તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 19th June 2026
આતંકની ફેક્ટરી ચલાવનાર દેશ સહયોગની આશા ન રાખે
યુએનમાં ભારતે પાકિસ્તાનને બરાબરનું ઝાટકયું: જૂની થઈ ગયેલી ૧૯૬૦ની સંધિ હવે વર્તમાન સમયમાં સુસંગત નથી ભારતીય રાજદ્વારી અનુપમા સિંહે પાકિસ્તાનને અરીસો બતાવ્યોઃ કાશ્મીર અંગે OICના નિવેદનોને પણ ફગાવ્યા

જેનિવા, તા.૧૯: સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદના ૬૨મા સત્રમાં ભારતે પાકિસ્તાનના પ્રોપગેન્ડાના લીરેલીરા ઉડાવતા વૈશ્વિક મંચ પરથી એક અત્યંત આકરો અને સ્પષ્ટ સંદેશ આપ્યો છે. ભારતના કાયમી મિશનના પ્રથમ સચિવ અનુપમા સિંહે પાકિસ્તાનને બરાબરનું ઝાટકતા કહ્યું કે, જે દેશ આતંકવાદને પોતાની સરકારી નીતિના એક હથિયાર તરીકે વાપરે છે, તે મિત્રતા કે સહકારના વિશેષાધિકારોની અપેક્ષા રાખી શકે નહીં. ભારતે દાયકાઓ જૂની સિંધુ જળ સંધિ અંગે પોતાનું વલણ વધુ મજબૂત કરતા સ્પષ્ટ કર્યું કે ૧૯૬૦માં થયેલી આ સંધિ હવે વર્તમાન પરિસ્થિતિઓમાં તદ્દન જૂની અને અપ્રાસંગિક થઈ ચૂકી છે. બદલાતા સમય સાથે કોઈ પણ ટેકનિકલ વ્યવસ્થા સદા માટે સ્થિર રહી શકે નહીં, અને પહલગામ આતંકવાદી હુમલામાં ૨૬ નિર્દોષ ભારતીયોના મોત બાદ ભારતે આ સંધિને ત્યાં સુધી સ્થગિત કરવાનો મક્કમ નિર્ણય લીધો છે જ્યાં સુધી પાકિસ્તાન સરહદ પારથી આતંક ફેલાવવાનું બંધ ન કરે. પાકિસ્તાનની અર્થવ્યવસ્થા અને કળષિ ક્ષેત્રની કરોડરજ્જુ ગણાતી સિંધુ નદીના પાણી પર તેની નિર્ભરતા જગજાહેર છે, કારણ કે પાકિસ્તાનની આશરે ૮૦ ટકા ખેતીલાયક જમીનની સિંચાઈ અને ૯૩ ટકા પાણીનો વપરાશ આ નદી પર જ આધારિત છે. આ નબળાઈ જાણવા છતાં પાકિસ્તાન પોતાની આતંકવાદી પ્રવળત્તિઓથી બાજ નથી આવતું, જેના કારણે ભારતે હવે તેને તેની જ ભાષામાં જવાબ આપવાનું શરૂ કર્યું છે. ભારતીય રાજદ્વારીએ પાકિસ્તાનને એક ફ્રેન્કેસ્ટાઇન સ્ટેટ (પોતાના જ સર્જેલા રાક્ષસનો ભોગ બનનાર દેશ) તરીકે ઓળખાવતા કહ્યું કે, જે દેશના સંરક્ષણ પ્રધાન પોતે આતંકવાદીઓને આશ્રય અને તાલીમ આપવાની વાત સ્વીકારતા હોય, તે દેશ વૈશ્વિક મંચ પર આતંકવાદના પીડિત હોવાનું નાટક કરી શકે નહીં. દર વખતે આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર દ્વિપક્ષીય મુદ્દાઓ ઉઠાવીને સહાનુભૂતિ મેળવવાનું પાકિસ્તાનનું આ મોસમી નાટક હવે વિશ્વ સમક્ષ સંપૂર્ણપણે ખુલ્લું પડી ગયું છે.
કાશ્મીર મુદ્દે પાકિસ્તાન અને ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન દ્વારા કરવામાં આવેલી વાંધાજનક ટિપ્પણીઓને ભારતે સખત શબ્દોમાં ફગાવી દીધી છે. અનુપમા સિંહે ભારપૂર્વક પુનરોચ્ચાર કર્યો કે, જમ્મુ અને કાશ્મીર હંમેશા ભારતનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ હતો, છે અને કાયમ રહેશે. ભારતે પાકિસ્તાનને ભારતીય પ્રદેશો પરથી પોતાનો ગેરકાયદેસર કબજો તાત્કાલિક ખાલી કરવા ચેતવણી આપી છે. ભારતે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે કે પાકિસ્તાને ભારત સામે પાયાવિહોણા અને દ્વેષપૂર્ણ આરોપો લગાવવાને બદલે પોતાના દેશમાં ફાટી નીકળેલા આંતરિક આતંકવાદ, કંગાળ આર્થિક સ્થિતિ અને માનવાધિકારના ગંભીર પડકારોનો સામનો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, નહિતર ભવિષ્યમાં તેણે વધુ ગંભીર પરિણામો ભોગવવા તૈયાર રહેવું પડશે.
(3:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
