<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th May 2026

દુબઈમાં લક્ઝરી ઘરનું સપનું જોનારાઓને મોટો ઝટકો: પશ્ચિમ એશિયામાં યુદ્ધની આગની અસર રિયલ એસ્ટેટ પર પડી, પ્રોજેક્ટ્સમાં વિલંબ સાથે ખર્ચમાં તોતિંગ વધારો

દુબઈના આકાશને સ્પર્શતી ઈમારતો પર ગ્રહણ: ૨૦૨૬માં મળનારા હજારો મકાનો હવે છેક ૨૦૨૭ પછી મળશે, બાંધકામ ખર્ચ ૩૦% વધતા રોકાણકારોમાં ચિંતા

દુબઈ, તા. ૧૨: ઝડપી ગતિ અને ગગનચુંબી ઈમારતો માટે જાણીતા દુબઈના રિયલ એસ્ટેટ માર્કેટને પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધની નકારાત્મક અસર નડી રહી છે. અત્યાર સુધી તેજીમાં દોડી રહેલા દુબઈના પ્રોપર્ટી માર્કેટ પર હવે 'બ્રેક' લાગી હોય તેવું ચિત્ર દેખાઈ રહ્યું છે. યુદ્ધના કારણે સપ્લાય ચેઈન ખોરવાઈ જતા અને ઇનપુટ કોસ્ટમાં ધરખમ વધારો થતા અનેક મોટા પ્રોજેક્ટ્સ હવે નિર્ધારિત સમય કરતા ૬ થી ૯ મહિના મોડા પૂર્ણ થશે તેવી શક્યતા છે.
એનારોક મિડલ ઈસ્ટના અહેવાલ મુજબ, વર્ષ ૨૦૨૬ સુધીમાં દુબઈમાં અંદાજે ૪૫,૦૦૦ જેટલા નવા યુનિટ્સ (મકાનો/ઓફિસ) સોંપવાનું લક્ષ્ય હતું, પરંતુ વર્તમાન પરિસ્થિતિ જોતા તેમાંથી લગભગ ૫૦ ટકા પ્રોજેક્ટ્સ હવે ૨૦૨૭ કે તે પછીના વર્ષોમાં ધકેલાઈ શકે છે. ઉદ્યોગના નિષ્ણાતોના મતે, યુદ્ધને કારણે લોજિસ્ટિક્સ અને કાચા માલના ખર્ચમાં ૩૦% જેટલો વધારો થયો છે, જેણે ડેવલપર્સનું ગણિત બગાડ્યું છે.
સપ્લાય ચેઈન ખોરવાઈ: મટીરિયલના ભાવ આસમાને
દુબઈનું બાંધકામ ક્ષેત્ર આયાત કરેલી સામગ્રી પર નિર્ભર છે. ઇઝરાયેલ-ઈરાન વચ્ચેના સંઘર્ષને કારણે શિપિંગ રૂટ બદલાયા છે, જેનાથી પ્રીમિયમ સિરામિક્સ, એલ્યુમિનિયમ અને ઇલેક્ટ્રિકલ સામાનના ભાવમાં ૧૮% થી ૨૮% નો વધારો થયો છે. એનારોક ગ્રુપના EMEA ચીફ એક્ઝિક્યુટિવ અનુજ કેજરીવાલના જણાવ્યા અનુસાર, શિપિંગ સેવાઓ પ્રભાવિત થવાથી માલ પહોંચવામાં પણ અઠવાડિયાઓનો વિલંબ થઈ રહ્યો છે, જેની સીધી અસર બાંધકામની ગતિ પર પડી છે.
બેંકોએ પણ હાથ ખેંચ્યા: લિક્વિડિટીની કટોકટી
માત્ર માલસામાન જ નહીં, પરંતુ નાણાકીય મોરચે પણ મુશ્કેલીઓ વધી છે. વધતા જોખમોને ધ્યાનમાં રાખીને બેંકોએ હવે ડેવલપર્સને ધિરાણ આપવા માટેના નિયમો કડક બનાવ્યા છે. IBPC ના સેક્રેટરી જનરલ સાહિત્ય કે ચતુર્વેદીએ જણાવ્યું હતું કે, બેંકો હવે ડેવલપર્સની વિશ્વસનીયતા પર વધુ ધ્યાન આપી રહી છે, જેના કારણે બજારમાં લિક્વિડિટી (રોકડ)ની તંગી સર્જાઈ રહી છે.
રોકાણકારો માટે શું છે સ્થિતિ?
દુબઈના કુલ પ્રોપર્ટી વ્યવહારોમાં ૭૦% હિસ્સો બાંધકામ હેઠળના (Under-construction) પ્રોજેક્ટ્સનો છે. હાલમાં અમીરાતમાં ૩૬૬ અબજ AED થી વધુની કિંમતના ૧,૫૯૨ પ્રોજેક્ટ્સ કાર્યરત છે. જોકે, ૫૮% પ્રોજેક્ટ્સ હજુ પ્રાથમિક તબક્કામાં હોવાથી તેમને આ આર્થિક અને ભૌગોલિક તણાવની સૌથી વધુ અસર થશે. દુબઈમાં રોકાણ કરનારા ભારતીયો સહિતના વિદેશી રોકાણકારોએ હવે તેમના સપનાના ઘરની ચાવી મેળવવા માટે લાંબી રાહ જોવી પડી શકે છે.

(3:27 PM IST)