તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 22nd June 2026
દેશમાં દોડશે વધુ ૭ બુલેટ ટ્રેન
મુંબઈ-અમદાવાદ રૂટ પછી કેન્દ્ર સરકારે મેગા પ્લાનને આપી મંજૂરીઃ મુંબઈ-પુણે વચ્ચે માત્ર ૪૮ મિનિટમાં મુસાફરી પૂરી થશેઃ દિલ્હી, બેન્ગલોર, હૈદરાબાદ અને વારાણસી જેવાં મેગા સિટી હાઈ-સ્પીડ રેલ નેટવર્કથી જોડાશે

નવી દિલ્હી,તા.૨૨: ભારતમાં ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્રે મોટી ક્રાન્તિ લાવવાના હેતુથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે દેશના પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ઉપરાંત વધુ ૭ નવા રૂટને લીલી ઝંડી આપી દીધી છે. હાલમાં મુંબઈ-અમદાવાદ કોરિડોરનું કામ ચાલી રહ્યું છે ત્યારે સરકારે દેશનાં મોટાં આર્થિક, ઔદ્યોગિક, ટેક્રોલોજિકલ અને પ્રવાસન હબ્સને સાંકળવા માટે આ દીર્ઘકાલીન નેશનલ વિઝન તૈયાર કર્યું છે. આ પ્રસ્તાવિત યોજના હેઠળ દેશનાં પ્રખ્યાત શહેરો વચ્ચે હાઈ-સ્પીડ ટ્રેનો દોડાવવામાં આવશે. એમાં મુંબઈ-પુણે, પુણે-હૈદરાબાદ, હૈદરાબાદ-બેન્ગલોર, હૈદરાબાદ-ચેન્નઈ, ચેન્નઈ-બેન્ગલોર, દિલ્હી-વારાણસી અને વારાણસી-સિલિગુડી રૂટનો સમાવેશ થાય છે.
સરકારના અહેવાલ અનુસાર આ પ્રસ્તાવિત હાઈ-સ્પીડ રેલ (HSR) નેટવર્ક માટે હજી બાંધકામની કોઈ ચોક્કસ સમયમર્યાદા જાહેર થઈ નથી; પરંતુ ટૂંક સમયમાં જ દરેક કોરિડોર માટે ફીઝિબિલિટી સ્ટડી, જમીન-સંપાદન, મંજૂરીઓ અને ફન્ડિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ નવી લાઇનો શરૂ થવાથી બે મોટાં શહેરો વચ્ચેનું અંતર કલાકોને બદલે મિનિટોમાં સીમિત થઈ જશે. આ મહત્ત્વાકાંક્ષી HSR પ્રોજેક્ટ આગામી સમયમાં દેશના આર્થિક વિકાસને નવી ગતિ આપશે અને કરોડો પ્રવાસીઓનો કીમતી સમય બચાવશે.
નવા રૂટ અને મુસાફરીના અંદાજિત સમયની ઝલક
મુંબઈથી પુણે ૪૮ મિનિટ
બેન્ગલોરથી ચેન્નઈ ૭૩ મિનિટ
દિલ્હીથી વારાણસી ૩ કલાક ૧૫ મિનિટ
બેન્ગલોરથી હૈદરાબાદ બે કલાક ૧૦ મિનિટ
પુણેથી હૈદરાબાદ બે કલાક ૮ મિનિટ
દિલ્હીથી લખનઉ બે કલાક
દિલ્હીથી સિલિગુડી ૬ કલાક
(9:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
