<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th November 2026

બૂલેટ બાઈક નજીક ફટાકડા ફોડવા બાબતે થયેલી બોલાચાલીમાં ૧૯ વર્ષીય યુવકની હત્યા: પોલીસે પાંચ કલાકમાં ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા

વિલે પાર્લે વિસ્તારમાં સામાન્ય તણાવે લીધો ઉગ્ર સ્વરૂપ, આરોપીઓએ મિત્રો સાથે મળીને યુવક પર કર્યો ઘાતકી હુમલો

મુંબઈ : મુંબઈના વિલે પાર્લે વિસ્તારમાં દિવાળીના તહેવાર દરમિયાન પાર્ક કરેલી બૂલેટ બાઈક નજીક ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતને લઈને થયેલા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ૧૯ વર્ષીય યુવકની હત્યા કરી દેવામાં આવી હોવાની અત્યંત આઘાતજનક ઘટના સામે આવી છે.

 

પ્રાપ્ત વિગતો અનુસાર, રવિવારે રાત્રે વિલે પાર્લે પૂર્વના વી. એમ. રોડ પર સહકાર ભંડાર નજીક ફરિયાદી અને તેના મિત્રોએ એક બૂલેટ બાઈકની પાસે ફટાકડા ફોડ્યા હતા, જેને લઈને બાઈક માલિક અને યુવકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને મામલો વણસ્યો હતો.

 

આ બાબતનો ખાર રાખીને મુખ્ય આરોપીએ પોતાના અન્ય સાથીદારોને બોલાવી લીધા હતા અને સાંનિધ્ય બિલ્ડિંગ પાસે યુવકોને ઘેરીને તેમના પર લોખંડની રોડ તેમજ લાકડીઓથી નિર્દયતાપૂર્વક હુમલો કર્યો હતો.

 

આ ઘાતકી મારપીટમાં ૧૯ વર્ષીય નાનુ ઉર્ફે શુભંકર મૂકિયા ગંભીર રીતે ઘાયલ થયો હતો અને સારવાર મળે તે પહેલા જ તેનું દુઃખદ અવસાન થયું હતું, જ્યારે હુમલાખોરો ઘટનાસ્થળેથી બૂલેટ પર બેસીને ફરાર થઈ ગયા હતા.

 

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને જુહુ પોલીસે તાત્કાલિક ગુનો દાખલ કરીને વિશેષ તપાસ ટીમ બનાવી હતી અને માત્ર પાંચ જ કલાકની અંદર ટેક્નિકલ સર્વેલન્સ તથા બાતમીદારોની મદદથી રાહુલ સંતોષ મંડલ અને રવિકુમાર દેવેન્દ્ર સહિત એક સગીર આરોપીને ઝડપી પાડ્યા હતા.

 

પોલીસ દ્વારા પકડાયેલા તમામ આરોપીઓની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે અને આગામી સમયમાં તેમને કોર્ટમાં રજૂ કરીને કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે, જેથી આવા બનાવો પર અંકુશ મેળવી શકાય.

(8:21 PM IST)