<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd October 2026

શ્વેત ક્રાંતિ ૨.૦ હેઠળ દેશભરમાં ૭૫ હજાર નવી ડેરી સહકારી મંડળીઓ સ્થપાશે: અમિતભાઈ શાહે યોજનાની કરી જાહેરાત

મધ્ય પ્રદેશના ભોપાલમાં ગોપાલક સંમેલનમાં કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહે પશુપાલકોની આવક વધારવા અને દૂધ ઉત્પાદન સાથે ગોબરમાંથી પણ કમાણીની નવી તકો ઊભી કરવાની મોટી જાહેરાત કરી.

ભોપાલ : કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે શનિવારે મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલ ખાતે આયોજિત રાજ્ય સ્તરીય ગોપાલક સંમેલનમાં ઉપસ્થિત રહીને દેશમાં દૂધ ઉત્પાદન અને પશુપાલન ક્ષેત્રને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે 'શ્વેત ક્રાંતિ ૨.૦' (White Revolution 2.0)ના રોડમેપની મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી હતી.

 

અમિતભાઈ શાહે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર પશુપાલકોની આવક બમણી કરવા માટે માત્ર દૂધ વેચાણ સુધી સીમિત ન રહેતા, દૂધ પ્રોસેસિંગ, માર્કેટિંગ તેમજ ગોબરમાંથી બાયોગેસ અને જૈવિક ખાતર બનાવવાની વ્યવસ્થાને વ્યાપક સ્તરે મજબૂત કરી રહી છે, જેથી ગ્રામીણ અર્થતંત્રને નવો વેગ મળી શકે.

 

આ યોજના અંતર્ગત દેશભરમાં આશરે ૭૫ હજાર નવી કો-ઓપરેટિવ ડેરી મંડળીઓ શરૂ કરવામાં આવશે, જેમાં સૌથી વધુ ડેરીઓની સ્થાપના મધ્ય પ્રદેશમાં થશે. આ પહેલથી ગ્રામીણ વિસ્તારોના નાના પશુપાલકોને પોતાના દૂધના યોગ્ય ભાવ મળશે અને સ્થાનિક સ્તરે હજારો લોકોને રોજગારીની નવી તકો પણ પ્રાપ્ત થશે.

 

સરકારે ગાયોની ઓલાદ (બ્રીડ) સુધારવા અને પશુપાલનમાં આધુનિક ટેકનોલોજીને વેગ આપવા માટે વિશેષ પ્લાન તૈયાર કર્યો છે. બ્રીડ સુધારાથી વધુ દૂધ આપતી ગાયોની સંખ્યા વધશે, જેના માટે ૫૦ એકર જમીનની માંગણી વાળા પ્રસ્તાવને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે જેથી ઉત્પાદકતામાં મોટો ઉછાળો આવશે.

 

ડેરી સેક્ટર સાથે દેશની લાખો મહિલાઓ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાયેલી છે. ગામડે-ગામડે સહકારી ડેરીઓનું સઘન નેટવર્ક ઊભું થવાથી મહિલા સશક્તિકરણને મોટું બળ મળશે અને તેમના માટે સ્વતંત્ર કમાણીના નવા દ્વાર ખુલશે, જે રાષ્ટ્રીય અર્થતંત્રમાં પણ નોંધપાત્ર યોગદાન આપશે.

 

ઉલ્લેખનીય છે કે ભારત વિશ્વમાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતો દેશ છે. આ ક્ષેત્રને વધુ આધુનિક અને સુદ્રઢ બનાવવા માટે આશરે એક વર્ષ અગાઉ શરૂ કરાયેલી 'શ્વેત ક્રાંતિ ૨.૦' અંતર્ગત હવે ગ્રામીણ કલેક્શન ક્ષમતા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અપગ્રેડ કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.

(8:17 PM IST)