<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th August 2026

પાંચ દિવસનું બેંકિંગ સપ્તાહ સહિતની માગણીઓનો ધડાકોઃ ૧૧ સપ્ટેમ્બર અને ૨૮થી ૩૦ સપ્ટેમ્બર દેશવ્યાપી હડતાળનું એલાન: સરકારની કામગીરી આધારિત પ્રોત્સાહન યોજના સામે પણ યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સનો મોરચોઃ ૨૬ ઓક્ટોબરથી અચોક્કસ મુદતની હડતાળની ચીમકી: ન્યુઝ ફર્સ્ટ

નવી દિલ્હી: યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સે પાંચ દિવસનું બેંકિંગ સપ્તાહ અમલી બનાવવા તથા કામગીરી આધારિત પ્રોત્સાહન યોજનાના મુદ્દે દેશવ્યાપી આંદોલન વધુ ઉગ્ર બનાવવાનો નિર્ણય કર્યો છે. સંગઠને ૧૧ સપ્ટેમ્બરે એક દિવસ અને ૨૮, ૨૯ તથા ૩૦ સપ્ટેમ્બરે ત્રણ દિવસની અખિલ ભારતીય હડતાળ જાહેર કરી છે. ઉકેલ નહીં આવે તો ૨૬ ઓક્ટોબરથી અચોક્કસ મુદતની હડતાળ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

 

: દેશના બેંક ગ્રાહકો માટે સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં મહત્વના બેંકિંગ વ્યવહારોનું આગોતરું આયોજન કરવું જરૂરી બની શકે છે. બેંક કર્મચારીઓ અને અધિકારીઓના સંગઠનોના સંયુક્ત મંચ યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સે વિવિધ પડતર માગણીઓને લઈને મોટા આંદોલનનો કાર્યક્રમ જાહેર કર્યો છે. કાર્યક્રમ મુજબ ૧૧ સપ્ટેમ્બરે દેશવ્યાપી બેંક હડતાળ રહેશે. ત્યારબાદ ૨૮, ૨૯ અને ૩૦ સપ્ટેમ્બરે સતત ત્રણ દિવસ હડતાળ પાડવામાં આવશે. ૨૬ અને ૨૭ સપ્ટેમ્બર અનુક્રમે શનિવાર અને રવિવાર હોવાથી અનેક ગ્રાહકો માટે બેંકિંગ સેવાઓ ઉપર સતત પાંચ દિવસ અસર પડવાની સંભાવના ઊભી થશે. જોકે રજાની સ્થિતિ બેંક અને રાજ્ય પ્રમાણે લાગુ નિયમો ઉપર પણ આધારિત રહેશે.

 

યુનિયનોની મુખ્ય માગણી બેંકિંગ ક્ષેત્રમાં પાંચ દિવસનું કાર્યસપ્તાહ લાગુ કરવાની છે. આ ઉપરાંત સરકારની સુધારેલી કામગીરી આધારિત પ્રોત્સાહન યોજનાનો પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે. પાંચ દિવસના બેંકિંગ માટે ભારતીય બેંક સંઘ અને યુનિયનો વચ્ચે અગાઉ સમજૂતી થઈ હતી અને સોમવારથી શુક્રવાર સુધી રોજના કામકાજના સમયમાં આશરે ૪૦ મિનિટનો વધારો કરીને બાકીના શનિવારોને રજા જાહેર કરવાની દરખાસ્ત સરકાર સમક્ષ મોકલાઈ હતી.

 

યુનાઇટેડ ફોરમના જાહેર કાર્યક્રમ પ્રમાણે માગણીઓનો સંતોષકારક ઉકેલ નહીં આવે તો ૨૬ ઓક્ટોબરથી અચોક્કસ મુદતની દેશવ્યાપી બેંક હડતાળ શરૂ કરવામાં આવશે. તે પહેલાં દેખાવો, કાળી પટ્ટી ધારણ કરવી, ધરણાં અને અન્ય વિરોધ કાર્યક્રમો પણ યોજાશે.

(9:45 AM IST)