તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 27th April 2026
રાઘવ ચઢ્ઢા સહિત આપના ૭ સાંસદોને ભાજપમાં જોડાવાની મંજુરી
રાજયસભામાં NDAની તાકાત વધીને ૧૪૮એ પહોંચીઃ બીજેપી ૧૧૩ બેઠકો સાથે ઐતિહાસિક સ્તરે : આમ આદમીને મોટો ફટકોઃ આપનું કદ ૧૦થી ઘટીને માત્ર ૩ સાંસદો પર આવી ગયું

નવી દિલ્હી, તા.૨૭: દિલ્હી અને પંજાબના રાજકારણમાં ભૂકંપ સર્જતા સમાચાર સામે આવ્યા છે. આમ આદમી પાર્ટીના ૭ રાજ્યસભા સાંસદોએ સત્તાવાર રીતે ભાજપમાં વિલીનીકરણ કરી લીધું છે, જેને રાજ્યસભાના અધ્યક્ષ સી.પી. રાધાકળષ્ણને મંજૂરી આપી દીધી છે. આ પક્ષપલટા સાથે ભાજપની સભ્ય સંખ્યા વધીને ૧૧૩ થઈ ગઈ છે, જે પક્ષના ઈતિહાસમાં સર્વોચ્ચ આંકડો છે. બીજી તરફ, રાજ્યસભામાં AAPનું કદ ૧૦ થી ઘટીને માત્ર ૩ સાંસદો પર આવી ગયું છે, જે કેજરીવાલ માટે રાષ્ટ્રીય સ્તરે મોટો ફટકો માનવામાં આવે છે.
આ બળવાનું નેતળત્વ રાઘવ ચઢ્ઢાએ કર્યું છે, જેમાં હરભજન સિંહ, અશોક મિત્તલ અને સ્વાતિ માલીવાલ જેવા જાણીતા ચહેરાઓ સામેલ છે. સૌથી ચોંકાવનારું નામ સંદીપ પાઠકનું છે, જેઓ કેજરીવાલના અત્યંત નજીકના અને સંગઠન મહાસચિવ હતા. પંજાબમાં પોતાની અવગણનાથી નારાજ પાઠકે પક્ષનો છેડો ફાડતા હવે પંજાબના ક્વોટામાંથી AAP પાસે માત્ર એક જ સાંસદ બલબીર સિંહ સીચેવાલ બાકી રહ્યા છે. સાંસદોએ આરોપ લગાવ્યો છે કે પાર્ટીએ પોતાનો મૂળ હેતુ ગુમાવી દીધો છે.
આ સમગ્ર ઘટનાક્રમમાં હાઈવોલ્ટેજ ડ્રામા પણ જોવા મળ્યો હતો. વિક્રમજીત સિંહ સાહનીએ દાવો કર્યો છે કે અરવિંદ કેજરીવાલે પોતે તેમને ફોન કરીને રાજીનામું માંગ્યું હતું, જેનો તેમણે સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. AAP એ આ સાંસદોને ગેરલાયક ઠેરવવા માટે અરજી કરી હતી, પરંતુ ચાર સાંસદોની હાજરી અને ટેકનિકલ લઘુમતીના આધારે અધ્યક્ષે ભાજપમાં તેમના જોડાણને કાયદેસરની માન્યતા આપી દીધી છે. આ ફેરબદલ બાદ રાજ્યસભામાં હવે ભાજપ વધુ મજબૂત સ્થિતિમાં બિલ પસાર કરી શકશે.
(2:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
