તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Monday, 24th August 2026
મંત્રીઓના બંગલાનાં મેન્ટેનન્સ પાછળ વર્ષે ૯૨ કરોડનો ખર્ચ
સદી પુરાણા ભવ્ય આવાસોની નિભાવણી પાછળ ૨૦૧૪-૧૫માં ૨૭.૪૭ કરોડ ખર્ચાયા હતા

નવી દિલ્હી તા.૨૪: દિલ્હીની ભવ્યતા અને સત્તાના પ્રતીક સમાન લુટિયન્સ બંગલોની નિભાવણીનો ખર્ચ સતત વધી રહ્યો છે. એક સદી જૂના આ બંગલો કેન્દ્રિય મંત્રીઓને ફાળવવામાં આવેલા છે. તેના રીનોવેશન અને રીપેરિગનો ૨૦૨૫-૨૬માં ૯૨.૩૫ ખર્ચાયા હતા. ૨૦૧૪-૧૫માં લુટિયન્સ બંગલો પાછળ ૨૭.૪૭ કરોડ ખર્ચાયા હતા. આમ એક દાયકામાં ખર્ચ ત્રણ ગણો વધ્યો છે.
આરટીઆઈ હેઠળ કેન્દ્ર સરકારના સેન્ટ્રલ પબ્લિક વર્ક્સ ડીપાર્ટમેન્ટ દ્વારા ૨૦૧૪-૧૫થી ૨૦૨૫-૨૬ દરમિયાન લુટિયન્સ બંગલાની નિભાવણી પાછળ થયેલા ખર્ચની વિગતો માગવામાં આવી હતી. સરકારે આ સમયગાળામાં બંગલા પાછળ રૂ.૫૪૭.૬૮ કરોડનો ખર્ચ કર્યો હતો. આરટીઆઈમાં મળેલી માહિતી મુજબ, ૨૦૧૪ના વર્ષ બાદથી ૨૦૨૫-૨૬માં સૌથી વધુ ખર્ચ કરાયો હતો. સત્તાધિકારોના જણાવ્યા મુજબ, ફુગાવા ઉપરાંત લુટિયન્સની વધતી ઉંમરને વધુ ખર્ચ માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા છે.
CPWDના અધિકારીઓ લાંબા સમયથી લુટિયન્સ બંગલાના મેન્ટેનન્સને પડકારજનક ગણાવી રહ્યા છે. ભવ્ય બંગલામાં પાણી લીક થવાની, ઉપઈની સમસ્યા દૂર થતી નથી. આ ઉપરાંત ઈલેક્ટ્રિક સીસ્ટમ, પ્લમ્બિંગને લગતા રીપેરિગ છાશવારે કરવા પડે છે. અગાઉ સરકાર દ્વારા કેટલાક બંગલાઓને તોડીને નવેસરથી નિર્માણ કરવાની વિચારણા પણ હાથ ધરાઈ હતી. લુટિયન્સ ખાતે આવેલા મોટાભાગના બંગલા ૮૦થી ૧૦૦ વર્ષની ઉંમર ધરાવે છે અને ઘણાં બંગલા જર્જરિત થઈ ચૂક્યા હોવાથી મોટા પાયે રીપેરિગની જરૂરિયાત છે.
બ્રિટિશ યુગના પાટનગરની ભવ્યતાનું પ્રતીક લુટિયન્સ
બ્રિટિશ યુગ દરમિયાન ૧૯૧૭થી ૧૯૩૦ દરમિયાન દેશના સામ્રાજ્યના પાટનગર તરીકે નવી દિલ્હીને વિકસાવવામાં આવ્યું હતું. ડીઝાઈનર એડવિન લુટિયન્સે માત્ર પ્રેસિડેન્ટ એસ્ટેટના બંગલો ડિઝાઈન કર્યા હતા, જે હવે રાષ્ટ્રપતિ ભવન તરીકે ઓળખાય છે. જો કે તેમણે અન્ય બંગલોને પણ પોતાના નામ સાથે જોડી દીધા હતા. બ્રિટિશ યુગમાં મોટાભાગના સરકારી બંગલા બલ્કિ વર્ક ડીપાર્ટમેન્ટ દ્વારા બનાવાયા હતા. બ્રિટિશ સરકારે પોતાના ઉચ્ચ અધિકારીઓને રહેવા માટે બનાવેલા દેશના અન્ય શહેરોના બંગલા અને લુટિયન્સની ડીઝાઈન સમાન છે.
(9:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
