<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th October 2026

મતદાર યાદીમાં 'વિકાસ યાદવ' નામનો મોટો ખેલ: સપાના ધડાકા બાદ ચૂંટણી પંચ હરકતમાં: આઝમગઢમાં ૯ કર્મચારીઓ સામે વીજળીક કાર્યવાહી!

સમાજવાદી પાર્ટીના ગંભીર આરોપો પછી મુખ્ય ચૂંટણી અધિકારીની તપાસમાં ખુલ્લી બેદરકારી : ૫ BLO અને કમ્પ્યુટર આસિસ્ટન્ટ સેવામાંથી બહાર : ૩ સિનિયર અધિકારીઓને ફટકારાઈ ચાર્જશીટ

આઝમગઢ :   ઉત્તર પ્રદેશના આઝમગઢ જિલ્લાના રાજકારણમાં અને ચૂંટણી વહીવટીતંત્રમાં ત્યારે ભારે હડકંપ મચી ગયો, જ્યારે મતદાર યાદીમાં ગંભીર ગેરરીતિઓનો પર્દાફાશ થયો. સમાજવાદી પાર્ટીએ પત્રકાર પરિષદ યોજીને સનસનાટીભર્યો આરોપ લગાવ્યો હતો કે આઝમગઢ સદર વિધાનસભા મતવિસ્તાર (નંબર ૩૪૭) ની મતદાર યાદીમાં 'વિકાસ યાદવ' નામનો એક જ વ્યક્તિ ૧૦થી વધુ વખત નોંધાયેલો છે. આ ધડાકા બાદ ઉત્તર પ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારીએ મામલાની તાત્કાલિક ગંભીર નોંધ લઈ જિલ્લા ચૂંટણી અધિકારી પાસેથી વિગતવાર તપાસ અહેવાલ માંગ્યો હતો. તપાસ દરમિયાન અધિકારીઓના પણ હોશ ઊડી ગયા જ્યારે મતદાર યાદીમાં હિન્દી ભાષામાં એક જ નામ ૧૩ વખત નોંધાયેલું સામે આવ્યું, જેણે સમગ્ર ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા સામે મોટા પ્રશ્નાર્થચિહ્નો ઊભા કરી દીધા છે.

મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા કરવામાં આવેલી ઊંડી તપાસમાં બહાર આવ્યું કે, આ ૧૩ એન્ટ્રીઓમાંથી ૨ એન્ટ્રીઓ પહેલાથી જ નિયમ મુજબ રદ કરવામાં આવી હતી, જ્યારે બાકીની ૧૧ એન્ટ્રીઓ અલગ-અલગ ગામોમાં રહેતા અલગ-અલગ વ્યક્તિઓની હતી. જોકે, ગંભીર બાબત એ સામે આવી કે વાસ્તવિક વિકાસ યાદવ સિવાય અન્ય ૧૦ લોકોએ ડેટા સુધારવા માટે 'ફોર્મ-૮' ભર્યું હોવા છતાં કમ્પ્યુટર ઓપરેટરો અને બીએલઓની બેદરકારીના કારણે ડુપ્લિકેશન દૂર થયું ન હતું. એટલું જ નહીં, સમાન નામ અને પિતાનું નામ ધરાવતો એક મતદાર ગોરખપુરના ચૌરી ચૌરા વિધાનસભા વિસ્તારનો હોવા છતાં આઝમગઢની યાદીમાં તેની ભળતી એન્ટ્રી બોલતી હતી. ડેટા એન્ટ્રી અને દેખરેખમાં થયેલી આ હિમાલય જેવી ભૂલે તંત્રની પોલ ખોલી નાખી હતી.

ચૂંટણી વિભાગે આ બેદરકારી બદલ કડક વલણ અપનાવતા તાત્કાલિક અસરથી મોટી કાર્યવાહીના આદેશ આપ્યા છે. મતદાર નોંધણી કેન્દ્રના કમ્પ્યુટર આસિસ્ટન્ટ અને ૫ બૂથ લેવલ ઓફિસર  ને ચૂંટણી કામગીરીમાંથી તાત્કાલિક હટાવી દઈ સેવામાંથી બરતરફ કરવા માટે નોટિસ જારી કરવામાં આવી છે. આ ઉપરાંત, સમગ્ર મામલે બેદરકારી દાખવનાર તત્કાલીન ચૂંટણી નોંધણી અધિકારી અને ૨ સહાયક ચૂંટણી નોંધણી અધિકારીઓ સામે પણ વિભાગીય તપાસ અને ચાર્જશીટ જારી કરાઈ છે. આ તમામ દોષિતો સામે 'લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, ૧૯૫૦' ની કલમ ૩૨ હેઠળ કાનૂની પગલાં લેવાઈ રહ્યા છે. પંચે હવે સમગ્ર આઝમગઢ જિલ્લાના તમામ વિધાનસભા વિસ્તારોની મતદાર યાદીઓની કડક તપાસ કરવાનો અને એક અઠવાડિયામાં આખરી અહેવાલ સોંપવાનો નિર્દેશ આપ્યો છે.

(10:11 PM IST)