તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 30th August 2026
નેપાળ હોનારતમાં અત્યાર સુધીમાં ૭૮૮ થી વધુના મોત : ૨,૫૦૦ થી વધુ લોકો ગુમ થતાં મહાવિનાશની સ્થિતિ!
૨૫૦૦થી વધુ લોકો હજુ પણ લાપતા : હાઇડ્રોપાવર ટનલમાં ફસાયેલા એન્જિનિયરો અને વિદેશી પ્રવાસીઓને ઉગારવા લશ્કર દ્વારા યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ ઓપરેશન સક્રિય

કાઠમંડુ: નેપાળમાં કુદરતે સર્જેલા કાળજાળ કોપ અને વિનાશક પૂરના કારણે સમગ્ર દેશમાં ભારે આક્રંદ છવાઈ ગયો છે. રવિવારે બપોર સુધીના સત્તાવાર આંકડા અનુસાર પૂર અને ભૂસ્ખલનની હોનારતમાં મૃત્યુઆંક વધીને ૭૮૮ સુધી પહોંચી ગયો છે. ચિતવાન જિલ્લામાં સૌથી વધુ ૨૬૪ લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે નવલપરાસી પૂર્વમાં ૧૯૪ અને પશ્ચિમમાં ૧૨૦ લોકોના મોત થયા છે. આ ઉપરાંત, રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન એજન્સી ના અહેવાલ મુજબ ૨,૫૦૨ થી વધુ લોકો હજુ પણ ગુમ છે, જેમાં ૯૩૩ હાઇડ્રોપાવર પ્રોજેક્ટના કર્મચારીઓ અને ૫૯૨ વિદેશી પ્રવાસીઓનો સમાવેશ થાય છે. પરિસ્થિતિ એટલી ગંભીર છે કે દેશની ૨૧ હોસ્પિટલો અજાણ્યા મૃતદેહોથી ભરાઈ ગઈ છે અને શબઘરોમાં સ્વજનોની ચીખપોકાર ગુંજી રહી છે.
આ મહાઆપત્તિ વચ્ચે નેપાળી સેના, પોલીસ અને સશસ્ત્ર દળોના ૨૦,૦૦૦ થી વધુ જવાનોને યુદ્ધના ધોરણે બચાવ કામગીરીમાં ઉતારવામાં આવ્યા છે. સેનાના હેલિકોપ્ટરોએ ૩૬૩ થી વધુ ઉડાન ભરીને પૂરના પાણીમાં ફસાયેલા ૩,૦૮૧ લોકોને એરલિફ્ટ કર્યા છે, જેમાં ૨૩૬ વિદેશી નાગરિકોનો પણ સમાવેશ થાય છે. સૌથી મોટો અને જોખમી પડકાર જળવિદ્યુત પ્રોજેક્ટ્સની અંડરગ્રાઉન્ડ ટનલોમાં ફસાયેલા કામદારોને બહાર કાઢવાનો છે, જ્યાંથી અત્યાર સુધીમાં ૨૭૯ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. જોકે, ત્રિશુલી ૩A હાઇડ્રોપાવર પ્રોજેક્ટની ટનલમાં ફસાયેલા એન્જિનિયરો અને મજૂરોના પરિવારજનો હજુ પણ ભારે અનિશ્ચિતતા અને ચિંતાના ઓછાયા હેઠળ જીવી રહ્યા છે.
કુદરતી આફતનો સામનો કરવા માટે નેપાળ સરકારે અસરગ્રસ્ત વિસ્તારો માટે ઈમરજન્સી ફંડ જાહેર કર્યું છે, જેમાં રાસુવા, નુવાકોટ અને ધાડિંગ જેવા વિસ્તારોને કરોડો રૂપિયાની કટોકટી કેશ સહાય ફાળવવામાં આવી છે. ઉત્તરગયા અને ધુંચે જેવા સંપર્કવિહોણા બની ગયેલા અંતરિયાળ વિસ્તારોમાં ખોરાક, કટોકટી દવાઓ અને કોમ્યુનિકેશન સેટ્સ પહોંચાડવા માટે ૫૦ થી વધુ ટ્રાન્સપોર્ટ વાહનો અને ૮ હેલિકોપ્ટર સતત રાઉન્ડ-ધ-ક્લોક સેવા આપી રહ્યા છે. કાઠમંડુથી રાહત સામગ્રીનો જથ્થો સતત રવાના કરવામાં આવી રહ્યો છે, પરંતુ અનેક વિસ્તારોમાં રસ્તાઓ ધોવાઈ ગયા હોવાથી બચાવ ટુકડીઓને ગ્રાઉન્ડ લેવલ પર પહોંચવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
(7:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
