તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 21st September 2026
દોષી સાબિત થયા ન હોય તેવા ૧૦માંથી ૭ કેદી જેલોમાં બંધ
મુદત પે મુદત : ન્યાયની પ્રતીક્ષામાં જેલના સળિયા ગણતા કેદીઃદેશમાં ૮,૯૦૦થી વધુ કાચા કામના કેદી પાંચ વર્ષથી જેલમાં સબડી રહ્યા છે! : ગુજરાત સહિત દેશની જેલોમાં ૩.૭૧ લાખથી વધુ કાચા કામના કેદી - એનસીઆરબીના અહેવાલમાં ઘટસ્ફોટ

નવી દિલ્હીઃ તા.૨૧: દેશની ન્યાયપ્રણાલી પર કેસોનું ભારણ અને અદાલતી કાર્યવાહીમાં થતો વિલંબ આજે એક ગંભીર સામાજિક અને માનવતાવાદી પડકાર બનીને સામે આવ્યો છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યૂરો(NCRB)ના અહેવાલ ‘પ્રિઝન સ્ટેટિસ્ટિક્સ ઈન્ડિયા'ના આંકડાઓ ચોંકાવનારી વાસ્તવિકતા રજૂ કરે છે. દેશની વિવિધ જેલોમાં સજા પામેલા દોષી કેદીઓ કરતાં જેમનો કેસ અદાલતોમાં વિચારાધીન(અંડરટ્રાયલ) છે તેવા ‘કાચા કામના કેદીઓ'ની સંખ્યા અતિશય વધુ છે. ભારતની જેલોમાં કુલ ૩,૭૧,૪૪૦ કાચા કામના કેદીઓ બંધ છે, જેમાંથી એકલું ગુજરાત ૧૨,૨૮૬ કેદી સાથે નોંધપાત્ર હિસ્સો ધરાવે છે. ગુજરાતની જેલોમાં કેદ કુલ ૧૨,૨૮૬ કાચા કામના કેદીમાંથી ૧૦,૮૭૫ કેદી ગુજરાતના જ વતની છે જ્યારે ૧,૧૯૮ કેદી અન્ય રાજ્યોના અને ૨૧૩ કેદી વિદેશી નાગરિકો છે.
ગુજરાતમાં ૯,૨૮૮ હિન્દુ, ૨,૭૭૪ મુસ્લિમ, ૧૦૩ ખ્રિસ્તી અને ૧૦૨ શીખ સમુદાયના અંડરટ્રાયલ કેદી છે. જેમાં OBCના ૫,૫૪૮, લ્વ્ના ૨,૧૩૦ અને લ્ઘ્ના ૧,૩૨૯ કેદી ન્યાયિક નિર્ણયની રાહ જોઈ રહ્યા છે. સૌથી ચિતાજનક બાબત એ છે કે ગુજરાતમાં ૪૨૯ કેદી અને સમગ્ર દેશમાં ૮,૯૦૦થી વધુ કેદી એવા છે કે, જેઓ પાંચ વર્ષથી પણ વધુ સમયથી માત્ર કાચા કામના કેદી તરીકે જેલમાં બંધ છે. જેમના પર હજુ સુધી વાસ્તવિક દોષ સાબિત થયો નથી. કાચા કામના કેદીઓની વધતી સંખ્યાને કારણે જેલોમાં ભીડ વધી રહી છે તેના પાછળ અનેક વહીવટી અને ન્યાયિક ક્ષતિઓ જવાબદાર છે. દેશની વિવિધ અદાલતોમાં કરોડો કેસો પડતર છે. પૂરતા ન્યાયાધીશોની અછતને કારણે તારીખો પર તારીખો પડે છે. મોટાભાગના કાચા કામના કેદીઓ આર્થિક રીતે નબળા વર્ગમાંથી આવે છે. તેઓ યોગ્ય વકીલ રોકવામાં કે જામીન માટે જરૂરી બોન્ડ, જામીનગીરી રકમ ચૂકવવામાં અસમર્થ હોય છે. એવી જ રીતે, પોલીસ તપાસ પ્રક્રિયા ધીમી હોવાથી સમયસર ચાર્જશીટ દાખલ થતી નથી અથવા ફોરેન્સિક રિપોર્ટ આવવામાં સમય લાગે છે. સરકારી વકીલો અથવા લીગલ એઈડ સર્વિસિસ તરફથી મળતી કાનૂની મદદ ઘણીવાર અસરકારક કે ઝડપી હોતી નથી.
સામાજિક અને માનસિક અસરોઃ વર્ષો સુધી જેલમાં બંધ રહેતા કાચા કામના કેદીઓનું સપનું અને ભવિષ્ય ધૂંધળું બની જાય છે. ૧૮થી ૩૦ વર્ષના હજારો યુવાનો જ્યારે કેસના નિકાલની રાહમાં જેલમાં વિતાવે છે ત્યારે તેમનો કિમતી સમય અને કારકિર્દી નાશ પામે છે.
નિર્દોષ છૂટે તો પણ સામાજિક કલંકઃ જો વર્ષો પછી કોર્ટ કેદીને નિર્દોષ જાહેર કરે (જેમ કે ૨૦૨૪માં દેશભરમાં ૪૪,૨૩૯ કેદી નિર્દોષ છૂટ્યા), તો પણ જેલમાં વિતાવેલા વર્ષો પાછા મળતા નથી અને સમાજ તેમને ગુનેગારની નજરે જ જૂએ છે.
જેલોમાં અતિશય ભીડ : ક્ષમતા કરતા વધુ કેદીઓ હોવાથી જેલના માનવ અધિકારો અને માનસિક સ્વાસ્થ્ય પર વિપરીત અસર પડે છે.
ગુનાખોરીનું જોખમ :નાના-મોટા કેસમાં જેલમાં ગયેલા બિન-ગુનેગાર કેદીઓ જેલના માહોલમાં રીઢા ગુનેગારોના સંપર્કમાં આવીને ગંભીર ગુનાખોરી તરફ ધકેલાય તેવી શક્યતા વધી જાય છે.
જામીન મેળવવામાં કાનૂની અને નાણાકીય અડચણોઃ મોટાભાગના કાચા કામના કેદીઓ ગરીબ કે ગ્રામીણ પૃષ્ઠભૂમિના હોય છે. જામીન મળવા છતાં જામીનદાર કે બોન્ડની રકમ ન ભરી શકવાને કારણે તેઓ જેલમાં જ રહેવા મજબૂર બને છે.
પોલીસ તપાસ અને ફોરેન્સિક લેબમાં વિલંબઃ સમયસર ચાર્જશીટ દાખલ ન થવું અને FSL રિપોર્ટ આવવામાં લાગતો મહિનો કે વર્ષોનો સમય કેસને લંબાવે છે.
માનવ અધિકારોનું ઉલ્લંઘનઃ બંધારણના આર્ટિકલ ૨૧ હેઠળ ‘ઝડપી ન્યાય' એ મૂળભૂત અધિકાર છે, પરંતુ વર્ષો સુધી અંડરટ્રાયલ રાખવા તે માનવ અધિકારનું સ્પષ્ટ ઉલ્લંઘન છે.
જેલમાં કેદનો સમયગાળો (ભારત vs ગુજરાત)
સમયગાળો ભારત(ટકાવારી) ગુજરાત(કેદીઓ)
૩ મહિના સુધી ૩૩.૯% ૪,૬૩૬
૩થી ૬ મહિના ૧૯.૫% ૨,૦૫૬
૬થી ૧૨ મહિના ૧૬.૫% ૧,૭૦૩
૧થી ૩ વર્ષ ૧૩.૯% ૨,૬૫૪
૩થી ૫ વર્ષ ૮.૧% ૮૦૮
૫ વર્ષથી વધુ ૨.૪% (૮,૯૦૦+) ૪૨૯
TOP ૧૦: કાચા કામના કેદીઓ ધરાવતા રાજ્યો
રાજ્યો કાચા કામના કેદી
ઉત્તર પ્રદેશ ૫૯,૧૯૪
બિહાર ૪૫,૩૩૯
મહારાષ્ટ્ર ૩૧,૫૨૩
પંજાબ ૨૩,૯૨૨
મધ્ય પ્રદેશ ૨૩,૧૩૨
પ.બંગાળ ૨૦,૨૯૪
હરિયાણા ૧૯,૦૧૫
રાજસ્થાન ૧૮,૧૭૮
તમિલનાડુ ૧૩,૨૭૪
ઓડિશા ૧૨,૮૭૯
(10:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
