પ્રજાતિની ગાય જોવા માટે પુષ્‍કર મેળામાં દેશ વિદેશથી લોકો આવ્‍યા : આ વર્ષના પુષ્‍કર મેળામાં ઊંટ અને ઘોડાની સાથે સાથે, ગાયની નાની પ્રજાતિઓ પણ મુખ્‍ય આકર્ષણનું કેન્‍દ્ર બની છેઃ લોકો પુંગાનુર,‘મિની માઉસ' અને વેચુર પ્રજાતિની ગાયોને જોવા માટે મોટી સંખ્‍યામાં એકઠા થઈ રહ્યા છ

અજમેર,તા.૧૯: આંતરરાષ્ટ્રીય પુષ્‍કર મેળામાં ઊંટ અને ઘોડાની સાથે સાથે, વિશ્વની સૌથી નાની પ્રજાતિની ગાયો મેળાના મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્‍દ્ર બની છે. પુંગનુર, 'મિની માઉસ' અને વેચુર પ્રજાતિની આ નાના ગાયની હાજરીએ મોટી સંખ્‍યામાં લોકોને આકર્ષ્‍યા છે. સામાન્‍ય પશુઓ કરતાં ઘણી નાની કદની આ ગાયો માત્ર તેમના નાના કદ માટે જ નહીં, પરંતુ દૂધ આપવાની તેમની ક્ષમતા માટે પણ જાણીતી છે.

આમાં પુંગનુર પ્રજાતિ સૌથી નાની છે, જેની ઊંચાઈ માત્ર ૧૪ ઇંચ છે અને તે દરરોજ આશરે ૩ લિટર દૂધ આપે છે. 'મિની માઉસ' પ્રજાતિની ઊંચાઈ ૧૫ થી ૨૦ ઇંચ હોય છે અને તે દરરોજ ૩ થી ૫ લિટર દૂધ આપે છે. વેચુર પ્રજાતિની ઊંચાઈ ૨૫ થી ૨૮ ઇંચ સુધી હોય છે અને તે દરરોજ લગભગ ૫ લિટર દૂધ આપે છે. ૧૪ ઇંચની પુંગાનુર અને ૨૦ ઇંચ સુધીની 'મિની માઉસ' ગાયો મેળામાં આવી છે.

જયપુરના પશુપાલક અભિનવ તિવારી આ નાની પ્રજાતિની ગાયોને પુષ્‍કર મેળામાં લાવ્‍યા છે. તેમના કહેવા મુજબ, પુંગનુર પ્રજાતિ અત્‍યંત નાની હોય છે; આશરે ૧૪ ઇંચની ઊંચાઈ ધરાવતી આ ગાયો દરરોજ લગભગ ૩ લિટર દૂધ આપે છે. તેવી જ રીતે, 'મિની માઉસ' નસલની ઊંચાઈ ૧૫ થી ૨૦ ઇંચ હોય છે અને તે દરરોજ ૩ થી ૫ લિટર દૂધ આપે છે. 'વેચુર' નસલ આ બંને કરતાં થોડી મોટી હોય છે; તેની ઊંચાઈ ૨૫ થી ૨૮ ઇંચ હોય છે અને તે દિવસમાં લગભગ ૫ લિટર દૂધ આપે છે. તેમના નાના કદ અને આકર્ષક દેખાવને કારણે, આ ગાયો મેળામાં આવતા બાળકો અને પુખ્‍ત વયના લોકો માટે આકર્ષણનું કેન્‍દ્ર બની છે.

અભિનવ તિવારી જણાવે છે કે તેઓ આ ગાયોને પુષ્‍કર મેળામાં વેચવા માટે નથી લાવ્‍યા, પરંતુ આ પ્રજાતિ અને તેમની વિશિષ્ટ લાક્ષણિકતાઓ વિશે જાગૃતિ લાવવા માટે લાવ્‍યા છે. તેમની પાસે આવી ૫૦થી વધુ ગાયો છે. જો કોઈ મુલાકાતી કે પશુપાલક કોઈ ગાયમાં રસ દર્શાવે, તો તેને બુક કરાવી શકે છે અને બાદમાં તેમના ફાર્મ પરથી મેળવી શકાય છે.

અભિનવ તિવારીના મતે, આ ગાયોનું નાનું કદ તેને ઘરમાં જ ઉછેરવા માટે એક આકર્ષક વિકલ્‍પ બનાવે છે, કારણ કે સામાન્‍ય પશુઓની સરખામણીમાં તેમને ઘણી ઓછી જગ્‍યાની જરૂર પડે છે. આ કારણોસર, પશુપાલનમાં રસ ધરાવતા ઘણા લોકો તેમના વિશે માહિતી મેળવી રહ્યા છે. પુષ્‍કર મેળામાં આ નાની ગાયોની હાજરીએ લોકોને પશુઓની વિવિધ નસલો વિશે જાણવાની અને શીખવાની એક નવી તક પૂરી પાડી છે.

(10:20 AM IST)