<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st October 2026

૭૦ વર્ષીય વૃદ્ધ પિતાની દાતરડાના ઘા ઝીંકી નિર્મમ હત્‍યા

જમીનની લાલચમાં પુત્ર બન્‍યો રાક્ષસ!

લખનઉ,તા.૩૧: ઉત્તર પ્રદેશના બાંદા જિલ્‍લામાંથી એક હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે, જ્‍યાં મિલકતની લાલચ અને દારૂના વ્‍યસને એક પુત્રને પોતાના જ પિતાનો હત્‍યારો બનાવી દીધો. શહેરના કોતવાલી વિસ્‍તારમાં આવેલા બાંધા પુરવા ખાતે જમીન પોતાના નામે કરવા બાબતે થયેલી તકરારમાં દારૂડિયા પુત્રએ પોતાના ૭૦ વર્ષીય પિતાની દાતરડાના ઘા ઝીંકી હત્‍યા કરી નાખી છે.

સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે, મૃતક ૭૦ વર્ષીય મોતીલાલ પોતાના ઘરમાં રસોડામાં ચા બનાવી રહ્યા હતા. તે સમયે તેમનો પુત્ર નીલમ ઘરમાં આવ્‍યો હતો. નીલમ અવારનવાર દારૂ પીને ઘરમાં ઝઘડો કરતો હતો અને પિતા પાસે મિલકત પોતાના નામે કરવાની અથવા તો જમીન વેચીને તેના પૈસા આપવાની જીદ કરતો હતો. શુક્રવારે મોડી રાત્રે પણ નીલમે આ જ મુદ્દાને લઈને પિતા સાથે બોલાચાલી શરૂ કરી હતી.

પિતા મોતીલાલે તેને દારૂ પીને રોજ-રોજ ઝઘડો ન કરવા બાબતે ઠપકો આપ્‍યો અને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. આ વાતથી ક્રોધે ભરાયેલા નીલમે આવેશમાં આવીને રસોડામાં નજીક પડેલું તીક્ષ્ણ દાતરડું ઉઠાવ્‍યું હતું અને ચા બનાવી રહેલા વૃદ્ધ પિતાના માથા અને ગળાના ભાગે એક પછી એક અનેક ઘા ઝીંકી દીધા હતા.

ઘટના બાદ મોતીલાલ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્‍યા હતા. વૃદ્ધા (મૃતકની પત્‍ની)એ બૂમાબૂમ કરતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. ગંભીર રીતે ઘવાયેલા મોતીલાલને તાત્‍કાલિક હોસ્‍પિટલ લઈ જવામાં આવ્‍યા હતા, જ્‍યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

ઘટના અંગે માહિતી આપતા બાંદાના ડેપ્‍યુટી એસપી સૌરભ સિહના જણાવ્‍યાં પ્રમાણે બાંધા પુરવા વિસ્‍તારમાંથી કૌટુંબિક વિવાદમાં પિતાની હત્‍યાની માહિતી મળી હતી. પોલીસ ટીમે તાત્‍કાલિક ઘટનાસ્‍થળે પહોંચી મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે મોકલી આપ્‍યો છે. ગુનામાં વપરાયેલ હથિયાર સાથે આરોપી પુત્ર નીલમની ધરપકડ કરી લેવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

(10:06 AM IST)