<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th September 2026

૯ વર્ષના બાળકે YouTube Ads પર ખર્ચી નાખ્યા ₹૧ કરોડથી વધુ: પિતાના ક્રેડિટ કાર્ડથી થયો મોટો ખેલ

Roblox અને Minecraft ના વીડિયો પ્રમોટ કરવામાં કંપનીનું કાર્ડ થયું સ્વાઈપ: ભૂલથી સેવ થયેલા કાર્ડના કારણે ચેનલ થઈ અસ્થાયી બંધ

નવી દિલ્હી : અમેરિકામાં એક ૯ વર્ષના બાળકે પોતાની 'Mighty Mike Plays' નામની યુટ્યુબ ચેનલના વીડિયો પર વધુ વ્યૂઝ મેળવવાની લાલચમાં યુટ્યુબ એડ્સ (YouTube Ads) દ્વારા આશરે $૧૧૮,૦૦૦ (અંદાજે ₹૧.૧૩ કરોડ) નો જાહેરાત ખર્ચ કરી નાખ્યો હતો. બાળકના પિતા ડેવિડ સાર્કીશિયને અગાઉ ઇન-ગેમ કરન્સી ખરીદવા માટે કંપનીનું ક્રેડિટ કાર્ડ એકાઉન્ટમાં સેવ કર્યું હતું, જેનો ઉપયોગ બાળકે અજાણતામાં વિવિધ એડ કેમ્પેઈન ચલાવવા માટે કર્યો હતો. આ ઘટના બાદ ચેનલને અસ્થાયી રૂપે સસ્પેન્ડ કરવામાં આવી છે.


મળતી વિગતો મુજબ, 'Mighty Mike Plays' નામની યુટ્યુબ ચેનલ ચલાવતો બાળક Roblox અને Minecraft ગેમિંગના વીડિયો પોસ્ટ કરતો હતો. વીડિયો પર ઓછાવ્યૂઝ આવતા હોવાની ફરિયાદો બાદ તેના પિતાએ તેને યુટ્યુબ એડ ટૂલ દ્વારા $૨૦ નું નાનું બજેટ સેટ કરીને જાહેરાત કેવી રીતે ચલાવવી તે શીખવ્યું હતું. પરંતુ બાળક એ સમજી શક્યો નહીં કે $૨૦ એ સિંગલ કેમ્પેઈનનું બજેટ હતું. તેણે વિચાર્યું કે વધુ પૈસા ચૂકવવાથી વધુ લોકો સુધી વીડિયો પહોંચશે, જેના લીધે તેણે એક પછી એક અનેક પ્રમોશનલ કેમ્પેઈન શરૂ કરી દીધા.

આ સમગ્ર કૌભાંડ પાછળ પિતાની એક ભૂલ જવાબદાર હતી. પિતાએ અગાઉ રોબ્લોક્સ ગેમમાં બાળકના એકાઉન્ટમાંથી ખરીદી કરવા માટે પોતાની કંપનીનું ક્રેડિટ કાર્ડ વાપર્યું હતું અને તેની વિગતો સેવ રહી ગઈ હતી. બાળકને આ કાર્ડની એક્સેસ મળી જતાં તેણે ત્રણ અઠવાડિયા સુધી સતત એડ્સ ચલાવી.

કંપનીની ફાઈનાન્સ ટીમે જ્યારે ક્રેડિટ કાર્ડ સ્ટેટમેન્ટમાં લાખો ડોલરનો ખર્ચ જોયો ત્યારે પિતાને મીટિંગમાં બોલાવવામાં આવ્યા, જ્યાં તેમને ખબર પડી કે આ પૈસા તેમના પુત્રની ચેનલના પ્રમોશનમાં વપરાઈ ગયા છે. જોકે, આ એડ્સના કારણે પ્રમોટ કરાયેલા કેટલાક વીડિયો પર ૨,૦૦૦,૦૦૦ (૨૦ લાખ) થી વધુ વ્યૂઝ પણ આવ્યા હતા.

ઘટના બહાર આવ્યા બાદ આ યુટ્યુબ ચેનલને અસ્થાયી રૂપે સસ્પેન્ડ કરવામાં આવી છે અને પિતાએ પેમેન્ટ ડિટેલ્સ હટાવીને ભવિષ્ય માટે ખર્ચ મર્યાદા નક્કી કરી છે.

(6:55 PM IST)