<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th September 2026

પાકિસ્તાન-અફઘાનિસ્તાન વચ્ચે યુદ્ધના ભણકારા: પાક. સેનાની એરસ્ટ્રાઇકથી ગરમાયું રાજકારણ, તાલિબાને કહ્યું- "ઇન્શા અલ્લાહ... અમે યોગ્ય જવાબ આપીશું", રશિયાએ કરી આકરા શબ્દોમાં નિંદા

અફઘાનિસ્તાનમાં ૧૦ સ્થળો પર પાકિસ્તાન વાયુસેનાનો બોમ્બમારો, ૪ નાગરિકોના મોત; ડ્રોન અડ્ડાઓને નિશાન બનાવ્યાનો પાકિસ્તાનનો દાવો

 

કાબુલ, તા.૨૪: અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે સીમા પર તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. ગુરુવારે વહેલી સવારે પાકિસ્તાની વાયુસેનાએ અફઘાનિસ્તાનની સરહદમાં ઘૂસીને ૧૦ જેટલા સ્થળો પર ભયાનક એરસ્ટ્રાઇક કરી હતી. આ હવાઈ હુમલા બાદ તાલિબાન શાસન ભારે રોષે ભરાયું છે અને પાકિસ્તાનને ચેતવણી આપતા "ઇન્શા અલ્લાહ... અમે યોગ્ય સમયે સજ્જડ જવાબ આપીશું" તેવી ખુલ્લી ધમકી આપી છે. બીજી તરફ, રશિયાએ પણ પાકિસ્તાનની આ મનસ્વી કાર્યવાહીની આકરા શબ્દોમાં નિંદા કરી છે.

 

પાકિસ્તાની સેનાએ આ એરસ્ટ્રાઇકની પુષ્ટિ કરતા દાવો કર્યો છે કે જે સ્થળો પર હુમલો કરવામાં આવ્યો હતો, તેનો ઉપયોગ પાકિસ્તાન વિરુદ્ધ ડ્રોન લોન્ચ કરવા અને તેને એસેમ્બલ કરવા માટે થતો હતો. પાકિસ્તાનનો આક્ષેપ છે કે ભૂતકાળમાં તેના પર થયેલા હુમલાઓમાં આ જ ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જોકે, અફઘાનિસ્તાનના સત્તાવાળાઓએ આ દાવાને ફગાવી દેતા જણાવ્યું છે કે પાકિસ્તાનના આ અવિચારી બોમ્બમારામાં ચાર નિર્દોષ નાગરિકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

 

આ ઘટના બાદ સમગ્ર દક્ષિણ એશિયા ક્ષેત્રમાં ભૌગોલિક-રાજકીય તણાવ વધી ગયો છે. તાલિબાન તરફથી બદલાની કાર્યવાહીની આશંકાને પગલે પાકિસ્તાને અફઘાન સરહદ પર હાઇ એલર્ટ જાહેર કરી દીધું છે. રશિયા સહિતના આંતરરાષ્ટ્રીય સમુદાયે બંને દેશોને સંયમ જાળવવા અને વાટાઘાટો દ્વારા ઉકેલ લાવવાની અપીલ કરી છે.

 

(5:46 PM IST)