News of Thursday, 26th November 2026
૮૫% ભારતીયો પોતાના વ્યવસાય શરૂ કરવા ઇચ્છુક : Gen-Z સૌથી મોખરે: LinkedIn સંશોધનમાં ઉદ્યોગસાહસિકતા અને AIના વધતા પ્રભાવનો મોટો ખુલાસો
વૈશ્વિક સરેરાશ ૪૬%ની સરખામણીએ ભારતમાં ૮૫% લોકો સ્વતંત્ર વ્યવસાયની ઇચ્છા ધરાવે છે: Gen-Zના ૯૪% અને Millennialsના ૯૦% યુવાનો ઉદ્યોગસાહસિકતા તરફ વળ્યા : જ્યારે ૯૬% નાના વ્યવસાયો AIનો ઉપયોગ કરી રહ્યા છે અને ૮૮% સ્થાપકો માટે વ્યાવસાયિક નેટવર્ક તથા વ્યક્તિગત ઓળખ નિર્ણાયક બની

નવી દિલ્હી : ભારતમાં ઉદ્યોગસાહસિકતા અને સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવાની ભાવના અભૂતપૂર્વ વેગ પકડી રહી છે, જેમાં યુવા પેઢી અને ખાસ કરીને Gen-Z સૌથી અગ્રેસર જોવા મળી રહી છે. 'LinkedIn નાના વ્યવસાય સંશોધન ૨૦૨૬' મુજબ, ૮૫ ટકા ભારતીયોએ પોતાનો વ્યવસાય શરૂ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે, જે ૪૬ ટકાના વૈશ્વિક સરેરાશ કરતા લગભગ બમણો આંકડો છે. સર્વેમાં સામેલ Gen-Zના ૯૪ ટકા અને મિલેનીયસ ના ૯૦ ટકા લોકોએ પોતાનો વ્યવસાય શરૂ કરવાની ઇચ્છા દર્શાવી છે, જ્યારે Gen-Zના ૭૦ ટકા લોકો આગામી ત્રણ વર્ષમાં વ્યવસાય અથવા સાઈડ હસ્ટલ શરૂ કરવાનું આયોજન ધરાવે છે. લિંગભેદ વિના ૯૧ ટકા મહિલાઓ અને ૯૪ ટકા પુરુષોએ વ્યવસાય શરૂ કરવામાં રસ દાખવ્યો છે, અને LinkedInના પ્લેટફોર્મ ડેટા અનુસાર ૨૦૨૨થી પ્રોફાઇલમાં 'સ્થાપક' શીર્ષક ઉમેરનારા સભ્યોમાં ૧૯૦ ટકા તેમજ Gen-Z સભ્યોમાં ૩૮૩ ટકા નો જંગી વધારો થયો છે, જેમાં ૪૮ ટકા હિસ્સા સાથે મિલેનીયસ સ્થાપકો સૌથી વધુ છે.
નવા અને નાના વ્યવસાયોના સંચાલનમાં AI અને ડિજિટલ સાધનો મુખ્ય સક્ષમકર્તા તરીકે ઊભરી આવ્યા છે, જેમાં સર્વેમાં સામેલ ૯૬ ટકા ભારતીય નાના વ્યવસાયો અગાઉથી જ પોતાના કામકાજમાં AIનો ઉપયોગ કરી રહ્યા છે. AI અને ડિજિટલ ટૂલ્સનો લાભ લેનારા સ્થાપકોમાંથી ૩૬ ટકાએ જણાવ્યું કે આ ટેકનોલોજીથી તેઓ એવા ઉત્પાદનો કે સેવાઓ આપી શક્યા જે અગાઉ શક્ય નહોતા, જ્યારે ૨૩ ટકાએ કહ્યું કે આ સાધનો વિના વ્યવસાય ચલાવવા માટે વધારાનું ભંડોળ એકત્ર કરવું પડ્યું હોત. સંશોધન, નવા વિચારો, ગ્રાહક સહાય અને ઓછા સંસાધનોમાં ઉત્પાદકતા વધારવા AI મદદરૂપ બન્યું હોવા છતાં, 'રિસો AI'ના સહ-સ્થાપક સ્વાતિ પાલીવાલે નોંધ્યું છે કે AIથી વ્યવસાય ઊભો કરવો સરળ બન્યો છે પરંતુ વિશ્વાસપાત્ર ગ્રાહકો મેળવવા એ હજુ પણ મોટો પડકાર છે.
ટેકનોલોજીની સાથે માનવીય જોડાણ, ડિજિટલ હાજરી અને બહુવિધ આવકના સ્ત્રોતો પણ સફળતા માટે અત્યંત મહત્ત્વપૂર્ણ સાબિત થઈ રહ્યા છે. ૮૮ ટકા ભારતીય સ્થાપકોએ માન્યું કે વ્યાવસાયિક નેટવર્કથી વ્યવસાય શરૂ કરવામાં કે વધારવામાં મદદ મળી છે અને AIના વધતા ઉપયોગ સાથે વ્યાવસાયિક સંપર્કો વધુ ઉપયોગી બનશે: મહત્ત્વના નિર્ણયોમાં ૪૧ ટકા વ્યાવસાયિક સંપર્કો પર, ૩૯ ટકા નિષ્ણાત સલાહકારો પર અને ૩૮ ટકા AI સાધનો પર આધાર રાખે છે. આ ઉપરાંત ૮૦ ટકા નાના વ્યવસાય માલિકો કન્ટેન્ટ સર્જક બન્યા છે, ૮૮ ટકા વ્યક્તિગત ઓળખ વિકસાવી રહ્યા છે, ૮૫ ટકા માને છે કે વ્યક્તિગત ઓળખથી વિશ્વસનીયતા વધે છે, અને લગભગ ૭૫ ટકા પાસે આવકના બહુવિધ સ્ત્રોત છે; લોકોએ વ્યવસાય શરૂ કરવાના મુખ્ય કારણોમાં સ્વતંત્ર રીતે કામ કરવાની આઝાદી (૫૬%), વધુ નિયંત્રણ અને સુગમતા સાથે ઊંચી કમાણીની સંભાવના (૫૨%) તથા અન્ય માટે રોજગારી ઊભી કરવાનો હેતુ (૪૧%) દર્શાવ્યો છે, જ્યારે આ સર્વે સેન્સસવાઈડ દ્વારા ભારત સહિત ૬ દેશોના ૧૨,૦૦૦ સામાન્ય નાગરિકો અને ૬,૦૦૦ નાના વ્યવસાય સ્થાપકો પર હાથ ધરાયો હતો.
(7:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
