<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th April 2026

લખતર પાસે કાળમુખા ટ્રક હડફેટે ૭ ના મોત

રાજકોટના ગઢકાથી ભરવાડ સમાજના પદયાત્રીકો સંઘ લઇને બહુચરાજી જતા હતા ત્‍યારે દુર્ઘટનાઃ ૩ ગંભીરઃ દંપતિ સહિત ડમ્‍પર ચાલકનો ભોગ લેવાયો

વઢવાણઃ સુરેન્‍દ્રનગર જિલ્લાના લખતર-વિરમગામ હાઈવે પર ગમખ્‍વાર અકસ્‍માત સર્જાતા હાહાકાર મચી ગયો છે. ભાસ્‍કરપરા નજીક ટ્રકે હડફેટે લેતા ૭ લોકોના મોત થતા દોડધામ મચી ગઈ છે. ભરવાડ સમાજના મુંધવા પરિવારના યાત્રિકોને અકસ્‍માત નડયો છે.અકસ્‍માતમાં ૫ મહિલા અને બે પુરુષોના મોત થયા છે.(તસ્‍વીરઃ અહેવાલઃ ફઝલ ચોૈહાણ- વઢવાણ)(૨.૯)

(ફઝલ ચોૈહાણ- વિજય વસાણી દ્વારા) વઢવાણ- આટકોટ તા.૧૩: સુરેન્‍દ્રનગર જીલ્લાના લખતર- વિરમગામ હાઇ-વે ઉપર અકસ્‍માત સર્જાતા રાજકોટ પંથકના ભરવાડ સમાજના ૬ વ્‍યકિત અને એક ડમ્‍પર ચાલક  સહિત ૭ ના મોત થતા હાહાકાર મચી ગયો છે.

પ્રાપ્‍ત માહિતી મુજબ રાજકોટ- ભાવનગર હાઇ-વે ઉપર આવેલા ગઢકા ગામથી ભરવાડ સમાજ સહિત ૫૦૦ જેટલા પદયાત્રીકો બહુચરાજીના મેરા ગામે આવેલા શ્રી તટેશ્વર મહાદેવ મંદિરે જઇ રહયા હતા. ત્‍યારે કાલે રાત્રીના આ પદયાત્રીકોનો સંઘ રાત્રીના ૧:૩૦ વાગ્‍યે લખતર- વિરમગામ હાઇ-વે ઉપર આવેલ ભાસ્‍કરપરાના પાટીયા નજીક પહોંચ્‍યો હતો. ત્‍યારે બેકાબુ ટ્રકે આ પદયાત્રિકોને હડફેટે લીધા હતા.

આ કાળમુખા ટ્રક ચાલકે પહેલા રોડ ઉપર પંચર કરી રહેલા ડમ્‍પર ચાલકને હડફેટે લીધા બાદ આ બેકાબુ ટ્રક પદયાત્રીકો ઉપર ફરી વળ્‍યો હતો. જેમાં ઘટનાસ્‍થળે પ મહિલા અને ર પુરૂષોના મોત થયા હતા જયારે ૩ ને ઇજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્‍યા છે.

આ અકસ્‍માતમાં મચ્‍છાભાઇ કરશનભાઇ મુંધવા તેમના પત્‍નિ જીલુબેન મચ્‍છાભાઇ મુંધવા, મચ્‍છાભાઇના બહેન રાણીબેન મંગાભાઇ લાબડીયાપ જીલુબેન વેલાભાઇ (ડુંગરપુર), વિજયાબેન પ્રવિણભાઇ મુંધવાનું મોત થયુ છે. જયારે ડમ્‍પર ચાલકનો પણ ભોગ લેવાતા આ અકસ્‍માતમાં ૭ ના ભોગ લેવાતા અરેરાટી વ્‍યાપી ગઇ છે.

આ અકસ્‍માતની જાણ થતા લખતર તથા વિરમગામ પોલીસે વધુ તપાસ હાથધરી છે. અકસ્‍માતની જાણ થતા જ રાજકોટના પ્રવિણભાઇ ઘુઘાભાઇ મુંધવા, ભરતભાઇ નારણભાઇ મુંધવા, ભરતભાઇ ત્રાડ, મુળદાસભગત (ડેડીયાધામ) સહિતના ઘટનાસ્‍થળે દોડી ગયા હતા.

આયોજકના પિતાનું અવસાન થતા તેઓ પદયાત્રામાં ન હતા

વઢવાણ- આટકોટ તા.૧૩: આ અકસ્‍માતમાં પદયાત્રા સંઘનું આયોજન કરનારા આયોજક ર દિવસથી ન હતા. કારણ કે આયોજકના પિતાનું ર દિવસ પહેલા અવસાન થતા તેઓ અંતિમવિધી સહિતના કાર્યમાં હતા.(૨.૯)

મૃતદેહોને પાવડાથી

ભરવા પડયા....

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ તા.૧૩: રાજકોટના ગઢકા ગામેથી ડેકાવાડા ખાતે મહાદેવજીના મંદિરે સંઘ લઈને જતા હતા તે દરમિયાન બેફામ દોડતા ટ્રક ચાલક દ્વારા ભાસ્‍કર પરા ગામના પાટીયા નજીક યાત્રાળુઓને હડફેટે લેવામાં આવ્‍યા છે અકસ્‍માતમાં પાંચ મહિલા અને બે પુરુષોના મોત નીપજવા પામ્‍યા છે હજુ પણ અન્‍ય ત્રણ લોકોની હાલત ગંભીર છે. અકસ્‍માત એટલો ગમખ્‍વાર હતો કે જે મળતદેહ છે તેને પાવડા થી અને બકડીયા થી હાઇવે ઉપરથી ભરવામાં આવ્‍યા છે અને હાલ લખતર પોલીસે ટ્રાફિક હળવો કરવાનો પ્રયત્‍ન હાથ ધરવામાં આવ્‍યો છે. હાલના તબક્કામાં તમામ મળતદેહોને સુરેન્‍દ્રનગરની લખતર સરકારી હોસ્‍પિટલ ખાતે ખસેડવામાં આવ્‍યા છે ઈજા ગ્રસ્‍તોને વિરમગામ સરકારી હોસ્‍પિટલ ખાતે ખસેડી અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

(11:34 AM IST)