<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th April 2026

રાજ્યસભામાં આમ આદમી પાર્ટીના ૧૦ માંથી ૭ સાંસદો ભાજપમાં જોડાયા : કેસરીયા બ્રિગેડમાં વિલીનીકરણ સાથે ‘બે તૃતીયાંશ’નું ગણિત કેમ છે મહત્વનું?

રાઘવ ચઢ્ઢા, હરભજન સિંહ અને સ્વાતિ માલીવાલ સહિતના ૭ સાંસદોના પક્ષપલટાથી ગેરલાયકાતનું સંકટ ટળ્યું : બંધારણીય જોગવાઈ મુજબ પૂરતું સંખ્યાબળ હોવાથી સાંસદ પદ સુરક્ષિત રહેશે અને પક્ષાંતર વિરોધી કાયદો લાગુ નહીં પડે

નવી દિલ્હી:રાજ્યસભામાં આમ આદમી પાર્ટી (AAP)ને અત્યાર સુધીનો સૌથી મોટો ફટકો પડ્યો છે. પક્ષના અગ્રણી ચહેરા રાઘવ ચઢ્ઢાએ આમ આદમી પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની જાહેરાત કરી છે. જોકે, આ કોઈ સામાન્ય પક્ષપલટો નથી, પરંતુ એક વ્યુહાત્મક હિલચાલ છે. રાઘવ ચઢ્ઢાની સાથે પક્ષના કુલ ૧૦ માંથી ૭ સાંસદોએ સામૂહિક રીતે ભાજપમાં ભળવાનો નિર્ણય લેતા દિલ્હીથી પંજાબ સુધીના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.

 

શા માટે '૭'નો આંકડો નિર્ણાયક છે?

ભારતીય બંધારણની દસમી અનુસૂચિ એટલે કે પક્ષાંતર વિરોધી કાયદા મુજબ, જો કોઈ પક્ષનો ચૂંટાયેલો પ્રતિનિધિ પક્ષ છોડે તો તેણે પોતાનું સભ્યપદ ગુમાવવું પડે છે. પરંતુ, આ કાયદામાં વિલીનીકરણ (Merger) માટે એક વિશેષ અપવાદ છે. જો ગૃહમાં રહેલા પક્ષના કુલ સભ્યોમાંથી ઓછામાં ઓછા બે તૃતીયાંશ (૨/૩) સભ્યો એકસાથે બીજા પક્ષમાં ભળે, તો તેને પક્ષાંતર નહીં પણ વિલીનીકરણ ગણવામાં આવે છે. આમ આદમી પાર્ટીના રાજ્યસભામાં ૧૦ સભ્યો છે, જેમના બે તૃતીયાંશ એટલે કે ૭ સભ્યો થાય. જો આ સંખ્યા ૭ થી ઓછી હોત, તો તમામ સભ્યોએ પોતાની સદસ્યતા ગુમાવવી પડત. ૭ સાંસદો એકસાથે હોવાથી હવે તેઓ ગેરલાયક ઠરશે નહીં.

 

વિલીનીકરણમાં જોડાયેલા મુખ્ય ચહેરાઓ:

રાઘવ ચઢ્ઢાએ પત્રકાર પરિષદમાં સ્પષ્ટ કર્યું હતું કે તેઓ બંધારણીય જોગવાઈઓ હેઠળ ભાજપમાં ભળી રહ્યા છે. તેમની સાથે ભાજપમાં જોડાનારા અન્ય સાંસદોમાં પૂર્વ મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલ, પૂર્વ ક્રિકેટર હરભજન સિંહ, સંગઠન મંત્રી સંદીપ પાઠક, અશોક મિત્તલ, રાજીન્દર ગુપ્તા અને વિક્રમ સાહનીનો સમાવેશ થાય છે. આ તમામ દિગ્ગજો હવે રાજ્યસભામાં ભાજપના સભ્ય તરીકે ઓળખાશે.

 

બંધારણીય રક્ષણ અને રાજકીય સ્થિરતા:

સામાન્ય રીતે પક્ષના વ્હિપ વિરુદ્ધ જનાર કે રાજીનામું આપનાર સાંસદ સામે ગેરલાયકાતની કાર્યવાહી રાજ્યસભાના અધ્યક્ષ દ્વારા કરવામાં આવે છે. પરંતુ અહીં બે તૃતીયાંશ સભ્યોનું સંખ્યાબળ હોવાથી ટેકનિકલી આ એક કાયદેસરનું વિલીનીકરણ છે. આ હિલચાલને કારણે રાઘવ ચઢ્ઢાએ પોતાનું સાંસદ પદ ગુમાવવું પડશે નહીં. આ મોટા ગાબડાને કારણે રાજ્યસભામાં આમ આદમી પાર્ટીનું કદ વેતરાઈ ગયું છે, જ્યારે ભાજપનું સંખ્યાબળ અને પ્રભુત્વ વધુ મજબૂત બન્યું છે.

(9:35 PM IST)