તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 3rd June 2026
પેરિસમાં નોટ્રે ડેમ નીચે દટાયેલું ૨૦૦૦ વર્ષ જૂનું 'ગુપ્ત શહેર' મળ્યું!
ચર્ચની નીચે માત્ર ૧૩ ફૂટના ખોદકામમાં રોમન સમ્રાટ કોન્સ્ટેન્ટાઇનના સિક્કા : રહસ્યમય લાલ લખાણવાળા વાસણો અને મધ્યયુગીન કાળના અકબંધ રહસ્યો બહાર આવતાં પુરાતત્વવિદો પણ ચોંકી ઉઠ્યા : ઇતિહાસની આ સદીની સૌથી મોટી અને રોમાંચક શોધ

પેરિસ: પેરિસના જગપ્રસિદ્ધ નોટ્રે ડેમ ચર્ચની સામે જ્યારે વૃક્ષો વાવવા માટે સામાન્ય ખોદકામ શરૂ કરાયું, ત્યારે કોઈએ કલ્પના પણ નહોતી કરી કે જમીનની નીચે એક આખું રહસ્યમય શહેર ધબકી રહ્યું છે. ૨૦૧૯ની ભયાનક આગ બાદ ૨૦૨૪ના અંતમાં ફરી ખૂલનારા આ ચર્ચની બહાર માત્ર ૧૩ ફૂટ નીચે પુરાતત્વવિદોને સમયનું એક એવું ચક્ર મળ્યું છે, જે પેરિસના ૨૦૦૦ વર્ષ જૂના રોમન ઇતિહાસને જીવંત કરે છે. પ્રવાસીઓ જ્યાં લાઈનમાં ઊભા છે, બરાબર તેના નીચે સદીઓ જૂનો ઇતિહાસ સ્તરોમાં દટાયેલો પડ્યો છે. ફ્રેન્ચ મીડિયા અને નિષ્ણાતો આ અભૂતપૂર્વ ખોદકામને આ સદીની સૌથી મોટી અને કાયાપલટ કરનારી ઐતિહાસિક શોધ ગણાવી રહ્યા છે.
આ સનસનાટીપૂર્ણ ખોદકામ દરમિયાન સદીઓ જૂના કચરાના ઢગલા અને શૌચાલયના વિસ્તારોમાંથી અકબંધ જગ અને કપ મળી આવ્યા છે, જે નરમ કાટમાળને કારણે તૂટવાથી બચી ગયા હતા. સૌથી વધુ ચોંકાવનારી બાબત એ છે કે અહીં મળેલા પ્રાચીન માટીના વાસણોની અંદર રહસ્યમય લાલ રંગના પ્રતીકો અને લખાણ દોરેલા છે, જેને આજ સુધી કોઈ વૈજ્ઞાનિક કે ઇતિહાસકાર ઉકેલી શક્યા નથી. આ આધુનિક યુગના 'દા વિન્સી કોડ' જેવા વણઉકેલાયેલા રહસ્યે નિષ્ણાતોને ભારે મૂંઝવણમાં મૂકી દીધા છે અને આ રહસ્યમય નિશાનો પાછળના સત્યને શોધવા માટે વૈજ્ઞાનિકો રાત-દિવસ એક કરી રહ્યા છે.
આ રહસ્યમય નગરીમાંથી મળેલા સિક્કાઓ સંપૂર્ણપણે કાટ ખાઈ ગયા હતા અને સામાન્ય પથ્થર જેવા દેખાતા હતા. પરંતુ જ્યારે પુરાતત્વવિદોએ અત્યાધુનિક એક્સ-રે ટેકનોલોજીનો ઉપયોગ કર્યો, ત્યારે વિજ્ઞાન પણ આશ્ચર્યચકિત થઈ ગયું; તે સિક્કા પર ઇસવીસન ૩૦૦ના મહાન રોમન સમ્રાટ કોન્સ્ટેન્ટાઇનનો ચહેરો સ્પષ્ટપણે ઉપસી આવ્યો હતો. માત્ર ૧૩ ફૂટની માટીમાં ૬ઠ્ઠી થી ૧૦મી સદીના મધ્યયુગીન અનાજના ખાડાઓથી લઈને ચોથી સદીના રોમન સામ્રાજ્ય સુધીના સ્તરો સ્પષ્ટ દેખાઈ રહ્યા છે, જે સાબિત કરે છે કે આજનું આધુનિક પેરિસ વાસ્તવમાં ઇતિહાસના ભવ્ય ખંડેરોની છાતી પર ઊભું છે.
(10:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
