News of Wednesday, 28th October 2026
ભારતની જેલોમાં ૭૪% કેદીઓ કાચા કામના: 'ડેટા ફોર ઈન્ડિયા'ના ચોંકાવનારા રિપોર્ટમાં ન્યાય પ્રણાલીની ધીમી ગતિ પર ગંભીર સવાલો દિલ્હી અને બિહારમાં ૯૦% કેદીઓ
.અન્ડરટ્રાયલ, બળાત્કાર અને NDPS કેસના આરોપીઓમાં મોટો ઉછાળો: વિશ્વમાં હેઇતી બાદ ભારતમાં વગર સજાએ જેલમાં સડતા કેદીઓનું પ્રમાણ સૌથી વધુ

નવી દિલ્હી: ભારતીય ન્યાય પ્રણાલીમાં વિલંબ અને જેલોની સ્થિતિ અંગે 'ડેટા ફોર ઈન્ડિયા' ના નવા અહેવાલમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. રિપોર્ટ અનુસાર, વર્ષ ૨૦૨૩માં ભારતની જેલોમાં બંધ કુલ કેદીઓમાંથી આશરે ૭૪ ટકા કેદીઓ એવા હતા કે જેમના પર કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે પણ તેમના વાંક-ગુનાનો આખરી નિર્ણય હજુ આવ્યો નથી. આ કેદીઓને 'અન્ડરટ્રાયલ' એટલે કે કાચા કામના કેદીઓ કહેવામાં આવે છે. દેશની જેલોમાં દર ચારમાંથી ત્રણ કેદીઓ વગર સજાએ જેલવાસ ભોગવી રહ્યા છે. વિશ્વસ્તરે યુનાઈટેડ નેશન્સ ઓફિસ ઓન ડ્રગ્સ એન્ડ ક્રાઈમ ના ૧૪૬ દેશોના ડેટામાં અન્ડરટ્રાયલ કેદીઓની ટકાવારીમાં ભારત વિશ્વમાં બીજા નંબરે છે, જેમાં માત્ર કેરેબિયન દેશ હેઇતી જ ભારતથી આગળ છે.
અહેવાલ અનુસાર, કેદીઓની આ સંખ્યામાં રાજ્યો વચ્ચે પણ મોટો તફાવત જોવા મળ્યો છે. ૨૦૨૩ના આંકડા મુજબ, દિલ્હી અને બિહારની જેલોમાં કેદ કુલ વસ્તીમાંથી લગભગ ૯૦ ટકા એટલે કે દર દસમાંથી નવ કેદીઓ અન્ડરટ્રાયલ છે. આ ઉપરાંત જમ્મુ અને કાશ્મીર, ઓડિશા તથા મહારાષ્ટ્રમાં પણ કાચા કામના કેદીઓનું પ્રમાણ અત્યંત ઊંચું છે. આંદામાન અને નિકોબાર ટાપુઓને બાદ કરતાં દેશના એક પણ રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશમાં સજા પામેલા (દોષિત) કેદીઓની સંખ્યા અન્ડરટ્રાયલ કેદીઓ કરતાં વધુ નથી. ૧૯૯૮માં અન્ડરટ્રાયલ કેદીઓનું પ્રમાણ ૭૪ ટકા હતું, જે ૨૦૧૧માં ઘટીને ૬૫ ટકાથી નીચે આવ્યું હતું, પરંતુ કોવિડ-૧૯ મહામારી દરમિયાન ૨૦૨૦માં તે વધીને ૭૬ ટકા થઈ ગયું હતું અને ૨૦૨૩માં ઘટીને ૭૪ ટકાએ પહોંચ્યું છે.
ગુનાઓની શ્રેણી મુજબ વાત કરીએ તો, જેલમાં સજા ભોગવી રહેલા દોષિતોમાં હત્યાના ગુનેગારોની સંખ્યા વધુ છે, જ્યારે અન્ડરટ્રાયલ કેદીઓમાં હત્યાના આરોપીઓ આશરે પાંચમા ભાગ (૨૦%) નો હિસ્સો ધરાવે છે. ૨૦૧૧ પછી બળાત્કાર અને નાર્કોટિક્સ (NDPS એક્ટ) હેઠળના આરોપીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. ૨૦૨૩માં જેલમાં બંધ અન્ડરટ્રાયલ કેદીઓમાંથી ૧૨ ટકા એનડીપીએસ એક્ટ અને ૧૧ ટકા બળાત્કારના કેસના આરોપીઓ હતા. રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે, ૨૦૨૩માં લગભગ એક તૃતીયાંશ અન્ડરટ્રાયલ કેદીઓ ત્રણ મહિના સુધી અને બે તૃતીયાંશથી વધુ કેદીઓ એક વર્ષથી ઓછા સમય માટે જેલમાં હતા. જોકે, પાંચ વર્ષ કે તેથી વધુ સમયથી કોર્ટના આખરી આદેશની રાહ જોતા અને જેલમાં બંધ અન્ડરટ્રાયલ કેદીઓની સંખ્યા ૨૦૧૧ના ૧,૫૦૦થી વધીને ૨૦૨૩માં ૧૦,૦૦૦થી વધુ થઈ ગઈ છે.
(12:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
