તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th April 2026
' આપ'ના રાઘવ ચઠ્ઠા સહિત 7 રાજ્યસભા સાંસદોએ પક્ષ સાથે છેડો ફાડ્યો :હવે ભાજપમાં સત્તાવાર વિલીનીકરણ
તમામ સાંસદો ભાજપના રાષ્ટ્રીય કાર્યાલય પહોંચ્યા ત્યાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન દ્વારા તમામનું ગુલદસ્તા આપી અને મીઠાઈ ખવડાવી ઉષ્માભર્યું સ્વાગત કરાયું

નવી દિલ્હી :આમ આદમી પાર્ટી માટે આજનો દિવસ ઈતિહાસનો સૌથી કપરો દિવસ સાબિત થયો છે. છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે અને પક્ષના સૌથી યુવા અને પ્રભાવશાળી ચહેરા ગણાતા રાઘવ ચઢ્ઢાએ ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે. તેમની સાથે રાજ્યસભાના અન્ય 6 સાંસદો પણ ભાજપમાં જોડાયા છે, જેના કારણે રાજ્યસભામાં AAPનું સંખ્યાબળ તળિયે પહોંચી ગયું છે.
રાઘવ ચઢ્ઢાએ અશોક મિત્તલ અને સંદીપ પાઠક સાથે મળીને એક સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી. આ દરમિયાન તેમણે સનસનીખેજ ખુલાસો કર્યો કે, "રાજ્યસભામાં આમ આદમી પાર્ટીના કુલ 10 સાંસદો છે, જેમાંથી બે-તૃતીયાંશ એટલે કે 7 સાંસદોએ પક્ષ છોડવાનો નિર્ણય લીધો છે." બંધારણીય જોગવાઈઓ મુજબ, જ્યારે બે-તૃતીયાંશ સભ્યો અન્ય પક્ષમાં જોડાય છે, ત્યારે તેમના પર પક્ષપલટા વિરોધી કાયદો લાગુ પડતો નથી. આ જૂથમાં પૂર્વ ક્રિકેટર હરભજન સિંહ, સ્વાતિ માલીવાલ, વિક્રમ સાહની અને રાજેન્દ્ર ગુપ્તાના નામ પણ સામેલ છે.
આ જાહેરાતના થોડા જ કલાકોમાં તમામ સાંસદો ભાજપના રાષ્ટ્રીય કાર્યાલય પહોંચ્યા હતા. ત્યાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન દ્વારા તમામનું ગુલદસ્તા આપી અને મીઠાઈ ખવડાવી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. રાઘવ ચઢ્ઢાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને જણાવ્યું કે, તેમણે સત્તાવાર રીતે રાજ્યસભાના સભાપતિને વિલીનીકરણના દસ્તાવેજો સોંપી દીધા છે.
આ તરફ આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા સંજય સિંહે આ ઘટનાને લોકશાહીની હત્યા ગણાવી છે. તેમણે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, "આ 'ઓપરેશન લોટસ' સિવાય બીજું કંઈ નથી. ઈડી (ED) અને સીબીઆઈ (CBI) જેવી કેન્દ્રીય એજન્સીઓનો ડર બતાવીને અમારા નેતાઓને તોડવામાં આવ્યા છે." તેમણે વધુમાં ઉમેર્યું કે આ પંજાબની ભગવંત માન સરકારને અસ્થિર કરવાનું ષડયંત્ર છે અને પંજાબની જનતા આ વિશ્વાસઘાતનો જવાબ જરૂર આપશે.
(9:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
