News of Thursday, 14th May 2026
૭૫ વર્ષના વૃદ્ધે ચાલુ ટ્રેને મહિલા સામે કાપડાં કાઢી કર્યું ન કરવાનું કામ
રાજ્યમાં મહિલાઓની સુરક્ષા પર સવાલો ઉઠાવતી એક સાથે બે ઘટના સામે આવી સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ ટ્રેનમાં મહિલા મુસાફરો સામે વૃદ્ધે કપડાં કાઢી અશ્લીલ હરકતો કરી

મુંબઈ,તા.૧૪: રાજ્યમાં મહિલાઓની સુરક્ષા પર સવાલો ઉઠાવતી એક સાથે બે ઘટના સામે આવી છે. અમદાવાદથી મુંબઈ તરફ જતી ટ્રેનમાં ૭૫ વર્ષીય વૃદ્ધે મહિલા મુસાફરોની હાજરીમાં કપડાં કાઢી અશ્લીલ હરકતો કરી હતી. તો બીજી બાજુ સારંગપુરથી વલસાડ જતી બસમાં આધેડે પોતાની બાજુની સીટમાં બેસેલી સગીરાને શારીરિક અડપલાં કરતા સગીરાએ બૂમો પાડી વિરોધ નોંધાવ્યો હતો.
અમદાવાદથી મુંબઈ જતી સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ ટ્રેનમાં એક વૃદ્ધ મહિલાની સાથે અશ્લીલ હરકત કરી હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, ૭૫ વર્ષીય વૃદ્ધ મુસાફરે મહિલા મુસાફર અને અન્ય લોકોની હાજરીમાં અશોભનીય વર્તન શરૂ કર્યું હતું. જેને લઈને રોષે ભરાયેલી મહિલા મુસાફરે વલસાડ પોલીસ મથકે વૃદ્ધ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
મળતી માહિતી અનુસાર અમદાવાદથી ઉપડતી અને મુંબઈ તરફ જતી સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ ટ્રેનમાં ૭૫ વર્ષીય જગજીવ રણછોડભાઈ જેઠવા નામના મુસાફરે મહિલાની હાજરીમાં અશ્લીલ વર્તન કરવાનું શરૂ કર્યું હતું. વૃદ્ધના મનમાં અચાનક વાસનાનો કીડો સળવળતા અર્ધનગ્ન થઈને હસ્તમૈથુન કરવાનું શરૂ કરી દીધું હતું. આ દ્રશ્ય જોઈને હાજર મહિલા મુસાફરો સહિત અન્ય લોકો ક્ષોભનીય સ્થિતિમાં મૂકાઈ ગયા હતા. વૃદ્ધની આ અશ્લીલ હરકતથી રોષે ભરાયેલી મહિલાએ સમગ્ર ઘટનાને લઈને વલસાડ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે. જેને લઈને રેલવે પોલીસે આરોપીને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.
અન્ય એક ઘટનામાં સારંગપુરથી વલસાડ જતી બસમાં સગીરા સાથે આધેડે શારીરિક અડપલાં કર્યા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. સગીરાએ બૂમો પાડી વિરોધ કર્યા બાદ પરિવારે અભયમની મદદ લીધી હતી. જો કે આધેડે ભૂલ સ્વીકારી માફી માગી લેતા કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી નહોતી.
સારંગપુરથી એક પરિવાર વેકેશન ગાળવા બસમાં વલસાડ જઈ રહ્યો હતો. જો કે બસમાં ભીડ વધુ હોવાથી પરિવારના સભ્યો અલગ અલગ સીટ પર બેઠા હતા. દરમિયાન સગીરાને એક આધેડની બાજુમાં બેસવા માટે સીટ મળી હતી. આ તકનો ફાયદો ઉઠાવી આધેડે સગીરાને અડપલાં કરવાનું શરૂ કર્યું હતું. જેથી સગીરાએ વિરોધ કર્યો હતો પરિવારે ૧૮૧ અભયમની મદદ લીધી હતી. બસ જ્યારે વડોદરા ડેપોએ પહોંચી તો અભયમની ટીમ પહેલાથી જ ત્યાં હાજર હતી. ટીમે આધેડની કડકાઈ પૂર્વક પૂછપૂરછ કરતા તેણે ઊંઘમાં હાથ અડી ગયો હોવાનું રટણ કર્યું હતું. જો કે અન્ય મુસાફરોનું કહેવું છે કે, આધેડે જાણી જોઈને અડપલાં કર્યા હતા. જો કે આ સમગ્ર મામલે અભયમની ટીમે આધેડને કડકાઈથી સમજાવ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી કરી નહોતી
(3:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
