News of Sunday, 26th April 2026
મિર્ઝાપુરની ખીણમાં મોડી રાત્રે કાળમુખો ટ્રક મોત બનીને ત્રાટક્યો: બ્રેક ફેઈલ થતા અનેક વાહનોનો કુરચો બોલાવ્યો, બોલેરોમાં આગ લાગતા 11 જિંદગીઓ જીવતી ભૂંજાઈ
બરકા મુદન પાસે ટ્રક અને કાર વચ્ચેની ભીષણ ટક્કર બાદ સર્જાયેલા અગ્નિકાંડથી અરેરાટી, બે ટ્રકો વચ્ચે અલ્ટો કાર સેન્ડવીચ બની ગઈ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દુર્ઘટના પર ઘેરો શોક વ્યક્ત કરી વળતરની ખાતરી આપી

મિર્ઝાપુર: ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર સ્થિત ડ્રમમંડગંજ ખીણમાં બુધવારે રાત્રે એક કંપારી છૂટી જાય તેવો માર્ગ અકસ્માત સર્જાયો હતો. મધ્ય પ્રદેશથી ચણા ભરીને આવી રહેલા એક અનિયંત્રિત ટ્રકની બ્રેક ફેઈલ થઈ જતા તેણે પહાડી રસ્તા પર આગળ જઈ રહેલા વાહનોને અડફેટે લીધા હતા. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે બે ટ્રકોની વચ્ચે એક અલ્ટો કાર કચડાઈ ગઈ હતી, જ્યારે પાછળથી અથડાયેલી બોલેરો કારમાં જોતજોતામાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આ કરુણ દુર્ઘટનામાં બોલેરોમાં સવાર લોકો બહાર નીકળે તે પહેલા જ આગમાં લપેટાઈ ગયા હતા, જેના કારણે કુલ 11 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે.
ઘટનાની જાણ થતા જ એસપી અપર્ણા રજત કૌશિક સહિતનો પોલીસ કાફલો અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અંધારા અને ખીણ જેવા દુર્ગમ વિસ્તારમાં સ્થાનિક રહેવાસીઓની મદદથી તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. અકસ્માતમાં સામેલ વાહનો બિહાર, મધ્ય પ્રદેશ, સોનભદ્ર અને મિર્ઝાપુર પાસિંગના હોવાનું બહાર આવ્યું છે. પોલીસે ક્રેનની મદદથી ક્ષતિગ્રસ્ત વાહનોને ખસેડી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. હાલમાં મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલીને તેમના પરિવારજનોનો સંપર્ક કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ અકસ્માત અંગે ટ્વિટર (X) પર ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે. તેમણે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના પ્રગટ કરતા જિલ્લા વહીવટીતંત્રને ઘાયલોની શ્રેષ્ઠ સારવાર સુનિશ્ચિત કરવા આદેશ આપ્યો છે. ખીણના સાંકડા વળાંકો પર ભારે વાહનોની બ્રેક ફેઈલ થવાની વધતી ઘટનાઓએ ટ્રાફિક સુરક્ષા સામે ફરી મોટા સવાલો ઉભા કર્યા છે. અત્યારે સમગ્ર વિસ્તારમાં માતમનો માહોલ છે અને પોલીસ કાયદેસરની કાર્યવાહી કરી રહી છે. પાંચ કલાકની ભારે જહેમત બાદ ખીણ માર્ગ પર વાહનવ્યવહાર પૂર્વવત કરવામાં આવ્યો છે.
(4:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
