તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Friday, 23rd October 2026
કેન્યાની રાજધાની નૈરોબીમાં ૧૨ માળની ઇમારત પત્તાંના મહેલની જેમ ધરાશાયી : અનેક લોકો દટાયા હોવાની આશંકા
ભરચક ઇસ્ટલી વિસ્તારમાં ભયનો માહોલ : બચાવ કામગીરી શરૂ, ઇમારત ધરાશાયી થવાનું કારણ અકબંધ

નૈરોબી : નૈરોબીના ઇસ્ટલી વિસ્તારમાં શુક્રવારે બપોરે બાંધકામ હેઠળની બહુમાળી ઇમારત અચાનક ધરાશાયી થતાં ભારે નાસભાગ મચી હતી. કાટમાળ નીચે લોકો ફસાયા હોવાની આશંકાને પગલે બચાવ ટુકડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. ઇમારતના ભોંયતળિયે વ્યવસાયિક પ્રવૃત્તિ ચાલુ હોવાનું સામે આવ્યું છે.
આફ્રિકાના કેન્યા દેશની રાજધાની નૈરોબીમાં શુક્રવારે ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી. શહેરના ગીચ વસ્તી ધરાવતા ઇસ્ટલી વિસ્તારમાં બાંધકામ હેઠળની એક બહુમાળી ઇમારત અચાનક ધરાશાયી થતાં આસપાસનો વિસ્તાર ધૂળના ગોટેગોટાથી ઢંકાઈ ગયો હતો. સ્થાનિક અહેવાલો અનુસાર આ દુર્ઘટના ઇસ્ટલીની નવમી સ્ટ્રીટ પાસે બની હતી.
આંતરરાષ્ટ્રીય અહેવાલ મુજબ ઇમારત ૧૨ માળની હતી. જોકે, કેટલાક અહેવાલોમાં માળની સંખ્યા અલગ દર્શાવવામાં આવી છે. નૈરોબીના પોલીસ વડા ઇસા મોહમુદે જણાવ્યું હતું કે ઇમારતમાં દસથી વધુ માળનું બાંધકામ ચાલી રહ્યું હતું.
નૈરોબીના ગવર્નર જોન્સન સાકાજાની કચેરીએ જણાવ્યું છે કે કાટમાળ નીચે લોકો ફસાયા હોવાના અહેવાલો મળ્યા છે. ધરાશાયી થયેલી ઇમારતના ભોંયતળિયાનો ઉપયોગ થઈ રહ્યો હતો. જોકે દુર્ઘટના સમયે અંદર કેટલા લોકો હાજર હતા તે અંગે સ્પષ્ટતા થઈ નથી.
દુર્ઘટના બાદ પોલીસ અને બચાવ ટુકડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ભારે મશીનરીની મદદથી કાટમાળ ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ જતાં બચાવ કામગીરીમાં મુશ્કેલી ઊભી થઈ હતી. નજીકની કેટલીક દુકાનોમાં લૂંટફાટ શરૂ થતાં પોલીસે ભીડને વિખેરવા અશ્રુવાયુનો ઉપયોગ કર્યો હોવાનું પણ જાણવા મળે છે.
કેન્યા રેડક્રોસે બચાવ કામગીરીમાં અવરોધ ન સર્જાય તે માટે લોકોને સ્થળથી દૂર રહેવાની અપીલ કરી છે.
ઇમારત કયા કારણોસર ધરાશાયી થઈ તે હજુ સ્પષ્ટ થયું નથી. કેન્યામાં અગાઉ પણ બાંધકામની ગુણવત્તા અને સુરક્ષાના નિયમોના પાલન અંગે ગંભીર પ્રશ્નો ઊઠ્યા છે.
(7:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
