News of Tuesday, 29th September 2026
દિલ્હીમાં મેડિકલ ક્ષેત્રે મોટો ચમત્કાર: પ્રથમવાર કેન્દ્ર સરકારની હોસ્પિટલમાં ડ્યુઅલ કિડની ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક પૂર્ણ
દર્દીને એક 62 વર્ષના ડોનરની કિડનીઓ લગાવવામાં આવી:બ્રેન ડેડ જાહેર થયા બાદ પરિવારજનોએ અંગદાન કરવાનો નિર્ણય લીધો

નવી દિલ્હી :દેશની રાજધાની દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં ડૉક્ટરોની ટીમે ડ્યુઅલ કિડની ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. દર્દીને એક 62 વર્ષના ડોનરની કિડનીઓ લગાવવામાં આવી છે. બ્રેન ડેડ જાહેર થયા બાદ પરિવારજનોએ અંગદાન કરવાનો નિર્ણય લીધો હતો. ડોનરના લીવરથી લઈને કિડનીઓ સુધીના અંગોનું દાન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ડોક્ટરોએ ડોનરની બંને કિડની એક જ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરી. સફદરજંગ હોસ્પિટલમાં અત્યાર સુધીની આ પ્રકારની આ પ્રથમ સર્જરી છે, જેમાં એક જ ડોનરની બંને કિડની કોઈ એક દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હોય.
આ ડ્યુઅલ કિડની ટ્રાન્સપ્લાન્ટ બાદ આશા જાગી છે કે આગળ જતાં અન્ય દર્દીઓમાં પણ આવી સર્જરી કરી શકાશે અને તેમને નવું જીવન મળવાની શક્યતાઓ વધશે.
19 સપ્ટેમ્બરની રાત્રે ચંડીમંદિર સ્થિત કમાન્ડ હોસ્પિટલમાં 62 વર્ષના એક વ્યક્તિને બ્રેન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. પરિવારે અંગદાનનો નિર્ણય લીધો. ઉંમર અને અન્ય કેટલાક તબીબી કારણોસર ડોનરને 'માર્જિનલ ડોનર' માનવામાં આવ્યા હતા. આવા કિસ્સામાં એક કિડની એકલા દર્દી માટે પૂરતો ફાયદો આપી શકતી નથી, તેથી સફદરજંગ હોસ્પિટલની ટ્રાન્સપ્લાન્ટ ટીમે એક જ ડોનરની બંને કિડની એક જ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવાનો નિર્ણય લીધો.
દર્દીના પરિવારની સંમતિ બાદ આ જટિલ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. અંગોને વહેલી તકે દિલ્હી પહોંચાડવા જરૂરી હતા. આવી સ્થિતિમાં ભારતીય વાયુસેનાની વેસ્ટર્ન કમાન્ડે અંગોને દિલ્હી લાવવામાં મદદ કરી હતી. ડોનરનું લીવર આર્મી હોસ્પિટલ, નવી દિલ્હીને આપવામાં આવ્યું, જ્યારે બંને કિડની સફદરજંગ હોસ્પિટલ પહોંચાડવામાં આવી હતી.
ડ્યુઅલ કિડની ટ્રાન્સપ્લાન્ટ ડૉ. પવન વાસુદેવાના નેતૃત્વમાં મલ્ટી-ડિસિપ્લિનરી ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ટીમમાં ડો. નીરજ કુમાર, ડૉ. સંદીપ કુમાર અને ડૉ. ગૌરવ વસિષ્ઠ સામેલ હતા.
હોસ્પિટલના જણાવ્યા અનુસાર, અંગોની અછત વચ્ચે એક જ ડોનરની બંને કિડનીનો ઉપયોગ કરવાથી જરૂરિયાતમંદ દર્દીઓ માટે ટ્રાન્સપ્લાન્ટની તકો વધારી શકાય છે. આનાથી કિડનીની ગંભીર સમસ્યાઓથી પીડાતા દર્દીઓની જિંદગી બચાવી શકાશે.
(8:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
