News of Sunday, 31st May 2026
૭.૯૩ લાખ ફોલોઅર્સ પણ વિચારધારા નબળી : લખનૌમાં કાર માટે ઇન્ફ્લુએન્સરની પત્નીની દહેજ હત્યા
સોશિયલ મીડિયા પર લાખો લોકોને પ્રભાવિત કરનાર સાગર રાજપૂતની પત્ની માનસીનો મૃતદેહ રહસ્યમય સંજોગોમાં ફાંસીએ લટકતો મળ્યો : લગ્નના ગણતરીના દિવસોમાં જ કારની લાલચમાં નવપરિણીતનો ભોગ લેવાયો હોવાનો આક્ષેપ

લખનૌ : ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના સાદતગંજ વિસ્તારમાં એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઇન્સ્ટાગ્રામ પર ૭.૯૩ લાખથી વધુ ફોલોઅર્સ ધરાવતા પ્રખ્યાત સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સાગર રાજપૂતની પત્ની માનસીનું શંકાસ્પદ સંજોગોમાં મોત નીપજ્યું છે. માનસીના લગ્ન હજુ ગત ૯ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ જ થયા હતા. લગ્નના ટૂંકા ગાળામાં જ નવવધૂનો મૃતદેહ ઘરના રૂમમાંથી ફાંસીએ લટકતી હાલતમાં મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાએ સોશિયલ મીડિયાના ઝળહળાટ પાછળ છુપાયેલી દહેજ જેવી કુરિવાજોની વરવી વાસ્તવિકતાને ફરી એકવાર ઉજાગર કરી છે.
મૃતક માનસીના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે લગ્ન સમયે આશરે ₹૭ લાખ રોકડા અને તમામ ઘરવખરીનો સામાન આપવા છતાં સાસરિયાઓ સંતુષ્ટ નહોતા. સાગર અને તેના પરિવારના અન્ય પાંચ સભ્યો સતત દહેજમાં કારની માંગણી કરતા હતા અને તે પૂરી ન થતા માનસીને માનસિક અને શારીરિક ત્રાસ આપતા હતા. પરિવારે આરોપ લગાવ્યો છે કે માનસીએ આત્મહત્યા નથી કરી, પરંતુ દહેજની ભૂખમાં તેની હત્યા કરવામાં આવી છે અને પુરાવા મટાડવા માટે તેને ફાંસીએ લટકાવી દઈ આત્મહત્યાનું સ્વરૂપ આપવાનો પ્રયાસ કરાયો છે.
(8:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
