તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 24th September 2026
ઉત્તર ભારતના ૪ રાજ્યોના પુરુષ ઉમેદવારો પર બેંગલુરુની કંપનીએ મૂક્યો નોકરીનો બાન: CEOની વિવાદાસ્પદ ભરતી નીતિથી સોશિયલ મીડિયા પર ભારે બબાલ
UP, બિહાર, રાજસ્થાન અને MPના પુરુષોને નોકરી પર નહીં રાખવાની નીતિ બાદ ભારે ટ્રોલિંગ, મહિલા કર્મચારીઓની સુરક્ષાનું કારણ આપી CEO કાર્તિક શેનોયે લીધો નિર્ણય

બેંગલુરુ, તા.૨૪: બેંગલુરુ સ્થિત 'A1 સ્પોર્ટ્સ વર્લ્ડ' કંપનીના CEO કાર્તિક શેનોયની એક સોશિયલ મીડિયા પોસ્ટે સમગ્ર દેશમાં કોર્પોરેટ જગત અને સોશિયલ મીડિયા પર મોટો વિવાદ જગાવ્યો છે. CEO કાર્તિક શેનોયે X (અગાઉનું ટ્વિટર) પર જાહેરાત કરી છે કે તેમની કંપની હવે ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, બિહાર અને મધ્ય પ્રદેશ (UP, Bihar, Rajasthan, MP)ના પુરુષ ઉમેદવારોને કોઈપણ સંજોગોમાં નોકરી પર રાખશે નહીં. કંપનીમાં લાંબી આંતરિક ચર્ચા-વિચારણા બાદ આ વિવાદાસ્પદ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.
આ નિર્ણય પાછળનું ગંભીર કારણ સ્પષ્ટ કરતાં CEOએ ખુલાસો કર્યો હતો કે, આ બાબતની શરૂઆત ૨ અઠવાડિયા પહેલાં થઈ હતી. કંપનીના એક કર્મચારીને બે વાર ચેતવણી આપવા છતાં તે મહિલા સહકર્મીઓ સાથે સતત અસભ્ય વર્તન કરતો હતો અને એક મહિલા પર દબાણ બનાવી રહ્યો હતો, જેના કારણે તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. તેમણે ઉમેર્યું કે, "અમે ખૂબ નાના બાળકો સાથે કામ કરીએ છીએ, તો શું આવી માનસિકતા ધરાવતા પુરુષો તક મેળવવાને પાત્ર છે?" વધુમાં તેમણે દાવો કર્યો હતો કે રાજસ્થાનની એક મહિલા કર્મચારીએ પણ તેમના આ નિર્ણયને ૧૦૦% સમર્થન આપ્યું છે.
જોકે, સોશિયલ મીડિયા પર આ પોસ્ટ વાયરલ થતાં જ લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો. અનેક યુઝર્સે કોઈ એક વ્યક્તિના ખરાબ વર્તનને કારણે આખા રાજ્યના તમામ પુરુષોને 'જોખમી' માનીને બાકાત રાખવા સામે સવાલો ઉઠાવ્યા છે. યુઝર્સે દલીલ કરી છે કે વ્યક્તિગત વર્તણૂકના આધારે મૂલ્યાંકન કરવાને બદલે સમગ્ર વસ્તી વિષયક જૂથ પર આવો પ્રતિબંધ મૂકવો એ અયોગ્ય સામાન્યીકરણ (Generalisation) છે. આ જાહેરાતે હવે કાર્યસ્થળની સલામતી, લિંગ અને પ્રદેશ આધારિત ભેદભાવ તેમજ નોકરીદાતાઓની ભરતી નીતિ અંગે દેશભરમાં એક નવી ચર્ચા છેડી દીધી છે.
(5:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
