News of Friday, 2nd October 2026
8મું પગારપંચ: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા સમાચાર! જાણો ક્યારથી મળશે નવો પગાર અને કેટલી જમા થશે એરિયર્સની રકમ?
૧ જાન્યુઆરી, ૨૦૨૬થી ભલામણો લાગુ થવાની શક્યતા: કમિશન રિપોર્ટ સોંપે ત્યાં સુધી કર્મચારીઓને એરિયર્સ તરીકે મળશે લાખો રૂપિયાનો મોટો આર્થિક લાભ

નવી દિલ્હી, તા.02: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે 8મા પગારપંચને લઈને અત્યાર સુધીના સૌથી મોટા અપડેટ્સ સામે આવી રહ્યા છે. દેશભરના લાખો કેન્દ્રીય કર્મચારીઓ હાલમાં 8મા પગારપંચના રિપોર્ટ અને તેના અમલીકરણની આતુરતાથી વાટ જોઈ રહ્યા છે. સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થઈ રહ્યો છે કે નવા પગારપંચની ભલામણો ક્યારથી અમલી બનશે અને શું કર્મચારીઓને પાછલી તારીખથી જંગી એરિયર્સ (બાકી રકમ) ચૂકવવામાં આવશે?
ગત વર્ષે રચાયેલા કમિશન પાસે ૧૮ મહિનાનો સમય
8મા પગારપંચની રચના ગત વર્ષે નવેમ્બર મહિનામાં કરવામાં આવી હતી અને કમિશનને પોતાનો આખરી અહેવાલ તૈયાર કરવા માટે ૧૮ મહિનાનો સમય આપવામાં આવ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે નાણાપંચ આગામી વર્ષના મધ્ય સુધીમાં પોતાનો રિપોર્ટ સરકારને સોંપશે. જો અહેવાલ આવતા વર્ષે મધ્યમાં મંજૂર થાય તો પણ જૂના વલણ અને PIB દ્વારા જારી કરાયેલા સત્તાવાર નિવેદન અનુસાર, 8મા પગારપંચની ભલામણો ૧ જાન્યુઆરી, ૨૦૨૬થી જ લાગુ થયેલી ગણાશે.
એરિયર્સની ગણતરી અને જૂનો ઇતિહાસ શું કહે છે?
જ્યારે પણ નવું પગારપંચ લાગુ કરવામાં આવે છે ત્યારે રિપોર્ટ મંજૂર થવામાં સમય લાગે છે, પરંતુ તેને ભૂતકાળની તારીખથી અમલમાં મૂકીને કર્મચારીઓને વ્યાપક એરિયર્સ આપવામાં આવે છે:
• ૭મું પગારપંચ: ૭મા પગારપંચમાં ફિટમેન્ટ ફેક્ટર (૨.૫૭) લાગુ થતાં કર્મચારીઓનો ન્યૂનતમ મૂળ પગાર વધીને ₹૧૮,૦૦૦ થયો હતો, જેનાથી દર મહિને હજારો રૂપિયાનું એરિયર્સ એકઠું થઈને કર્મચારીઓના ખાતામાં જમા થયું હતું.
• ઇતિહાસ: કર્મચારીઓને ૫મા પગારપંચ વખતે ૧૯ મહિના અને ૬ઠ્ઠા પગારપંચ વખતે ૩૨ મહિના સુધીની બાકી રકમ (એરિયર્સ) એકસાથે મળી હતી.
કર્મચારીઓને ક્યારે મળશે વધેલો પગાર?
હાલમાં કમિશન દેશના વિવિધ ભાગોમાં કર્મચારી મંડળો અને સંગઠનો સાથે બેઠકો યોજીને તેમની માંગણીઓ સાંભળી રહ્યું છે. કમિશન પોતાનો અહેવાલ રજૂ કરે અને કેન્દ્રીય કેબિનેટ તેને મંજૂરી આપે તે પછી જ કર્મચારીઓના હાથમાં નવો પગાર આવશે. જોકે, ફિટમેન્ટ ફેક્ટર, ડીએ (DA) અને મૂળ પગારના નવા માળખા આધારે ૧ જાન્યુઆરી, ૨૦૨૬થી લઈને અમલીકરણના દિવસ સુધીના તમામ મહિનાનું એરિયર્સ એકસાથે ચૂકવવામાં આવશે, જેથી કેન્દ્રીય કર્મચારીઓને મોટો નાણાકીય ફાયદો થશે.
(5:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
