તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 18th October 2026
ફ્લાઇટમાં ‘બોમ્બ’ હોવાની 12 વર્ષની વિદ્યાર્થિનીની મજાકથી હડકંપ
અમદાવાદથી હૈદરાબાદ પરત ફરી રહેલા વિદ્યાર્થીઓના જૂથમાં બનેલી ઘટના; લેન્ડિંગ બાદ વિમાનને આઇસોલેશન બેમાં લઈ જઈ સઘન તપાસ, કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળી

હૈદરાબાદ : અમદાવાદથી હૈદરાબાદ આવી રહેલી ઇન્ડિગોની ફ્લાઇટમાં 12 વર્ષની વિદ્યાર્થિનીએ ‘વિમાનમાં બોમ્બ છે’ તેવી વાત કરતાં ભારે હડકંપ મચી ગયો હતો. આ વાત સાંભળ્યા બાદ કેબિન ક્રૂએ તાત્કાલિક પાઇલટને જાણ કરી હતી. ત્યારબાદ હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે સુરક્ષા એજન્સીઓને હાઇ એલર્ટ પર મૂકી દેવામાં આવી હતી.
સાતમા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની હૈદરાબાદની એક ખાનગી શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે ગુજરાતના પ્રવાસેથી પરત ફરી રહી હતી. ફ્લાઇટ હૈદરાબાદ પહોંચવાની તૈયારીમાં હતી ત્યારે વિદ્યાર્થિનીએ સાથી વિદ્યાર્થીને મજાકમાં વિમાનમાં બોમ્બ હોવાની વાત કરી હતી. તેની આ વાત કેબિન ક્રૂના સભ્યએ સાંભળી લેતાં સુરક્ષા પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.
વિમાન હૈદરાબાદ એરપોર્ટ પર ઉતર્યા બાદ તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ વિમાનને આઇસોલેશન બેમાં લઈ જઈ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી. જોકે તપાસ દરમિયાન કોઈ વિસ્ફોટક સામગ્રી કે શંકાસ્પદ વસ્તુ મળી નહોતી અને ધમકી ખોટી હોવાનું સ્પષ્ટ થયું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર, વિદ્યાર્થિની સગીર હોવાથી તેની સામે કોઈ કેસ નોંધવામાં આવ્યો નથી. શિક્ષકોએ તેનું કાઉન્સેલિંગ કર્યું હતું. વિદ્યાર્થિનીએ અજાણતાં મજાકમાં આ વાત કરી હતી અને ધમકી આપવાનો તેનો કોઈ ઇરાદો નહોતો. જોકે આ ઘટનાના પગલે એરપોર્ટ પર થોડા સમય માટે તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.
(2:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
