News of Thursday, 26th November 2026
રૂ. ૬,૫૦૦ કરોડના ખર્ચે બનતી ઝોજિલા ટનલનું ૭૦ ટકા કામ પૂર્ણ: દોઢ કલાકની મુસાફરી માત્ર ૧૫ મિનિટમાં થશે : કાશ્મીર-લદ્દાખ ૧૨ મહિના જોડાયેલા રહેશે
વર્લ્ડ લેન્ડસ્લાઇડ ફોરમ ખાતે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની મહત્ત્વની જાહેરાત : આગામી ૬ થી ૮ મહિનામાં પ્રોજેક્ટ પૂર્ણ થવાની અપેક્ષા, ૧૧,૫૭૮ ફૂટની ઊંચાઈએ બનતી વિશ્વની સૌથી લાંબી દ્વિમાર્ગી રોડ ટનલ ભારતીય સેના અને સ્થાનિક નાગરિકો માટે 'ગેમ ચેન્જર' સાબિત થશે

શ્રીનગર : જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ વચ્ચે બારેમાસ અવિરત રોડ કનેક્ટિવિટી પૂરી પાડનારા મહત્ત્વાકાંક્ષી ઝોજિલા ટનલ પ્રોજેક્ટનું લગભગ ૭૦ ટકા કામ પૂર્ણ થઈ ગયું છે અને આગામી છ થી આઠ મહિનામાં તે પૂર્ણ થવાની અપેક્ષા છે. વર્લ્ડ લેન્ડસ્લાઇડ ફોરમ (WLF-7) ખાતે આ પ્રોજેક્ટ અંગે માહિતી આપતા કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઇવે મંત્રી નીતિન ગડકરીએ તેને સુરક્ષા અને રાષ્ટ્રીય એકીકરણની દ્રષ્ટિએ 'ગેમ ચેન્જર' ગણાવ્યું છે. અંદાજે રૂ. ૬,૫૦૦ કરોડના ખર્ચે સમુદ્ર સપાટીથી ૧૧,૫૭૮ ફૂટની ઊંચાઈ પર નિર્માણ પામી રહેલી આ ટનલ ૧૩.૧૫૩ કિલોમીટર લાંબી હશે, જે વિશ્વની સૌથી લાંબી દ્વિમાર્ગી રોડ ટનલ બનશે. શ્રીનગર-લેહ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર કાશ્મીરના ગાંદરબલ જિલ્લાના બાલતાલને લદ્દાખના દ્રાસ ક્ષેત્રના મીનામાર્ગ સાથે જોડતી આ ટનલ ઉપરાંત ૧૮ કિલોમીટરનો એપ્રોચ રોડ પણ તૈયાર થઈ રહ્યો છે, જેથી સોનમાર્ગથી મીનામાર્ગ સુધીનો સમગ્ર પ્રોજેક્ટ ૩૧ કિલોમીટરનો રહેશે. ૯ જૂનના રોજ ટનલના બંને છેડાના ખોદકામ ભૂગર્ભમાં જોડાતા એન્જિનિયરિંગની ભાષામાં મહત્ત્વપૂર્ણ 'બ્રેકથ્રુ' હાંસલ થયું હતું, અને ઘોડાની નાળ આકારની આ સિંગલ-ટ્યુબ, બે-લેન ટનલ ૯.૫ મીટર પહોળી તથા ૭.૫૭ મીટર ઊંચી રાખવામાં આવી છે.
હાલના સમયમાં હવામાન અને રસ્તાની કપરી પરિસ્થિતિ વચ્ચે ઝોજિલા પાસ પાર કરવામાં એક થી દોઢ કલાકનો સમય લાગે છે, પરંતુ આ ટનલ શરૂ થતા જ આ મુસાફરી માત્ર ૧૫ મિનિટમાં પૂર્ણ થઈ જશે. ભારે હિમવર્ષા, ભૂસ્ખલન અને હિમપ્રપાતને કારણે ઝોજિલા પાસ શિયાળામાં ચાર થી છ મહિના સુધી બંધ રહેતો હોવાથી લદ્દાખનો કાશ્મીર ખીણ સાથેનો સંપર્ક તૂટી જાય છે. રસ્તો બંધ થવાથી કારગિલ અને દ્રાસ વિસ્તારના દર્દીઓ, વિદ્યાર્થીઓ તથા સામાન્ય નાગરિકોને ભારે હાલાકી ભોગવવી પડે છે અને બજારોમાં આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો પણ ખોરવાઈ જાય છે. આ ટનલ કાર્યરત થવાથી હવામાન-મુક્ત વાહનવ્યવહાર શક્ય બનશે, જે સ્થાનિક જનજીવનને મોટી રાહત આપશે.
વ્યૂહાત્મક અને સંરક્ષણની દ્રષ્ટિએ પણ ઝોજિલા ટનલ ભારત માટે અત્યંત નિર્ણાયક માનવામાં આવે છે. ૧૯૪૭ થી ચીન અને પાકિસ્તાન સાથેના ૧૯૬૨ અને ૧૯૯૯ જેવા લશ્કરી સંઘર્ષોમાં પશ્ચિમે નિયંત્રણ રેખા (LoC) અને પૂર્વે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર નબળી કનેક્ટિવિટીને કારણે સૈનિકો અને લશ્કરી સાધનોની હેરફેરમાં મોટા પડકારો ઊભા થતા હતા. હવે આ ટનલના માધ્યમથી લદ્દાખમાં તૈનાત ભારતીય સેનાને વર્ષભર સુરક્ષિત અને ઝડપી રોડ માર્ગ ઉપલબ્ધ થશે, જેનાથી સૈનિકોની અવરજવર સરળ બનશે તેમજ સરહદ સુધી જરૂરી પુરવઠો અને લશ્કરી સંસાધનો સમયસર પહોંચાડી શકાશે.
(6:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
